Atmadharma magazine - Ank 140
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
પૂ. ગુરુદેવનો ૬મો જન્મોત્સવ
અનેક આત્માર્થી જીવોના જીવન–આધાર, અને ભવભ્રમણથી થાકી ગયેલા જીવોના વિશ્રામસ્થાન, પરમ
પૂજ્ય ગુરુદેવનો ૬૬મો મંગલ–જન્મોત્સવ આ વૈશાખ સુદ બીજે વિધવિધ ઉલ્લાસ અને ભક્તિપૂર્વક ઊજવાયો
હતો. આ જન્મોત્સવ–પ્રસંગની ઉજવણી સાથે જ સોનગઢનું જિનમંદિર મોટું કરાવવાની આનંદકારી જાહેરાત થઈ
એ આ વખતની ખાસ વિશેષતા છે.
વૈશાખ સુદ બીજની વહેલી સવારમાં છાસટ દીપકોના ઝગમગાટથી ચારે દિશામાં પ્રકાશ ફેલાયો, ...મંગલ
ઘંટાનાદ થયા...વાજિંત્રો વાગ્યાં...એ રીતે જન્મોત્સવની વધાઈ મળતાં જ ભક્તમંડળ દેવ–ગુરુ–શાસ્ત્રનાં દર્શન
કરવા આવ્યું...ઊલટભેર જન્મની વધાઈ ગાતાં ગાતાં સ્વાધ્યાયમંદિરને ત્રણ પ્રદક્ષિણા કરી ને પછી ગુરુદેવના
દર્શન–સ્તુતિ કરી. ત્યાર બાદ પ્રભાતફેરી નીકળી. સોનગઢમાં આ પ્રકારની પ્રભાતફેરી પહેલવહેલી જ નીકળતી
હોવાથી સૌને ઘણો ઉલ્લાસ હતો. જિનમંદિરમાં પૂજન બાદ ‘પ્રવચનયાત્રા’ નીકળી હતી. ત્યાર બાદ પૂ. ગુરુદેવે
અદ્ભુત પ્રવચન દ્વારા જ્ઞાન–રત્નોની વૃષ્ટિ કરી...તેમાંથી ‘૬૬ રત્નો’ ઝીલીને આ અંકમાં આપવામાં આવ્યા છે.
પ્રવચન બાદ ભક્તજનો તરફથી પૂ. ગુરુદેવના મહાન ઉપકારો વ્યક્ત કરીને જન્મોત્સવનો મહિમા વ્યક્ત
કરવામાં આવ્યો હતો. તેમજ જન્મોત્સવની ખુશાલી દર્શાવતા ભક્તિ ભરેલા અનેક તાર –રંગુન, કલકત્તા, મુંબઈ,
અમદાવાદ, મૂડબીદ્રી, લાડનૂ, ભરૂચ, પાલેજ, જામનગર, રાજકોટ, વાંકાનેર, મોરબી, વઢવાણ સીટી, સુરેન્દ્રનગર,
જોરાવરનગર, લીમડી, બોટાદ, રાણપુર, લાઠી, ઉમરાળા વગેરે સ્થળોના ભક્ત મંડળ તરફથી આવેલા તે
સંભળાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ સોનગઢનું હાલનું જિનમંદિર મોટું કરાવવાની વધામણી આપવામાં
આવી હતી ને તે માટેના ફંડની રકમો જાહેર કરવામાં આવી હતી, સાથે સાથે ૬૬ મા જન્મોત્સવ નિમિત્તેના
મેળવાળી રકમો પણ જાહેર કરવામાં આવી હતી. આ જન્મોત્સવ ફંડની રકમો પણ જિનમંદિર માટે જ
ઉપયોગમાં લેવાનું નક્કી થયું હોવાથી બંને ફંડની વિગત એક સાથે આ અંકમાં આપવામાં આવી છે.
બપોરના પ્રવચન પછી, જિનમંદિરમાં ભક્તિ પણ ઘણા ઉલ્લાસપૂર્વક કરાવી હતી. ભક્તિમાં પહેલાં
જિનમંદિરની વધાઈ, ને પછી જન્મોત્સવની વધાઈ ગવડાવી હતી. જન્મોત્સવની વધાઈ વખતે ખાસ ઉલ્લાસને
લીધે પ. બેનશ્રીબેનજી ઊભા ઊભા ભક્તિ ગવડાવતા હતા. સાંજે સીમંધરપ્રભુજીની આરતી સોના–ચાંદીના ૬૬
દીપકો વડે ઉતારવામાં આવી હતી. રાત્રે દીપકોની રોશની, તેમજ આશ્રમમાં વિધવિધ પ્રકારે ભક્તિ થઈ હતી.
આ રીતે ઘણા ઉમંગ અને આનંદપૂર્વક પૂ. ગુરુદેવનો જન્મોત્સવ ઊજવાયો હતો. અહો! ગુરુદેવનો આ જન્મ
ભક્તજનોને મહા કલ્યાણકારી છે, જેમના અંતરમાંથી જ્ઞાનની હાકલ પડતાં જ મોહવાદળ તૂટી પડે છે એવા પૂ.
ગુરુદેવનો જ્ઞાનસૂર્ય સોળ કળાએ પરિપૂર્ણ પ્રકાશો ને ભવ્યજીવોના અજ્ઞાન–અંધકારને નાશ કરીને સર્વત્ર
જ્ઞાનપ્રકાશ ફેલાવો!
થોડીક સ્પષ્ટતા
“કારણ શુદ્ધપર્યાય”નાં પ્રવચનોની લેખમાળા આ અંકથી શરૂ થાય છે. આ વિષય તદ્ન જુદી શૈલીનો છે;
છતાં આ વખતે પ્રવચનોમાં પૂ, ગુરુદેવે ખાસ સ્પષ્ટીકરણ કર્યું હોવાથી, અને ઘણા જિજ્ઞાસુઓ તરફથી તેની
આગ્રહભરી માંગણી આવવાથી તે ‘આત્મધર્મ’માં પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પ્રવચનો પ્રસિદ્ધ થતાં પહેલાં
વાંચી જવા પૂ. ગુરુદેવે કૃપા કરી છે.
આ વિષયમાં ક્રમબદ્ધપર્યાય કરતાં પણ કેટલીક વધારે સૂક્ષ્મતા છે...માટે, જિજ્ઞાસુઓએ માત્ર પરોક્ષ
વાંચનથી જ આ વાત સમજી જવાનો સંતોષ ન માનતાં, સીધી ગુરુગમે સમજવાનું લક્ષ રાખવાની ખાસ
ભલામણ છે.
વળી પૂ. ગુરુદેવના આવા ઉચ્ચ આધ્યાત્મિક પ્રવચનોમાંથી ચોરી કરીને કેટલાક માનાર્થી– ઉપદેશકો એ
વાત પોતાના નામે કે પોતાના માનેલા કુશાસ્ત્રના નામે જાહેર કરે છે, ને એ રીતે ભોળા જીવોને ભરમાવવા
પ્રયત્ન કરે છે; એવા દંભી ઉપદેશકોથી સાવધાન રહેવા સૌ જિજ્ઞાસુઓને ભલામણ છે. કુંદકુંદભગવાનની દિ. જૈન
આમ્નાયની પરંપરા સિવાય બીજા કોઈમાં પણ આત્મસ્વભાવની આવી વાત યથાર્થ હોય જ નહિ.