Atmadharma magazine - Ank 130
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
: શ્રાવણ: ૨૦૧૦: આત્મધર્મ–૧૩૦ : ૨૦૩:
ભાઈ, તારા જ્ઞાનમાં ‘આ પર છે, આ રાગ છે’ એમ પરનો ને રાગનો ખ્યાલ તો આવે છે ને? તો તેનો
ખ્યાલ કરનાર ‘હું પોતે જ્ઞાન છું’ એમ પોતાના જ્ઞાનનો ખ્યાલ કેમ નથી કરતો? જ્ઞાનને બહારમાં વાળીને પરને
જાણે છે, તો જ્ઞાનને અંતરમાં વાળીને પોતાને કેમ નથી જાણતો? અજ્ઞાની જીવ પરને કે રાગને જાણતાં તેમાં જ
તન્મયપણું માની લ્યે છે, પણ જુદું જ્ઞાન તેના લક્ષમાં આવતું નથી તેથી જ તે સંસારમાં રખડે છે. તેને બદલે,
પરને અને રાગને જાણનાર હું જ્ઞાનસ્વરૂપ છું, મારું જ્ઞાન પરથી ને રાગથી જુદું જ છે એમ નિર્ણય કરીને,
જ્ઞાનતત્ત્વમાં જ તન્મય થઈને તેને પોતાનું જ્ઞેય બનાવવું તે અપૂર્વધર્મ છે ને તે મુક્તિનો માર્ગ છે. બસ!
બહારમાં જ્ઞાનનું ધ્યેય કર્યું તે સંસાર છે, ને અંતરમાં ચૈતન્યતત્ત્વને જ્ઞાનનું ધ્યેય કર્યું તે મોક્ષમાર્ગ છે.
આત્માનો ચિદાનંદસ્વભાવ સૂક્ષ્મ છે, તેનું જ્ઞાન પણ સૂક્ષ્મ છે; રાગ તે સ્થૂળ છે તેના વડે સૂક્ષ્મ
ચૈતન્યસ્વભાવ પકડાતો નથી. સૂક્ષ્મ ચિદાનંદ સ્વભાવને જાણવા માટે અંતરમાં જ્ઞાનનો અપૂર્વ પ્રયત્ન જોઈએ, તે
જ્ઞાનમાં શુભ–વિકલ્પનું પણ અવલંબન નથી. આત્માનો સ્વ–પર પ્રકાશક સ્વભાવ છે, તેણે પોતાના સ્વભાવ
સાથે જ્ઞાનની એકતા કરીને જાણવું જોઈએ, તેને બદલે પર સાથે જ્ઞાનની એક્તા માને છે, તેથી તે પોતે પોતાને
જાણતો નથી ને અજ્ઞાનને લીધે સંસારમાં રખડે છે. આત્માના સ્વપરપ્રકાશક સ્વભાવમાં જ્ઞાનની એકતા કરીને
તેને જાણવો ને તેમાં એકાગ્ર થવું તે મોક્ષનો ઉપાય છે. આત્મા પોતાના સ્વ–પર પ્રકાશક જ્ઞાન સ્વભાવથી જ
સ્વ–પરને પ્રકાશે છે, પણ રાગને કે પરને લઈને તે પ્રકાશતો નથી. રાગ વખતે તેને જાણતા અજ્ઞાનીને એમ
લાગે છે કે આ રાગને લીધે મને જ્ઞાન થાય છે; પણ તે રાગ વખતે તેવું જ જ્ઞાન પોતાની સ્વ–પરપ્રકાશક
શક્તિમાંથી ખીલ્યું છે એવી જ્ઞાનસામર્થ્યની પ્રતીત અજ્ઞાનીને બેસતી નથી. દરેક આત્માનો સ્વ–પર પ્રકાશક
સ્વભાવ હોવા છતાં અજ્ઞાનીને પોતાનો વિશ્વાસ બેસતો નથી તેથી તેને સ્વ–પરપ્રકાશક જ્ઞાનનું કાર્ય ખીલતું નથી
એટલે કે સમ્યગ્જ્ઞાન થતું નથી. આત્માના સ્વ–પરપ્રકાશક સ્વભાવનો નિર્ણય કરીને પોતે પોતાના જ્ઞાન–
સ્વભાવને પોતાનું જ્ઞેય બનાવે તો સમ્યગ્જ્ઞાન પ્રગટે ને ધર્મ થાય. રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન થયા પછી ધર્મી
જીવને રાગનું પણ જ્ઞાન થાય, પરંતુ તેને તે રાગ સાથે જ્ઞાનની એકતા થતી નથી. રાગનું જ્ઞાન થાય તે પણ
પોતાના સ્વ–પરપ્રકાશક જ્ઞાનનો કાળ છે–તે કાળે જ્ઞાનનું તેવું જ સામર્થ્ય ખીલ્યું છે, એમ રાગના જ્ઞાન વખતે
પણ રાગથી ભિન્ન જ્ઞાનસ્વભાવને પ્રતીતમાં રાખવો તે ધર્મ છે. જ્ઞાનમાં રાગ જણાય, ત્યાં જ્ઞાની તો પોતાના
જ્ઞાનનું જ સામર્થ્ય દેખે છે, ને અજ્ઞાની એકલા રાગને જ દેખે છે. રાગના કાળે તે રાગનું જ્ઞાન થાય, માટે રાગને
લીધે તે જ્ઞાન થયું એમ નથી. પરને લીધે કે રાગને લીધે જ્ઞાન થતું નથી, પણ હું મારા સ્વ–પરપ્રકાશક
જ્ઞાનસ્વભાવને લીધે જ જાણું છું, મારા જ્ઞાનમાં રાગ જણાય ત્યારે પણ તે રાગની અધિકતા નથી પણ મારા
જ્ઞાનસામર્થ્યની જ અધિકતા છે, રાગથી મારી ભિન્નતા છે ને જ્ઞાન સાથે મારી એકતા છે; આમ ભેદજ્ઞાન કરીને,
પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેમાં એકતા કરતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના તરંગ ઊઠે છે, તે
મુક્તિનો માર્ગ છે.
–વીર સં. ૨૪૮૦, માગશર વદ ૧૨ ના રોજ રાજકોટ
શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન. તત્ત્વજ્ઞાન તરંગિણી
અધ્યાય ૧, શ્લોક ૯–૧૦
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
સોનગઢમાં અષાડ વદ એકમના રોજ વીરશાસન
જયંતિ મહોત્સવ પ્રસંગે ભાઈશ્રી છોટાલાલ રાયચંદ
ખધાર (ચુડાવાળા) તથા તેમનાં ધર્મપત્ની કાન્તાબેન–
એ બંને એ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ.
ગુરુદેવ પાસે અંગીકાર કરી છે; તે માટે તેમને ધન્યવાદ!