Atmadharma magazine - Ank 125
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
: ૧૦૨ : આત્મધર્મ–૧૨૫ : ફાગણ : ૨૦૧૦ :
જ મારો આનંદ છે એ વાતનો વિશ્વાસ અજ્ઞાનીને આવતો નથી. જેમ કસ્તૂરીયામૃગની ડૂંટીમાં
જ સુગંધ પડી છે પણ પોતે પોતાનો વિશ્વાસ કરતો નથી તેથી બહારમાં દોડે છે. તેમ આત્મામાં
જ પરિપૂર્ણ આનંદની તાકાત પડી છે, પણ તેનો વિશ્વાસ ન કરતાં અજ્ઞાની જીવ બહારમાંથી
સુખ ને આનંદ શોધે છે; આત્માની શાંતિ તો આત્મામાં છે, બહારમાં આત્માની શાંતિ નથી.
બહારના સંયોગથી આત્માને સુખ કે દુઃખ નથી.
બહારમાં સધનતા હોવી તે કંઈ ગુણ નથી ને નિર્ધનતા તે કાંઈ દોષ નથી; પણ ‘હું
સધન’ એવું અભિમાન કરવું અથવા ‘હું નિર્ધન’ એવી દીનતા કરવી તે દોષ છે; અને ‘હું તો
જ્ઞાનસ્વરૂપ છું, સધનપણું કે નિર્ધનપણું તે મારું સ્વરૂપ નથી’ –આવું સમ્યક્ ભાન કરવું તે ગુણ
છે–તે ધર્મ છે. આત્મા શું ચીજ છે તેનું આ વર્ણન ચાલે છે. આત્મા પોતાપણે છે ને પરપણે નથી
એમ અસ્તિત્વ–નાસ્તિત્વધર્મ છે. પોતાના જ્ઞાનઆનંદ સ્વરૂપે આત્મા અસ્તિરૂપ છે, ને પરરૂપે
નથી એટલે કે નાસ્તિરૂપ છે. જેમ બે આંગળીમાંથી એક આંગળી તે બીજીપણે નથી, તેમ આત્મા
પરવસ્તુપણે નથી. જગતમાં દરેક ચીજ સ્વપણે સત્ છે ને પરપણે અસત્ છે. પરપણે આત્મા
નથી એટલે પરથી આત્માને સુખ–દુઃખ થાય એ વાત રહેતી નથી.
સર્વજ્ઞભગવાન સીમંધર પરમાત્મા અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજી રહ્યા છે, તેમને
હજી શરીરનો સંયોગ છે. દિવ્યધ્વનિથી સહજ ઉપદેશ નીકળે છે, પણ ‘હું ઉપદેશ આપું’ એવી
તેમને ઈચ્છા નથી; ઈચ્છાનો તો નાશ થઈને કેવળજ્ઞાન પ્રગટી ગયું છે. નીચલી દશામાં આત્માને
ઈચ્છા થાય, પણ ત્યાં ધર્મી જાણે છે કે આ ઈચ્છા વડે કાંઈ જડનું કાર્ય થતું નથી. અજ્ઞાની
ઈચ્છાનો સ્વામી થઈને, ‘મેં પરનું કાર્ય કર્યું’ એમ અભિમાન કરે છે. એકનો એક વહાલો પુત્ર
મરતો હોય ત્યાં શું તેને મરવા દેવાની ઈચ્છા છે? તેને બચાવવાની ઈચ્છા હોવા છતાં કેમ
બચાવી શકતો નથી? તે વસ્તુ જ પર છે, તેમાં જીવની ઈચ્છા કામ આવે નહિ. સંયોગ અને
વિકારથી પાર જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે એવું ભાન કરીને સમ્યગ્દર્શન કરવું તે અપૂર્વ સૂક્ષ્મ
વસ્તુ છે. શ્રેણિક રાજાને વ્રતાદિ ન હતા, રાજપાટ છોડ્યા ન હતા, હજી રાગ હતો પણ અંતરમાં
હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું–એવું ભાન હતું, તેના પ્રતાપે આવતી ચોવીસમાં પહેલાં તીર્થંકર થશે.
પહેલાંં આત્માની ઓળખાણ હોય ને પછી વ્રત–તપ હોય આવો ધર્મનો ક્રમ છે. જેમ શીરો કરવો
હોય તો તેનો ક્રમ જાણે છે કે પહેલાંં ધીમાં લોટ સેકવો ને પછી તેમાં ગોળનું પાણી નાખવું. તે
ક્રમને બદલે ઘીનો બચાવ કરવા માટે પહેલાંં ગોળના પાણીમાં લોટ નાખે તો તેનો શીરો નહિ
થાય પણ લોપરી થશે. તેમ આત્માના જ્ઞાનાનંદ સ્વભાવની ઓળખાણ કરીને પહેલાંં
સમ્યક્શ્રદ્ધા કરવી જોઈએ ને પછી વ્રત–તપ ચારિત્ર હોય આવો ધર્મનો ક્રમ છે. તેને બદલે
સમ્યક્શ્રદ્ધા કર્યા વગર એમ ને એમ વ્રત–તપના શુભરાગથી ધર્મ માની બેસે તેને ધર્મ ન થાય
પણ સંસાર જ થાય. ચિદાનંદ–સ્વરૂપ આત્મા પુણ્ય–પાપરહિત છે તેની ઓળખાણ કરવી તે
અપૂર્વ ધર્મ છે. ચૈતન્ય–તત્ત્વની ઓળખાણ વગર કદી ધર્મની શરૂઆત થતી નથી. માટે આ
મનુષ્યભવ પામીને સત્સમાગમે આત્માની ઓળખાણનો પ્રયત્ન કરવો જોઈએ.
* * * * *