: ચૈત્ર : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૬ : ૧૧૫ :
અને ગિરનારજી તીર્થનો મહિમા સંભળાવ્યો હતો, તે સાંભળતાં ભગવાનના પવિત્ર જીવનમાંથી
ઘણી પ્રેરણાઓ મળતી હતી. તે ઉપરાંત પૂ. ગુરુદેવે કહ્યું હતું કે : ભગવાનના ત્રણ કલ્યાણકની તો
આ ભૂમિ છે, અને વળી દિવ્યધ્વનિમાં આવેલા શ્રુતજ્ઞાનની પરંપરા જળવાઈ રહેવાનું સ્થાન પણ
આ ગિરનારજી જ છે. શ્રી ધરસેનાચાર્યદેવ આ ગિરનારની ગુફામાં રહેતા હતા ને અહીં જ તેમણે
પુષ્પદંત તથા ભુતબલિ મુનિવરોને દિવ્ય ધ્વનિની પરંપરાથી ચાલ્યું આવતું જ્ઞાન આપ્યું હતું, તેમાંથી
જ ષટ્ખંડાગમની રચના થઈ છે. આ રીતે દેવ ગુરુ અને શાસ્ત્ર ત્રણેના યોગથી આ ભૂમિ પવિત્ર છે.
આજે મહા સુદ ૧૧ની રાતે પૂ. ગુરુદેવ તેમજ સંઘના બધા માણસો ગિનારજીની પહેલી ટૂંક
ઉપર જ રહ્યા હતાં.
* પાંચમી ટૂંકની જાત્રા *
(મહા સુદ ૧૨)
મહા સુદ ૧૨ ના રોજ સવારે પૂ. ગુરુદેવ સંઘસહિત પાંચમી ટૂંકે પધાર્યા. ગુરુદેવના પગલે
પગલે પાંચમી ટૂંકે જતાં ભક્તોને ઘણો જ ઉમંગ થતો હતો. દૂર રસ્તામાંથી પાંચમી ટૂંકનું દ્રશ્ય
બહુ આકર્ષક અને ભવ્ય દેખાતું હતું. પાંચમી ટૂંકથી ભગવાન મોક્ષ પધાર્યા તેથી જાણે કે તે
શિખર ગૌરવ લેતું હોય અને ભવ્યોને પોકારતું હોય કે હે ભવ્યો! અહીં આવો... આવો...
ભગવાનની સિદ્ધિનું ધામ જોવા માટે અહીં આવો... ! અને ખરેખર આજે તો પાંચમી ટૂંકે
ભક્તોનો મેળો જામ્યો હતો, પાંચમી ટૂંકના શિખર ઉપર જ્યાં લગભગ ૧૦૦ માણસોના
સમાવેશની જગ્યા છે, ત્યાં ૨૫૦–૩૦૦ માણસો બેઠા હતા, પાંચમી ટૂંકે નેમનાથ પ્રભુના ચરણો
છે તેમજ એક શિલામાં ભગવાનના પ્રતિમાની આકૃત્તિ કોતરેલી છે. ભગવાનનું પૂજન કર્યા બાદ
પ્રથમ પૂ. બેનશ્રીબેને નિર્વાણોત્સવના કાવ્ય દ્વારા ભક્તિ કરાવી હતી–
આવો આવો જી... હાં... હાં... આવો આવો જી
જૈન જન સારે, પ્રભુ નિર્વાણ ગયે...
ગુણ ગાવોજી સકલ નરનારી પ્રભુ શિવથાન ગયે...
ગિરનાર કી પંચમ ટૂંક પર ચરણ પ્રભુકા સોહે...
દૂરદૂરસે હમ સબ (યાત્રી) આકર દેખ પ્રભુ મન
મોહે... આવો આવો જી...
ત્યાર પછી પરમ પૂજ્ય ગુરુદેવે સમયસારની ૩૮મી ગાથાની અધ્યાત્મ ભરી ધુન ગવડાવી હતી–
“હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે.”
ગુરુદેવ એકાકાર લીનતાથી જ્યારે એ ધુન બોલતા હતા ત્યારે, ‘ભગવાન કેવી
અધ્યાત્મભાવનાથી મોક્ષ પામ્યા’ તેનો તાદશ ચિતાર દ્રષ્ટિ સમક્ષ તરવરતો હતો.
એ અધ્યાત્મની ધુન પછી પૂ. ગુરુદેવે કહ્યું કે, ભગવાન નેમિનાથ પ્રભુ અહીંથી મોક્ષ પામ્યા
છે... આ ઠેકાણેથી ભગવાનને અનાદિ સંસારનો અંત અને અપૂર્વ સિદ્ધદશાની શરૂઆત થઈ છે.
ભગવાનના આત્માએ અહીંથી સમશ્રેણીએ ઊર્ધ્વગમન કર્યું અને એક સમયમાં લોકાગ્રે
બિરાજમાન થયા. હાથ ઊંચો કરીને પૂ. ગુરુદેવે બતાવ્યું કે : જુઓ, અહીંથી બરાબર ઉપર–
સમશ્રેણીએ–સિદ્ધાલયમાં ભગવાનનો આત્મા અત્યારે પુર્ણાનંદમાં બિરાજી રહ્યો છે. (આ વખતે
પૂ. ગુરુદેવ અને બધા ભક્તજનો બહુ જ ભાવથી ઊંચે સિદ્ધાલય તરફ જોતા હતા.) અહો, ધન્ય
આ નિર્વાણ ભૂમિ! અહીં ભગવાનના અસંખ્ય પ્રદેશો શુદ્ધ થયા... અહીં ભગવાન મુક્તિ પામ્યા!
ધન્ય છે તે આત્મદ્રવ્યને, ધન્ય છે આ ક્ષેત્રને, ધન્ય છે તે