Atmadharma magazine - Ank 136
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
માહ: ૨૪૮૧ : ૧૧૩ :
ત્યાં ન હોય એમ બને નહિ. ભગવાનની દેશના ખાલી જાય નહિ. કોઈ એમ કહે કે ભગવાન મહાવીરની પહેલી
દેશના ખાલી ગઈ,–એવું અચ્છેરું થયું! તો તેમ બને નહિ. જેમ સિદ્ધશિલા ઉપરથી હેઠે પડે એવું અચ્છેરું કદી
બનતું નથી તેમ તીર્થંકર ભગવાનની દેશના ખાલી જાય એમ પણ કદી બનતું નથી. અરિહંત ભગવાન
ધર્મતીર્થના પ્રવર્તક છે. ભગવાનની વાણી ઝીલીને અનેક જીવો પોતાનું કલ્યાણ સાધે છે.
[લૌકિ જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ બાહ્યવૈભવ.]
જે લોકોત્તર ધર્માત્મા છે તેવા જીવો તો કેવળજ્ઞાનાદિ ગુણો વડે અરિહંત ભગવાનને ઓળખીને પૂજ્ય
માને છે. અને અન્ય લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશય તથા સમવસરણ વગેરે
વૈભવથી સંયુક્તપણું ભગવાનને છે. ભગવાન સાધારણ મનુષ્યની માફક જમીન ઉપર વિચરતા નથી, પરંતુ
તેમનો દેહ પાંચ હજાર ધનુષ ઊંચે આકાશમાં વિચરે છે. અને આઠ ભૂમિકાવાળું દૈવી સમવસરણ હોય છે, તે
સમવસરણમાં આવે ત્યાં આંધળાની આંખો ખૂલી જાય ને લંગડા ચાલતા થાય; ભગવાનની ધર્મસભામાં વાઘ
અને હરણ, સિંહ અને સસલું વગેરે જીવો એક સાથે બેસે છે છતાં તેમને વેરભાવ થતો નથી. સમવસરણમાં ચાર
બાજુ ચાર માનસ્તંભ હોય છે, તેને જોતાં જ માનીનું માન છૂટી જાય છે. આ રીતે ભગવાનને સમવસરણાદિ
બાહ્યવૈભવ પણ અલૌકિક હોય છે. લૌકિક જીવો તે બાહ્યવૈભવ વડે ભગવાનની પ્રભુતા માને છે.
ધર્માત્મા તો આત્માશ્રિત કેવળજ્ઞાનાદિ ગુણો વડે ભગવાનની પ્રભુતાને જાણે છે. અને લૌકિકજનો
દેહાશ્રિત ગુણો વડે કે સંયોગના વૈભવ વડે ભગવાનનું મહાનપણું માને છે.
શ્રી સમન્તભદ્રસ્વામી ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે હે નાથ! આ બહારના ઠાઠ વડે અમે આપનું
પૂજ્યપણું નથી માનતા, પણ અંતરમાં આપની સર્વજ્ઞતાને ઓળખીને અમે આપને પૂજ્ય માનીએ છીએ.
ભગવાનના યથાર્થ દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખે તો આત્માનું ભાન અને સમ્યગ્દર્શન. થાય અને એ રીતે
ભગવાનને ઓળખીને નમસ્કાર કરે તો જ સાચા નમસ્કાર છે.
[ગણધરાદિક ઉત્તમ જીવો દ્વારા પૂજ્યપણું.]
વળી શ્રી ગણધરદેવ, ઈન્દ્ર અને ચક્રવર્તી વગેરે ઉત્તમ જીવો પણ પોતાના હિતને અર્થે અરિહંત ભગવાનનું
સેવન કરે છે. તનથી–મનથી–વચનથી સર્વ પ્રકારે વિનયપૂર્વક ગણધરાદિક ઉત્તમ જીવો ભગવાનનું સેવન કરે છે.
ઈન્દ્ર વગેરે જીવો સમ્યગ્દ્રષ્ટિ છે, તેથી તેમને ઉત્તમ જીવો કહ્યા છે; એવા ઉત્તમ જીવો પણ અરિહંત ભગવાનને
પોતાના હિતને અર્થે આદરપૂર્વક સેવે છે.
[ઓળખાણપૂર્વક નમસ્કાર.]
આ રીતે અરિહંત ભગવાન સર્વ પ્રકારે પૂજવા યોગ્ય છે; આવા શ્રી અરિહંતદેવને અમારા નમસ્કાર હો!
આ રીતે ભગવાનના કેવળજ્ઞાનાદિ ગુણો વડે તેમનું સ્વરૂપ ઓળખીને અરિહંત ભગવાનને પ્રથમ નમસ્કાર કર્યા.
હવે સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ ધ્યાવીએ છીએ.
[૨]
શ્રી સિદ્ધ પરમેષ્ઠીનું સ્વરૂપ
• જે ગૃહસ્થ અવસ્થા તજી, મુનિધર્મસાધન વડે ચાર ઘાતિકર્મોનો નાશ થતાં અનંત ચતુષ્ટય સ્વભાવ
પ્રગટ કરી, કેટલોક કાળ વીત્યે ચાર અઘાતિકર્મોની પણ ભસ્મ થતાં પરમૌદારિક શરીરને પણ છોડી ઊર્ધ્વગમન
સ્વભાવથી લોકના અગ્રભાગમાં જઈ બિરાજમાન થયા છે.
• ત્યાં જેમને સંપૂર્ણ પરદ્રવ્યોનો સંબંધ છૂટવાથી મુક્ત અવસ્થાની સિદ્ધિ થઈ છે.
• ચરમ (અંતિમ) શરીરથી કિંચિત્ ન્યૂન પુરુષાકારવત્ જેમના આત્મપ્રદેશોનો આકાર અવસ્થિત થયો છે.
• પ્રતિપક્ષી કર્મોનો નાશ થવાથી સમસ્ત જ્ઞાનદર્શનાદિ આત્મિક ગુણો જેમને સંપૂર્ણપણે સ્વભાવને પ્રાપ્ત
થયા છે.
• નોકર્મોનો સંબંધ દૂર થવાથી જેમને સમસ્ત અમૂર્તત્ત્વાદિક આત્મિક ધર્મો પ્રગટ થયા છે,