Atmadharma magazine - Ank 122
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
હે ઉત્સાહી યુવાન!
તારા સાંસારિક કાર્યોમાં તને સફળતા ન મળી હોય...સંસારમાં ચારે તરફની
પ્રતિકૂળતાથી તું ઘેરાઈ ગયેલો હો–તોપણ...તું હતોત્સાહ ન થઈશ, નિરાશ ન થઈશ.... મુંઝાઈને
તારા જીવનના ઉત્સાહને તોડી ન નાંખીશ...પરંતુ તેવે વખતેય તારા બુદ્ધિ–બળને બરાબર
જાગૃત અને સ્થિર રાખીને એમ વિચારજે કે સંસારમાં ગમે તેવી પ્રતિકૂળતાનો પ્રસંગ હોવા
છતાં મારાથી મારા હિતનો ઉદ્યમ ન થઈ શકે એવું કદી પણ નથી; કોઈ સંજોગોની એવી તાકાત
નથી કે મારા ધાર્મિક ઉત્સાહબળને તોડી શકે!
લૌકિક ભણતર કે વેપાર, ગૃહવાસ કે નોકરી વગેરે લૌકિક કાર્યોમાં સફળતા કે
નિષ્ફળતાનું કારણ જુદું છે, ને ધાર્મિકબળ તેનાથી તદ્ન જુદી ચીજ છે. માટે હે ભાઈ! તને ફરી
ફરીને કહેવાનું કે–જગતથી તું ભલે નાસીપાસ થયો હો........પણ તારા આત્મહિત માટેના
ઉત્સાહમાં તું નાસીપાસ ન થઈશ....અત્યારે આ ઘડીએ જ તારા સમસ્ત બુદ્ધિ–બળનો ઉપયોગ
આત્મહિતને માટે કરવાનો તું નિર્ણય કર. બસ! આ નિર્ણય કરતાં જ તેની દ્રઢતાના જોરે તારા
જીવનમાં એક નવી દિશા ખૂલશે અને અત્યાર સુધીમાં તને ન થઈ હોય એવી શાંતિ થશે.
જીવનમાં અનેકવિધ પ્રતિકૂળતા આવવી તે કાંઈ અસાધારણ વાત નથી, પરંતુ તે પ્રસંગે
પોતાના બુદ્ધિ–બળને સ્થિર રાખીને પ્રતિકૂળતા સામે પણ પોતાના ધાર્મિક ઉત્સાહને ટકાવી
રાખવો ને હિતકર્તવ્યમાં ઉદ્યમી થવું તે સાચો પુરુષાર્થ છે.
હે યુવકભાઈ!
જગતના કાર્યોમાં જો તને નિષ્ફળતા મળતી હોય તો તું સમજ કે પૂર્વજન્મમાં તેં
પાપકાર્યો કરેલાં છે....અને જગતના કાર્યોમાં સફળતા થતી હોય તો તું એમ સમજ કે તે તારા
પૂર્વજન્મના પુણ્યકાર્યોનું જ ફળ છે.–પરંતુ જેનાથી તારા આત્માનું હિત થાય એવું ધર્મકાર્ય તો
તારે આ જન્મમાં નવા જ પ્રયત્નથી કરવાનું છે. માટે હે બંધુ! તું તારા પોતાના જ હિતને માટે
તે નવીન પ્રયત્ન ની દિશાને સમજવા ઉદ્યમી થા.
નોંધઃ
(જિજ્ઞાસુ યુવાન બંધુઓ આ લેખ વાંચ્યા પછી તે સંબંધી પોતાના કાંઈ વિચારો
સંપાદકની જાણ માટે મોકલવા હોય તો ખુશીથી મોકલાવે.)
સંસારનું મૂળ
અજ્ઞાની પોતાના રાગાદિ દોષો પરથી માને છે,
તેમ જ પોતાના જ્ઞાનાદિ ગુણો પણ પરથી માને છે,
એટલે તેને આત્માના સ્વાધીન ગુણોની શ્રદ્ધા નથી અને
ગુણવાન એવા આત્માની પણ ખરેખર તેને શ્રદ્ધા નથી.
પરમાંથી પોતાના ગુણ લેવા માંગે છે–એવી તેની
પરાધીનબુદ્ધિ જ મિથ્યા હોવાથી દુઃખરૂપ છે. જેનાથી તે
જીવ પોતાના દોષ માને છે તેના ઉપર એકત્વબુદ્ધિથી
અનંતો દ્વેષ કરે છે, અને જેનાથી પોતાના ગુણ માને છે
તેના ઉપર એકત્વબુદ્ધિથી અનંતો રાગ કરે છે;–આ
અનંત સંસારના પરિભ્રમણનું મૂળકારણ છે.
મોક્ષનું મૂળ
જ્ઞાની ધર્માત્મા જાણે છે કે હું પરથી જુદો છું,
મારા ગુણ–દોષ પણ પરથી ભિન્ન છે; રાગાદિ દોષ કે
જ્ઞાનાદિ ગુણ મને પરને લીધે થતા નથી; રાગાદિ દોષ
તે મારી પર્યાયનો અપરાધ છે ને જ્ઞાનાદિ ગુણ તો
મારો સ્વભાવ જ છે.–આમ જાણતો હોવાથી જ્ઞાનીને
પર સાથે એકત્વબુદ્ધિપૂર્વકના રાગ–દ્વેષ થતા જ નથી,
અને પોતાના ગુણસ્વભાવની પ્રતીત તેને કદી ખસતી
નથી; એટલે અનંતસંસારના પરિભ્રમણનું મૂળ તેને
છેદાઈ ગયું છે, ને મોક્ષનું મૂળ કારણ એવું ભેદજ્ઞાન
તેને પ્રગટયું છે.
ઃ ૨૮ઃ આત્મધર્મઃ ૧૨૨ઃ