Atmadharma magazine - Ank 140
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૨૦૦ : આત્મધર્મ : ૧૪૦
પ્રશ્ન :– ‘કારણશુદ્ધપર્યાયની આવી સ્પષ્ટતા આ નિયમસારમાં જ કેમ આવી?’
ઉત્તર :– આ નિયમસારમાં મુખ્યપણે મોક્ષમાર્ગનું ને મોક્ષનું કથન છે, તે બંને શુદ્ધપર્યાયો છે તેથી તે
શુદ્ધપર્યાયરૂપી કાર્યની સાથે તેના કારણરૂપ ‘કારણશુદ્ધપર્યાય’ની વાત આ નિયમસારની ટીકામાં સ્પષ્ટ આવી છે.
નિયમસાર એટલે નિયમથી કર્તવ્ય; શું કર્તવ્ય? કે શુદ્ધરત્નત્રય તે કર્તવ્ય છે. તે શુદ્ધ કાર્યના કારણરૂપ
‘કારણશુદ્ધપર્યાય’ બતાવીને ટીકાકારે અદ્ભુત વાત કરી છે. દ્રવ્ય સાથે સદા અભેદ એવી આ ‘કારણશુદ્ધપર્યાય’ તે
નિકટનું કારણ છે, તે કારણના અવલંબને મોક્ષમાર્ગનું શુદ્ધકાર્ય પ્રગટે છે. ‘શુદ્ધકારણ’ના મનનથી ‘શુદ્ધકાર્ય’ પ્રગટે છે.
ટીકાકારે શરૂઆતના મંગલાચરણમાં પાંચમા શ્લોકમાં કહ્યું હતું કે આ પરમાગમના અર્થસમૂહ ગુણના
ધરનાર ગણધરોથી રચાયેલા છે ને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા છે; એટલે ગણધરાદિ
ગુરુઓની પરંપરાથી મને જે અર્થો મળ્‌યા છે તે જ હું કહીશ.
વળી ૧૦૦મી ગાથાની ટીકામાં કહે છે કે ‘સાક્ષાત્ શુદ્ધોપયોગની સન્મુખ જે હું, પરમાગમરૂપી પુષ્પરસ
જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભ, તેના શુદ્ધોપયોગમાં પણ તે પરમાત્મા રહેલો છે.’ ટીકાકાર મુનિરાજ કહે
છે કે મારા મુખમાંથી પરમાગમરૂપી પુષ્પનો રસ ઝરે છે, એટલે આ જે ટીકા રચાય છે તે પરમાગમનો નીચોડ
છે, પરમાગમનો સાર છે.
જુઓ, આ રચના! આ કોઈ સાધારણ પુરુષની રચના નથી, પણ ગણધરપરંપરાથી આવેલી ને છઠ્ઠા–સાતમા
ગુણસ્થાને ઝૂલતા મુનિના અંર્તઅનુભવમાંથી નીકળેલી અલૌકિક રચના છે. પોતે ન સમજી શકે તેથી ટીકાકારનો
દોષ કાઢે તે તો મહા મૂઢતા અને સ્વચ્છંદ છે. ભાઈ! સાધારણ જીવોથી મુનિઓનાં હૃદય ઉકેલવાં મુશ્કેલ છે.
અહીં ‘નિયમસાર’ એટલે સ્વભાવરત્નત્રય, તેની વાત ચાલે છે.
સ્વભાવરત્નત્રય બે પ્રકારે છે––
(૧) કાર્યરૂપ સ્વભાવરત્નત્રય,
(ર) કારણરૂપ સ્વભાવરત્નત્રય;
(૧) સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગના જે રત્નત્રય છે તે કાર્યરૂપ છે, તેને ‘કાર્યનિયમ’ કહે છે;
અને (ર) તે મોક્ષમાર્ગના કારણરૂપ એવા કારણસ્વભાવ રત્નત્રય છે. તે ત્રિકાળ છે, તેને ‘કારણનિયમ’ કહે છે.
કેવો છે તે કારણનિયમ? સહજ પરમપારિણામિકભાવે સ્થિત છે અને સ્વભાવઅનંતચતુષ્ટયસ્વરૂપ છે.
જુઓ, આ કારણ! મોક્ષમાર્ગરૂપી જે કાર્ય તેનું આ કારણ છે. કારણનિયમ કહો કે કારણ–શુદ્ધપર્યાય
કહો,– બંને એક જ છે. ‘કારણશુદ્ધપર્યાય’ને ‘પૂજિત પંચમભાવ પરિણતિ’ પણ કહેશે; અહીં તેને
‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ’ કહ્યા છે. અહીં માત્ર ‘શુદ્ધજ્ઞાન’ અથવા ‘શુદ્ધજ્ઞાનચેતના’ એમ ન કહેતાં ‘પરિણામ’
શબ્દ સાથે મૂકીને ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ’ કહ્યા છે. ‘પરિણામ’ કહ્યા છતાં તે ક્ષણિક ઉત્પાદવ્યયરૂપ નથી પણ
એકરૂપ પારિણામિકભાવે છે; તે મોક્ષમાર્ગરૂપ નથી પણ તેના ધ્રુવ કારણરૂપ છે. કાર્યસ્વભાવરત્નત્રયરૂપ
મોક્ષમાર્ગ તો ક્ષાયિક વગેરે ભાવે છે ને કારણસ્વભાવરત્નત્રયરૂપ જે આ ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ’ તે તો સહજ
પારિણામિકભાવરૂપ છે.
• વ્યવહાર રત્નત્રયના જે રાગાદિ વિભાવ છે તે તો મોક્ષમાર્ગ નથી ને મોક્ષમાર્ગનું કારણ પણ નથી;
• આ કારણસ્વભાવરત્નત્રય તે મોક્ષમાર્ગ નથી, પરંતુ મોક્ષમાર્ગનું કારણ છે એટલે તેને ‘કારણનિયમ’
કહેવાય છે
• કારણનિયમના આશ્રયે જે શુદ્ધરત્નત્રયપર્યાય પ્રગટે તે મોક્ષમાર્ગ છે, તેને કાર્યનિયમ કહેવાય છે.
• મોક્ષમાર્ગરૂપ જે કાર્યનિયમ શુદ્ધરત્નત્રયપર્યાય છે તે તો દ્રવ્યનો આશ્રય કરીને નવી ઊપજી છે. ત્યારે
આ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામરૂપ જે કારણનિયમ (અર્થાત્ કારણશુદ્ધપર્યાય) છે તે કાંઈ દ્રવ્યનો આશ્રય કરીને
નવો પ્રગટ્યો એમ નથી, તે તો દ્રવ્યસ્વભાવમાં પરમ પારિણામિકભાવે સદાય સ્થિત જ છે. નવું પ્રગટવાપણું
તેમાં નથી પણ તેનું ભાન કરનાર જીવને મોક્ષમાર્ગ નવો પ્રગટે છે. જગતમાં તો મોક્ષમાર્ગ અનાદિઅનંત ચાલી
જ રહ્યો છે પણ તે જીવને પોતાને માટે મોક્ષમાર્ગની નવીન શરૂઆત થઈ છે.
જેમ સમુદ્રમાં પાણીના દળની સપાટી એક સરખી હોય છે તેમ આત્મામાં કારણશુદ્ધપર્યાય સદા એક સરખી