[સં...પા...દ...કી...ય]
આજના યુવક બંધુઓને.....
હે યુવાન બંધુ!
જેમાં તારા બુદ્ધિ–બળનો સદુપયોગ થાય એવી એક હિતકારી વાત આજે તારા માટે
અહીં કરું છું.
હે બંધુ!
તું તારા અત્યાર સુધીના જીવનને વિચારપૂર્વક જો, અને વિચાર કર કે અત્યાર સુધીના
જીવનમાં તેં એવું શું કર્યું છે કે જેથી તારું હિત થાય....તને શાંતિ થાય....અને તારા જીવનની તને
સફળતા લાગે!
–જો હજી સુધી તારા જીવનમાં તેં એવું કાંઈ પણ કર્તવ્ય ન કર્યું હોય, ને ખોટા માર્ગે જ
તેં તારું જીવન વીતાવ્યું હોય,–તો હે બંધુ! હવે તું જાગ...જાગીને દ્રઢતાપૂર્વક એવું કાંઈક કાર્ય
કરવાનો ઉદ્યમી થા કે જેથી તારું હિત થાય....અને તારા બુદ્ધિ–બળની સફળતા થાય.
હે યુવાન બંધુ!
હવે તને એમ જિજ્ઞાસા થશે કે મારે મારા બુદ્ધિ–બળને એવા કયા કાર્યમાં રોકવા કે જેથી
મારું હિત થાય ને બુદ્ધિ–બળની સફળતા થાય!!
સાંભળ ભાઈ! જો તને હિતકાર્ય કરવા માટેની જિજ્ઞાસા જાગી છે તો તે માટેનું કર્તવ્ય તને
બતાવું છું.
હે જિજ્ઞાસુ!
પ્રથમમાં પ્રથમ તું આસ્તિક તો હશે જ. ‘આત્મા છે, આત્માને પૂર્વજન્મ છે, મોક્ષ છે’–
એટલું તો તું જરૂર માનતો જ હશે. જો અત્યાર સુધી આ બાબતમાં તેં વિચાર ન કર્યો હોય તો
હવે આ જ ક્ષણે તેનો વિચાર કરીને માન.
‘આત્મા છે, પૂર્વજન્મ છે, મોક્ષ છે’–એવી આસ્તિક્યતા (વિશ્વાસ) કર્યા પછી તું તારી
સ્વાધીનતા જાણ....કે હું એક સ્વાધીન જીવ છું, મને કોઈ બનાવનાર નથી તેમ જ મારે કોઈ
બીજાને આધીન થઈને ગુણ–દોષ કરવા પડે એમ પણ નથી; મારા ગુણ કે દોષ, પુણ્ય કે પાપ,
ધર્મ કે અધર્મ, હિત કે અહિત, સંસાર કે મોક્ષ, જ્ઞાન કે અજ્ઞાન–તે બધું મારા જ હાથમાં છે.
આવી આત્મ–સ્વાધીનતા જાણ્યા પછી–‘જીવ શું ચીજ છે, તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે? કેવા
કર્તવ્યથી તેનું અહિત થાય છે ને કેવા કર્તવ્યથી તેનું હિત થાય?’–તે જાણવાની જરૂર છે, અને
તને પણ ચોક્કસ તે જાણવાની જિજ્ઞાસા થશે. તેથી તે હવે પછી કહીશ.
* * *
માગશરઃ ૨૪૮૦ ઃ ૨૭ઃ