Atmadharma magazine - Ank 122
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
શ્રી ગુરુચરણનો ઉપાસક
****************************************
શ્રી પદ્મપ્રભ–મુનિરાજ નિયમસારની ટીકામાં કહે છે કે–
को नाम वक्ति विद्वान् मम च परद्रव्यमेतदेव स्यात्।
निजमहिमानं जानन् गुरुचरणसमर्च्चना समुद्भूतम् ।। १३२।।
ગુરુચરણોના સમર્ચનથી (એટલે કે સમ્યક્ભક્તિથી) ઉત્પન્ન થયેલા નિજ મહિમાને
જાણતો કોણ વિદ્વાન ‘આ પરદ્રવ્ય મારું છે’ એમ કહે?
શ્રી ગુરુના વિનયપૂર્વક જેણે પોતાના આત્મસ્વભાવને જાણ્યો છે અને પરદ્રવ્યના એક
અંશને પણ પોતાનું માનતો નથી તે જ સાચો વિદ્વાન છે. અને એવા જીવને જ પ્રત્યાખ્યાન હોય
છે. જેને પરથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપનું ભાન નથી અને પર દ્રવ્યને પોતાનું માને છે–
પરની ક્રિયા હું કરું છું એમ માને છે તેણે ખરેખર ગુરુના ચરણની સાચી ઉપાસના કરી નથી, અને
તેને પ્રત્યાખ્યાન હોતું નથી.
સાચા ગુરુ કેવા હોય તે પણ આમાં આવી જાય છે. સમસ્ત પર દ્રવ્યોથી ભિન્ન પોતાના
ચિદાનંદ સ્વરૂપના મહિમાને જે જાણતા હોય અને પર દ્રવ્યના અંશને પણ પોતાનું ન માનતા હોય
તેમ જ ઉપદેશમાં પણ તેમ ન કહેતા હોય તે સાચા ગુરુ છે; અને એવા ગુરુની ભક્તિપૂર્વક જેણે
પોતાના નિજ મહિમાને જાણ્યો છે–સ્વપરનું યથાર્થ ભેદજ્ઞાન કર્યું છે તે જ ગુરુના ચરણનો સાચો
ઉપાસક છે. આ સિવાય જેમણે પોતે આત્મ સ્વરૂપના મહિમાને જાણ્યો ન હોય, ને પર દ્રવ્યને
પોતાનું માનતા હોય, શરીરાદિની ક્રિયા આત્મા કરે છે એમ ઉપદેશતા હોય તે સાચા ગુરુ નથી
પણ કુગુરુ છે. અને ‘કોઈ પણ દ્રવ્ય મારું છે, તેની ક્રિયા હું કરું છું અથવા તે મને કાંઈ લાભ કરે
છે’–એમ જે જીવ માને છે તે જીવ ગુરુના ચરણનો સાચો ઉપાસક નથી, તે ગમે તેટલાં શાસ્ત્રો
જાણતો હોય તોપણ જ્ઞાનીઓ તેને વિદ્વાન કહેતા નથી અને તેને સાચું પ્રત્યાખ્યાન હોતું નથી.
(–પ્રવચનમાંથી)
* * *
ઃ ૩૪ઃ આત્મધર્મઃ ૧૨૨