એમ શુદ્ધ આત્માની પ્રીતિ કરીને તેમાં એકાગ્ર થવાથી જ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર પ્રગટે છે. આ સિવાય
બહારમાં બીજું કરતાં કરતાં ધર્મ થશે એમ અજ્ઞાની લોકો માને છે, પણ અંતરમાં આનંદકંદ આત્મા છે
તેની પ્રીતિ કરીને તેમાં એકાગ્રતા કરવી તે સિવાય બહારમાં બીજો કોઈ હિતનો ઉપાય નથી. જેમ દૂધમાંથી
માવો થાય છે તે ક્યાંથી આવ્યો? અંદર દૂધમાં જ માવો થવાની તાકાત પડી છે. તેમ આત્મામાં પૂર્ણ જ્ઞાન–
આનંદરૂપ પરમાત્મદશા પ્રગટે છે તે ક્યાંથી આવે છે? આત્મામાં જ પરમાત્મા થવાની તાકાત ભરી છે; તે
પરમાત્મસ્વભાવનો મહિમા લાવીને તેનું ધ્યાન કરતાં કરતાં તેમાંથી જ પરમાત્મદશા પ્રગટી જાય છે.
દુનિયાના અજ્ઞાની જીવો અનાદિથી પોતાના સ્વભાવના મહિમાને ભૂલીને, સંયોગનો ને રાગનો મહિમા કરે
છે ને વિકારમાં લીન થઈને સંસારમાં રખડે છે.
અનંતકાળથી જીવ રખડી રહ્યો છે. ચિદાનંદ સ્વભાવના ભાન વગર ભવનો ભાવ ટળે નહિ, ને ચારે ગતિનું
પરિભ્રમણ મટે નહિ. જેને પુણ્યની રુચિ છે તેને ભવની રુચિ છે. અને જેને ભવની રુચિ છે તેને નરકના
અવતારનો ભાવ પણ પડ્યો જ છે. ભવનો અભાવ કેમ થાય તેની આ વાત છે. ભાઈ! આવો મનુષ્ય અવતાર
મળ્યો, તેમાં હવે ભવનો અભાવ થઈ જાય એવો અપૂર્વ ભાવ તારા આત્મામાં જો પ્રગટ ન કર તો તેં આ મનુષ્ય
અવતાર પામીને શું કર્યું? આત્માના ભાન વગર પુણ્ય–પાપ તો અનંતકાળથી કરતો જ આવ્યો છે, તે કાંઈ નવું
નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે––
પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો;
વનવાસ રહ્યો મુખ–મૌન રહ્યો,
દ્રઢ આસન પદ્મ લગાય દીયો.
તદપિ કછૂ હાથ હજુ ન પર્યો;
અબ કયોં ન વિચારત હૈ મનમેં
કછૂ ઓર રહા ઉન સાધનસે.
કર્યા તે બધા ઉપાયો ફોગટ ગયા ને તારું ભવભ્રમણ તો ઊભું જ રહ્યું. ભવભ્રમણનો નાશ થાય એવો શું ઉપાય
બાકી રહી ગયો તેનો પત્તો મેળવ. અનંતા જીવો સર્વજ્ઞ પરમાત્મા થઈ ગયા તેઓ કયા સાધનથી થયા?
બહારના સાધનથી કે રાગના સાધનથી તેઓ પરમાત્મા નથી થયા, પણ અંતરની સ્વભાવશક્તિને ધ્યાવી–
ધ્યાવીને તેમાંથી જ પરમાત્મપણું પ્રગટ કર્યું છે. આવી પરમાત્મશક્તિ તારામાં પણ પડી છે; તેની પ્રતીત વિના
પૂર્વે તેં જે ઉપાયો કર્યા તે બધા નિષ્ફળ ગયા છે. અંતરમાં મારો આત્મા જ પરમાત્મા થવાની તાકાતવાળો છે
એમ સ્વભાવ શક્તિનો વિશ્વાસ કરીને તેનું અવલંબન કર તો ભવનો અભાવ થઈને પરમાત્મદશા પ્રગટ થયા
વિના રહે નહિ.