અજ્ઞાની જીવ ઊંધું સમજે છે. જેને આત્માનું હિત કરવું હોય તેણે પોતાના
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણવાનો ઉદ્યમ કરવો અને આત્માને જાણ્યા પછી
તેમાં એકાગ્રતાનો ઉદ્યમ કરવો. આ ઉપાયથી જ અહિત ટળીને હિત થાય છે.
આત્માના અંતરંગ પ્રયત્ન વિના કદી પણ સમ્યગ્દર્શન થતું નથી. જેમ પરમાં
આત્માનો પ્રયત્ન નથી તેમ પોતાના સમ્યગ્દર્શનમાં પણ આત્માનો પ્રયત્ન
નથી, –એમ જે માને તેણે ખરેખર આત્માને જાણ્યો નથી તેમજ ભગવાનના
ઉપદેશની પણ તેને ખબર નથી. “સર્વજ્ઞદેવે જોયું છે ત્યારે સમ્યગ્દર્શન થશે”
–એમ કહે તો તેમાં પણ સર્વજ્ઞના નિર્ણયનો પ્રયત્ન આવી જ જાય છે; અને
સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય કરતાં તેમાં પોતાના જ્ઞાનસ્વભાવના નિર્ણયનો
પ્રયત્ન ભેગો આવી જ જાય છે. આત્માની ઊંધી કે સવળી એક પણ પર્યાય
પોતાના તે પ્રકારના પ્રયત્ન વગર થતી નથી, દરેક પર્યાયમાં પુરુષાર્થનું
પરિણમન પણ ભેગું છે. –પૂ ગુરુદેવ