એવા કુદેવ–કુગુરુને જે માનતો હોય તેની તો અહીં વાત નથી, તે તો તીવ્ર મિથ્યાત્વમાં પડેલા છે. અહીં તો જેને
સાચા દેવ–ગુરુ પ્રત્યે વિનય બહુમાન છે, અને ભક્તિથી આવીને પૂછે છે કે પ્રભો! આત્માનું શુદ્ધસ્વરૂપ છે તે કઈ
રીતે જણાય? એવા જિજ્ઞાસુ શિષ્યને અહીં આચાર્યદેવ સમજાવે છે. પાણીના સંયોગમાં રહ્યું હોવા છતાં તે જ
વખતે કમળના સ્વભાવની સમીપ જઈને જોતાં તેનો સ્વભાવ પાણીથી અલિપ્ત જ છે. તેમ ભગવાન આત્મા
અનાદિથી કર્મના સંયોગમાં રહ્યો હોવા છતાં તેના મૂળ જ્ઞાનસ્વભાવને લક્ષમાં લ્યો તો આત્મા કર્મના સંબંધ
વગરનો છે. વર્તમાન બંધાયેલી અવસ્થાથી જોતાં આત્માને કર્મનો સંબંધ અને બંધન છે, એટલો
નિમિત્તનૈમિત્તિક સંબંધ છે, પરંતુ આત્માના ભૂતાર્થ એકાકાર જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લઈને અનુભવ કરતાં
તેમાં કર્મનો સંબંધ છે જ નહિ. ક્ષણિક અવસ્થામાં કર્મનો સંબંધ છે તે અભૂતાર્થ છે, એટલે ભૂતાર્થ સ્વભાવની
દ્રષ્ટિથી તે કર્મના સંબંધથી રહિત એવા શુદ્ધ આત્માનો અનુભવ થઈ શકે છે. જુઓ, આ અનેકાન્ત!! ક્ષણિક
પર્યાયમાં વિકાર અને કર્મનો સંબંધ છે, અને તે જ વખતે ભૂતાર્થસ્વભાવ વિકાર વગરનો અને કર્મના સંબંધ
વગરનો છે, તે બંને પ્રકારને લક્ષમાં લઈને ભૂતાર્થસ્વભાવ તરફ જ્ઞાન ઢળી ગયું તેનું નામ શુદ્ધનય છે, તે જ
અનેકાન્તનું ફળ છે.
જ્ઞાનસ્વભાવ છે, કર્મના સંયોગની અપેક્ષાએ જોતાં આત્મા બંધાયેલો છે પણ આત્માના જ્ઞાનસ્વભાવને લક્ષમાં
લઈને જોતાં તેમાં કર્મનું બંધન છે જ નહિ. ધર્મી જાણે છે કે બંધન અવસ્થા જેટલો હું નથી, હું તો જ્ઞાનસ્વભાવ
છું. સરોગ અવસ્થા હોવા છતાં તે સરોગ અવસ્થા વખતે પણ નિરોગ અવસ્થાનું જ્ઞાન થઈ શકે છે, સરોગ
અવસ્થા તે નિરોગઅવસ્થાનું જ્ઞાન થવામાં રોકતી નથી. તેમ અવસ્થામાં સરોગતા એટલે વિકાર હોવા છતાં, તે
વિકારરહિત નિર્દોષ જ્ઞાનાનંદ સ્વભાવ હું છું–એવું જ્ઞાન ભૂતાર્થદ્રષ્ટિથી થઈ શકે છે. અને આવા શુદ્ધ આત્માનું
ભાન હોવા છતાં ભગવાનની ભક્તિનો ભાવ આવે, મોટા હાથી લાવીને ભગવાનની રથયાત્રા કાઢે, ભક્તિથી
નાચી ઊઠે, આવો શુભરાગ આવે છતાં ધર્મીને અંતરમાં પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન ખસતું નથી. ઈન્દ્ર
એકાવતારી છે, તેને આત્માનું ભાન હોય છે ને એક ભવ કરીને મોક્ષ પામવાના છે, છતાં તેને પણ ભગવાનના
જન્મ–કલ્યાણક વગેરે પ્રસંગે ભક્તિનો ભાવ ઊછળી જાય છે. ઈન્દ્રો આવીને ભગવાનનો મોટો જન્મોત્સવ કરે
છે, તેનો દેખાવ આજે થયો. અહીં તો સ્થાપના છે, પણ એવું જગતમાં સાક્ષાત્ બનતું આવ્યું છે. અહો!
તીર્થંકરનો જન્મ થાય ત્યારે ઈન્દ્ર આવીને મહોત્સવ કરે, અને બાળક ભગવાનને હાથમાં લઈને ભગવાનનું રૂપ
નીરખે ત્યાં આશ્ચર્ય પામી જાય છે, હજાર આંખો બનાવીને ભગવાનનું રૂપ નીહાળે છે, છતાં તૃપ્તિ થતી નથી,
એવું તો અદ્ભુત રૂપ હોય છે. પૂર્વે આત્માના ભાન સહિતની ભૂમિકામાં એવો શુભભાવ થયો તેના ફળમાં આ
શરીર મળ્યું છે. ભગવાનનો આત્મા તો અલૌકિક, ને ભગવાનનું શરીર પણ અલૌકિક હોય છે. ભગવાનના
પંચકલ્યાણકનો મહોત્સવ અહીં જેવો ઊજવાય છે એવા મહોત્સવો અનંતવાર થઈ ગયેલા છે. મહાન સંતો
મુનિઓએ પ્રતિષ્ઠા–વિધિના શાસ્ત્રો રચ્યાં છે. અંતરમાં ચિદાનંદ સ્વભાવનું ભાન હોય અને આવા પંચકલ્યાણક
મહોત્સવ વગેરેનો ભાવ પણ આવે એવી ધર્મીની ભૂમિકા હોય છે આત્માનું ભાન થયા પછી પૂજા–ભક્તિનો
ભાવ આવે જ નહિ એમ કોઈ કહે તો તેને ધર્મની ભૂમિકાનું ભાન જ નથી. અને એકલા શુભરાગને જ ધર્મ
માની લ્યે તો તેને પણ ધર્મનું ભાન નથી અહીં તો અપૂર્વ વાત છે. ક્ષણિક વિકાર હોવા છતાં આત્માનો ભૂતાર્થ
સ્વભાવ શુદ્ધચૈતન્ય છે તેમાં તે વિકાર નથી, આવા ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિથી શુદ્ધઆત્માની અનુભૂતિ પ્રગટ
કરવી તે અપૂર્વ ધર્મ છે.