Atmadharma magazine - Ank 133
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 69

background image
નૂતન વર્ષના પ્રારંભે.
આ નૂતન વર્ષના પ્રારંભે મંગલરૂપે શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોને, પરમ ઉપકારી ગુરુદેવને અને
જિનવાણી–ભગવતી માતાને, અતિશય ભક્તિપૂર્વક અભિવંદના કરીએ છીએ; તેમજ “આત્મધર્મ”ના ગ્રાહકો
તથા પાઠકો સર્વે આત્માર્થી–મુમુક્ષુ સાધર્મીજનોને વાત્સલ્યપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ.
અગિયાર વર્ષ પૂરાં કરીને આપણું ‘આત્મધર્મ’ માસિક નૂતન વર્ષમાં આગળ વધે છે. અમને જણાવતાં
આનંદ થાય છે કે આ નૂતન વર્ષની મંગલબોણીમાં પૂ. ગુરુદેવે “સર્વજ્ઞતા” અને “ક્રમબદ્ધપર્યાય” જેવા અતિશય
અગત્યના વિષય ઉપર એકધારા આઠ અદ્ભુત પ્રવચનોની મહાન ભેટ ‘આત્મધર્મ’ને આપી છે....તે ઉપરાંત
વળી દીપાવલીના મંગલદિને “કેવળીભગવાનનો પ્રસાદ” પણ આપ્યો છે....આ ખરેખર મુમુક્ષુઓનાં મહાન
સદ્ભાગ્ય છે.
ભેદજ્ઞાનનો ઝણઝણાટ કરતી, પૂ. ગુરુદેવની પાવનકારી વાણીમાંથી ખાસ ખાસ વિષયો ચૂંટીને
‘આત્મધર્મ’માં આપવામાં આવે છે. આત્માના અતીન્દ્રિયસુખને સ્પર્શીને બહાર આવતી પૂ. ગુરુદેવની સુમધુર
વાણી દુનિયાના દુઃખી જીવોને સુખનો માર્ગ દેખાડે છે, મૂંઝાયેલા માનવીને મુક્તિની પ્રેરણા જગાડે છે અને
જૈનશાસનના ઊંડા હાર્દને સ્પષ્ટપણે સમજાવીને મુમુક્ષુ જીવોને નવી જ દ્રષ્ટિ તરફ દોરી જાય છે. પૂ. ગુરુદેવની
આવી ઉપદેશામૃત ધારાના અંશનું પણ વહન કરવું તે આ ‘આત્મધર્મ’ ને માટે ગૌરવનો વિષય છે. આમ છતાં
પણ, તે વાણી પરોક્ષ છે, સંસારથી સંતપ્ત અને મુક્તિના અભિલાષી આત્માર્થી જીવોએ તો પ્રત્યક્ષપણે ગુરુદેવના
સમાગમમાં રહીને સીધેસીધું શ્રવણ કરીને એ અમૃતધારા ઝીલવી–એ ખાસ જરૂરનું છે. જે અપૂર્વ તત્ત્વ પૂ. ગુરુદેવ
સમજાવે છે તે ઝીલીને, તેનું અંતર્મંથન ને નિર્ણય કરીને, તદ્રૂપ આત્મપરિણમન કરવું તે આપણું સૌનું કર્તવ્ય અને
ધ્યેય છે. આ ધ્યેયને પહોંચી વળવા માટે પૂ. ગુરુદેવ અહર્નિશ પ્રેરણા અને પ્રોત્સાહન દ્વારા જે અચિંત્ય ઉપકાર કરી
રહ્યા છે તેને ફરી ફરી યાદ કરીને પરમભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. –સંચાલકો
‘આત્મધર્મ’ના ભેટ પુસ્તક વિષે ચોખવટ
મુંબઈમાં નિવાસ કરતા ‘આત્મધર્મ’ના અધિકાંશ ગ્રાહકોને ભેટ પુસ્તક મળી ગયું છે. ઘણા
ગ્રાહકોને ઉક્ત પુસ્તક કયે સ્થળે મળે છે, તેની જાણ નહિ હોવાથી પુસ્તકો બાકી રહ્યાં છે; તો
માનવંતા ગ્રાહકોને અભ્યર્થના કરવામાં આવે છે કે નીચેના સરનામે રૂબરૂમાં જઈ મળવાથી પુસ્તક
પ્રાપ્ત થઈ શકશે.
પુસ્તકનું પ્રાપ્તિ–સ્થાન :
શ્રી હિમ્મતલાલ છોટાલાલ.
૬૯/૭૧ સુતાર ચાલ,
મુંબઈ, ૨.
નિવેદન
‘આત્મધર્મ’નો પ્રસ્તુત અંક પૂજ્ય ગુરુદેવનાં અતિ મહત્વપૂર્ણ આઠ પ્રવચનો પ્રકાશિત કરવાનાં
હોવાને કારણે, વિલંબથી પ્રકાશિત થઈ ગયો છે. ઉક્તાંકમાં પ્રવચનો ૬૪ પૃષ્ટમાં સમાવી લેવામાં
આવ્યાં છે.
વિશેષસૂચના–
ઉપરોક્ત કારણને વશ થઈ કાર્યની અધિકતાને અનુલક્ષીને માગશર માસનો અંક પણ આઠેક
દિવસ વિલંબથી પ્રકાશિત થશે.
વ્યવસ્થાપક,
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ [સૌરાષ્ટ્ર]