ચૈતન્યની સાધના
અંતરની ચૈતન્યવસ્તુ અપૂર્વ સૂક્ષ્મ છે.
તે જ્ઞાનના ઉઘાડથી કે કષાયની મંદતાથી દ્રષ્ટિમાં આવી જાય તેમ નથી.
હું સમજીને બીજાને સંભળાવું–એવી જેની ભાવના છે તેને આત્માર્થનું લક્ષ નથી.
આ તો આત્માર્થી થઈને જે પોતે પોતાનું કરવા માંગે તેને સમજાય તેવું છે.
જ્ઞાનનો ઉઘાડ તે જુદી ચીજ છે ને અંર્તદ્રષ્ટિનું પરિણમન તે કંઈક જુદી ચીજ છે.
ચૈતન્યવસ્તુને અન્ય કોઈનો સંબંધ છે જ નહિ,–તો પરને સંભળાવવાની બુદ્ધિથી જે સમજવા માંગે
છે તેને હજી પરના સંબંધની રુચિનું જોર છે, અસંગી ચૈતન્ય તત્ત્વની ખરી રુચિ તેને નથી.
ચૈતન્યસત્તાની મોજૂદગી પરને લીધે કે પુણ્ય–પાપને લીધે નથી, પણ પરના અને રાગના સંબંધ
વગરની ચૈતન્યસત્તા પોતે સ્વભાવથી જ છે. આવી વર્તમાન વર્તતી ચૈતન્યસત્તાને અંર્તદ્રષ્ટિમાં
પકડવી તે જ અનાદિના મિથ્યાત્વનો નાશ કરીને અપૂર્વ સમ્યક્ત્વ થવાની રીત છે.
–પ્રવચનમાંથી.
સમકીતિની પરિણતિ
હું અખંડ જ્ઞાયક ચિદાનંદસ્વરૂપ છું–એવું. જેને સમ્યક્ દર્શન થયું હોય તેને સ્વભાવ સન્મુખ
ઉદ્યમ રહ્યા જ કરે છે, તે સ્વચ્છંદપણે રાગાદિમાં પ્રવર્તતો નથી; હજી અલ્પ વિકાર થાય છે ખરો પણ
રુચિની સન્મુખતા તો જ્ઞાનાનંદ સ્વભાવ તરફ જ રહે છે, વિકારની રુચિ નથી–ભાવના નથી, એટલે
સ્વચ્છંદપણે વિકાર થતો જ નથી. જેને અંર્તદ્રષ્ટિ થઈ છે એવા સમકીતિને તો આવી પરિણતિ
સદાય વર્ત્યા જ કરે છે.
– પણ જેને હજી અંર્તસ્વભાવની સન્મુખ દ્રષ્ટિ થઈ નથી, વિકારની રુચિ ટળી નથી ને
પોતાને સમકીતિ માનીને સ્વચ્છંદપણે રાગાદિમાં પ્રવર્તે છે એવા નિશ્ચયાભાસી જીવને જ્ઞાની
સમજાવે છે કે અરે ભાઈ! તારા પરિણામનો તું વિવેક કર.
* * *
“ज्ञानकला जिसके घट जागी, ते जगमांहि सहज वैरागी;
ज्ञानी मगन विषयसुखमांही, यह विपरीत संभवे नांही ।”
* * *
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)
મુદ્રકઃ જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલયઃ વલ્લભવિદ્યાનગર (ગુજરાત)