Atmadharma magazine - Ank 131
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
: ૨૦૬ : આત્મધર્મ–૧૩૧ ભાદ્રપદ : ૨૦૧૦ :
(ટાઈટલ પાના નં. ૨૨૩ થી ચાલુ)
તે જીવને પોતાના સ્વભાવધર્મનો (–સમ્યગ્દર્શનાદિકનો) ત્યાગ છે. આત્મા પરને તો ગ્રહી કે છોડી શકતો નથી,
પણ હું પરને છોડું એમ જે માને છે તે પોતાના સ્વભાવધર્મને છોડે છે.
આત્માના સ્વભાવની આ વાત જીવ કદી સમજ્યો નથી, ને ખરેખર તેનું યથાર્થ શ્રવણ પણ કર્યું નથી. જો
કે પૂર્વે આ વાત શ્રવણમાં આવી પણ તે વખતે પોતે અંતરમાં તેનો ભાવ લક્ષગત કર્યો નહિ, તેથી તેણે ખરેખર
શ્રવણ પણ નથી કર્યું. ખરેખર શ્રવણ કર્યું તો ત્યારે કહેવાય કે જેવો તેનો ભાવ છે તેવો અંતરમાં લક્ષગત કરીને
સમજે. સમજણ વગરનું શ્રવણ તે ખરું શ્રવણ કહેવાય નહિ.
કોઈ કહે કે : આ વાત અમને સમજાય છે પણ તેનું કાર્ય બનતું નથી. તો તેને કહે છે કે ભાઈ! પહેલાંં નહોતું
સમજાતું ને હવે સત્ય સમજાયું, તો તેમાં જ્ઞાનનું યથાર્થ કાર્ય થયું કે ન થયું? સમજાય છે અને કાંઈ કાર્ય નથી થતું
એ વાત જ ખોટી છે. સાચી સમજણ કરવી એ જ ધર્મનું પહેલું કાર્ય છે. જે ખરેખર સમજે તેને કાર્યની શંકા રહે નહિ,
અને જેને શંકા રહે તેને ખરેખર સમજાયું જ નથી. સમજાય છે પણ કાર્ય નથી થતું એમ કહેનારને ખરેખર સમજણ
સાચી થઈ નથી. હું સમજું છું, એમ તે ભ્રમણાથી માને છે; જો ખરેખર સમજે તો કાર્ય થવાની શંકા રહે જ નહિ.
ઉપયોગસ્વભાવ અને રાગાદિ વિભાવ એ બંને એકબીજાથી વિરુદ્ધ છે; ઉપયોગમાં રાગ નથી અને રાગમાં
ઉપયોગ નથી એ રીતે બંનેને અત્યંત જુદાપણું છે. જેને ઉપયોગસ્વરૂપ આત્માની રુચિ છે તેને રાગની રુચિ હોતી નથી
અને જેને રાગની રુચિ છે તેને આત્માની રુચિ હોતી નથી. આ મંદરાગ કરતાં કરતાં તે રાગના અવલંબને
અંર્તસ્વભાવમાં જવાશે–એવી જેની બુદ્ધિ છે તેને રાગની રુચિ છે ને ચૈતન્યસ્વભાવની અરુચિ છે, તે અનંતાનુબંધી
ક્રોધ છે. રાગથી ચૈતન્યસ્વભાવ પમાય એમ માન્યું તેણે ચૈતન્યસ્વભાવના આધારે આત્મા નથી માન્યો પણ રાગના જ
આધારે આત્મા માન્યો છે, એટલે રાગનું સન્માન કરીને ચૈતન્ય સ્વભાવનું અપમાન કર્યું, રાગનો આદર કરીને
આત્મસ્વભાવનો તિરસ્કાર કર્યો, તે મોટું પાપ છે, ને તે જ મોટી હિંસા છે; તેણે હાથમાં તલવાર લીધી નથી, બહારમાં
કોઈ જીવને માર્યો નથી છતાં પણ તે અનંત હિંસા કરનાર છે, કેમકે રાગથી લાભ માનીને અંતરના ચિદાનંદસ્વભાવને
તેણે હણી નાખ્યો છે. અને જેને ચિદાનંદસ્વભાવનું ભાન છે, ચૈતન્ય અને વિકારનું ભેદજ્ઞાન વર્તે છે એવા સમકિતી
ધર્માત્મા ચોથા ગુણસ્થાને હોય ને હાથમાં તલવાર લઈને લડાઈ કરતા હોય તે જાતનો પાપભાવ પણ થતો હોય, છતાં તે
જ વખતે અંતરમાં ચિદાનંદસ્વભાવની દ્રષ્ટિમાં તેને ક્રોધાદિનો અભાવ છે, ચૈતન્યના ઉપયોગમાં ક્રોધાદિને જરાપણ
કરતા નથી, એટલે અનંતાનુબંધી કષાય તો તેને થતો જ નથી; રાગ વખતે પણ ચૈતન્યસ્વભાવનો આદર છોડીને
રાગનો આદર તેને કદી થતો જ નથી. જુઓ, આ દ્રષ્ટિનો ખરો મહિમા છે. રાગથી ભિન્ન ચૈતન્યતત્ત્વ શું છે તેને
ઓળખીને આવી દ્રષ્ટિ પ્રગટ કરવી તે જ વીતરાગી અહિંસા ધર્મની પહેલી ક્રિયા છે.
સમસ્ત કર્મનો સંવર થવાનો ઉત્કૃષ્ટ ઉપાય ભેદજ્ઞાન છે, તેથી આચાર્યદેવે ભેદજ્ઞાનની પ્રશંસા કરીને તેનો ઉપાય
બતાવ્યો છે. ભાઈ! તારો આત્મા ઉપયોગસ્વરૂપ છે, તે રાગથી ને પરથી ભિન્ન છે એવું યથાર્થ ભેદજ્ઞાન કર તે જ પ્રથમ
વૈરાગ્ય છે. ઉપયોગમાં મારો આત્મા છે ને રાગમાં મારો આત્મા નથી એમ જાણ્યું એટલે રાગથી વિરક્ત થઈને જ્ઞાન
પોતાના સ્વભાવમાં વળ્‌યું તે જ સાચો વૈરાગ્ય છે. આ સિવાય જે જીવ રાગથી આત્માને લાભ માને છે તે તો મહારાગી
છે–મિથ્યાદ્રષ્ટિ છે. જેને રાગની પ્રીતિ છે અને રાગથી ચૈતન્યની ભિન્નતાનું ભાન નથી તેનો સાચો વૈરાગ્ય ક્યાંથી હોય?
ભેદજ્ઞાન વગર સાચો વૈરાગ્ય હોય જ નહિ. અજ્ઞાની જીવ બહારમાં ત્યાગી થઈને ભલે રાગની મદંતા કરે તોપણ તેને
સાચો વૈરાગ્ય કહેવાતો નથી; રાગ ઉપર જ જેની દ્રષ્ટિ પડી છે તેને વૈરાગ્ય કેવો? રાગમાં મારો ઉપયોગ નથી ને મારા
ઉપયોગમાં રાગ નથી આવું ભેદજ્ઞાન કરીને ચિદાનંદસ્વભાવમાં અંતર્મુખ વલણથી જ્ઞાનીને જ સાચો વૈરાગ્ય હોય છે;
જુઓ, આ ધર્મની રીત કહેવાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે ધર્મ છે. તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
વીતરાગી પર્યાય કોઈ પરમાંથી કે રાગમાંથી નથી આવતી, તેમજ વર્તમાન જ્ઞાનના ઉઘાડમાંથી પણ નથી
આવતી, પણ અંતરમાં ધ્રુવ ચિદાનંદસ્વરૂપ આત્માના અવલંબનથી જ તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
વીતરાગીદશા પ્રગટે છે. આત્માને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં પોતાના આત્મા સિવાય બીજા કોઈનું અવલંબન
નથી, એટલે આત્માના સ્વભાવને ઓળખીને તેનું અવલંબન કરવું તે જ ધર્મનો ઉપાય છે, આ સિવાય બીજો
કોઈ ધર્મનો ઉપાય નથી. આ સિવાય બીજા કોઈ પણ વિપરીત ઉપાયથી ધર્મ માનીને જે જીવ રાગનો આદર કરે
છે તે જીવ પોતાના ચિદાનંદ સ્વભાવની સામે કુટિલતા કરે છે. લાભનું કારણ અંતરમાં પોતાના ચૈતન્યસ્વભાવનું
અવલંબન કરવું તે જ છે એમ ન માનતાં, બહારના નિમિત્તોથી મને લાભ થાય અથવા શુભરાગ હોય તો ધર્મ
કરવો સહેલો પડે છે એમ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને ઊંધી માન્યતામાં અનંતાનુબંધી ક્રોધ–માન–માયા–
લોભ પડ્યા છે, તે મોટો અધર્મ છે. અને મારો ચિદાનંદસ્વભાવ રાગના અવલંબનથી પાર છે–એમ જાણીને
સ્વભાવનું અવલંબન કરતાં જે સમ્યગ્દર્શનાદિ વીતરાગીભાવ પ્રગટે તે અપૂર્વ ધર્મ છે, ને તે જ મોક્ષનો માર્ગ છે.