“જૈન ગનમાં સુવર્ણના સૂર્યનો ઉદય”
‘સુવર્ણનો સૂર્ય’ અને એનો દિવ્ય પ્રકાશ
[આજથી ૬પ વર્ષ પહેલાંં...વૈશાખ સુદ બીજને રવિવારે]
જૈનશાસનના પુનિત ગગનમાં આજે એક ચકચકતા ચૈતન્યભાનુનો ઉદય થયો... આજે સુવર્ણનો સૂર્ય
ઊગ્યો.
જૈન ગગનભાનુ કહાન ગુરુદેવની પવિત્ર મુદ્રા ચૈતન્ય તેજથી ચળકી રહી છે, આનંદમય સુપ્રભાત ત્યાં
શોભી રહ્યું છે, અને એ સૂર્યનાં વચન–કિરણો આત્મિકશૌર્યના ઝગઝગાટથી ભવ્યજીવોને માટે મુક્તિનો માર્ગ
પ્રકાશિત કરી રહ્યા છે. તે સૂર્યકિરણો અપૂર્વ ચમક ભરેલાં ને શૌર્યપ્રેરક છે, વિભાવોના પડદાને ભેદીને અંદરના
પરમાત્મ સ્વરૂપને તે પ્રકાશિત કરે છે, અને તે પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જીવના શૌર્યને ઊછાળે છે કે અરે
જીવ! તારો આત્મા નમાલો કે તુચ્છ નથી પણ સિદ્ધ પરમાત્મા જેવા પૂર્ણ સામર્થ્યવાળો પ્રભુ છે... એના લક્ષે
તારા આત્મવીર્યને ઊપાડ. અહો, જે જ્ઞાનભાનુના એક વચનકિરણમાં પણ આટલું આત્મતેજ પ્રકાશી રહ્યું છે, તો
અંતરમાં તે જ્ઞાનભાનુનો ઝગમગાટ કેવો દિવ્ય આનંદમય હશે!! ખરેખર જ્ઞાનભાનું ગુરુદેવે પોતાના દિવ્ય
જ્ઞાનપ્રકાશવડે જૈનશાસનના આકાશને ઝગમગાવ્યું છે અને ઘોર અજ્ઞાનઅંધકારને દૂર કરીને આનંદમય
સુપ્રભાત ખીલાવ્યું છે.
હે સાધર્મી બંધુઓ! ચાલો, સુપ્રભાતના એ સોનેરી સૂર્યને ભક્તિ–દીપકથી સન્માનીએ અને એનાં
દિવ્યકિરણોને ઝીલીને આત્મામાં જ્ઞાનપ્રકાશ પ્રગટાવીએ.
જૈનશાસનરૂપી આકાશમાં દિવ્ય પ્રકાશ કરીને આનંદમય સુપ્રભાત ફેલાવતો
આ ચૈતન્યભાનુ સદા જાજ્વલ્યમાન રહો.
જૈન ગગનનો આ સોનેરી સૂરજ સહસ્ત્ર કિરણોથી સદા મુક્તિમાર્ગને પ્રકાશ્યા કરો...