Atmadharma magazine - Ank 127
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૧૩૨ : આત્મધર્મ–૧૨૭ : વૈશાખ : ૨૦૧૦ :
પ્રભાવશાળી દ્રશ્ય જોઈને ભક્તોને બહુ આનંદ થતો હતો. પછી સારી નગરીમાં જૈનધર્મનો
પ્રભાવ ફેલાય છે, ને આખી પ્રજા જૈનધર્મ અંગીકાર કરે છે. એકવાર મહાવીર ભગવાન
રાજગૃહીમાં પધારે છે, ત્યારે અભયકુમાર અને ચેલણારાણી વૈરાગ્ય ભાવના ભાવતા
ભગવાનના સમવસરણમાં જાય છે....એ સંવાદ પૂરો થાય છે.
ચૈત્ર સુદ ત્રીજના રોજ શાંતિયજ્ઞ થયો હતો. શાંતિયજ્ઞ બાદ ભગવાનના દર્શન
કરીને, મોરબી સંઘના ભાઈઓ તેમજ ઈન્દ્ર–ઈન્દ્રાણી વગેરે પરમ પૂ. ગુરુદેવના દર્શન
કરવા આવ્યા હતા. ત્યાં ગુરુદેવની ભાવભીની સ્તુતિ કરીને, તેઓશ્રીનો પરમ ઉપકાર
વ્યક્ત કર્યો હતો. બપોરે પ્રવચન પછી જિનમંદિરમાં ભક્તિ થઈ હતી, તેમાં પૂ.
ગુરુદેવશ્રીએ મહાવીર પ્રભુનું સ્તવન ગવડાવીને બહુ ઉલ્લાસભરી ભક્તિની શરૂઆત કરી
હતી. તે દિવસે ગુરુદેવની ભક્તિની ધૂન જોઈને બધાને ઘણો હર્ષ થયો હતો. રાત્રે
માનસ્તંભ–મહોત્સવની ફિલ્મનો બાકીનો ભાગ બતાવવામાં આવ્યો હતો.
પરમ પૂજ્ય ગુરુદેવના મહાન પ્રતાપે મોરબી શહેરમાં દિ. જૈન સંઘે ભવ્ય જિનમંદિર
બંધાવ્યું અને તેમાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો આવો પંચકલ્યાણક–મહોત્સવ
ઉજવાયો. પરમ કૃપાળુ પૂ. ગુરુદેવના આવા અપાર ઉપકારોનું વર્ણન થઈ શકે તેમ નથી.
સૌરાષ્ટ્રના લોકોને દિ. જૈન ધર્મ શું છે તેની પણ થોડા વર્ષો પહેલાંં ખબર ન હતી, તેને
બદલે પૂ. ગુરુદેવના અલૌકિક ધર્મ–પ્રભાવથી આજે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર દિ. જૈનધર્મના ઊંડા
મૂળ રોપાયા છે, અને જૈનશાસનની મંગલ–પ્રભાવના દિન દિન વૃદ્ધિગત થઈ રહી છે.
પરમ પ્રતાપી ગુરુદેવનો મહાન પ્રભાવના ઉદય જયવંત વર્તો કે જેના પ્રતાપે સૌરાષ્ટ્રના
ભક્તજનોને ઠેર ઠેર જિનેન્દ્ર ભગવાનનો ભેટો થાય છે ને આખું સૌરાષ્ટ્ર તીર્થધામ બની
ગયું છે. જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક–મહોત્સવ ઉલ્લાસપૂર્વક કરાવવા માટે
મોરબી દિ. જૈન સંઘના મુમુક્ષુ ભાઈઓને અનેક ધન્યવાદ ઘટે છે.
પ્રતિષ્ઠા–મહોત્સવ બાદ પૂ. ગુરુદેવ ચૈત્ર સુદ પાંચમ સુધી મોરબીમાં બિરાજ્યા હતા; અને
ચૈત્ર સુદ છઠ્ઠના રોજ સવારે મોરબી જિનમંદિરમાં મહાવીર ભગવાનની મંગલ સ્તુતિ કરાવીને
વાંકાનેર તરફ વિહાર કર્યો હતો. આ પ્રતિષ્ઠા–મહોત્સવમાં વિધિ કરાવવા માટે ઇંદોરના પંડિત શ્રી
નાથુલાલજી શાસ્ત્રી આવ્યા હતા અને તેમણે સુંદર રીતે બધી વિધિ કરાવી હતી, તે માટે તેમનો
આભાર માનવામાં આવે છે.