ધર્મની દુકાન
જેને ધર્મ કરવો હોય તેણે ધર્મ ક્યાંથી મળે તેમ છે તે શોધવું જોઈએ. જ્યાં જે માલ ભર્યો હોય ત્યાંથી તે
માલ મળે. આ શરીરની દુકાનમાં જડનો માલ ભર્યો છે, તેની ક્રિયામાંથી આત્માના ધર્મનો માલ નહીં મળે. અને
ચૈતન્યમૂર્તિ આત્માની દુકાનમાં જ્ઞાન–આનંદ વગેરે અનંત ગુણોનો ખજાનો ભર્યો છે, તેમાંથી જ્ઞાનાદિ ધર્મનો
માલ મળશે, પણ વિકારનો કે જડની ક્રિયાનો માલ તેમાંથી નહીં મળે.
જેમ અફીણની દુકાને અફીણ મળે પણ માવો કે હીરા ત્યાં ન મળે. અને કંદોઈની દુકાને માવો, કે ઝવેરીની
દુકાને હીરા મળે પણ ત્યાં કાંઈ અફીણ ન મળે. તેમ જેને અફીણ જેવા વિકારી શુભ–અશુભ ભાવો જોઈતા હોય
તેને આત્માના સ્વરૂપમાં તે મળે તેમ નથી, એટલે જેને વિકારની રુચિ હોય તે આત્માની દુકાને કેમ ચડે? અને
વિકારી ભાવો કે જડની ક્રિયા તે તો અફીણની દુકાન જેવા છે, તેમાંથી ચૈતન્યના નિર્મળધર્મરૂપી ઝવેરાત મળી
શકે તેમ નથી; માટે ધર્માત્મા તેની રુચિ કેમ કરે?
વિકારમાં કે જડમાં આત્માનો ધર્મ નથી; અને આત્માના સ્વરૂપમાં વિકારનો કે જડનો સંગ્રહ નથી.
આત્મામાં પોતાની અનંત નિર્મળ શક્તિઓનો ભંડાર છે, તેમાંથી જ ધર્મ મળે તેમ છે. માટે જેને ધર્મ કરવો હોય
તેણે ચૈતન્યસ્વરૂપ આત્માની દુકાનમાં જવું એટલે કે તેમાં અંતર્મુખ થઈને તેનાં શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા કરવા. આ
સિવાય બીજે ક્યાંયથી ધર્મ મળે તેમ નથી.
(––૪૭ શક્તિના પ્રવચનમાંથી)
સમકિતીનો સ્વાદ
સમ્યગ્દર્શન પ્રગટ થતાં આત્માનો અનુભવ થાય છે. જેવો સિદ્ધ ભગવાનને અનુભવ હોય છે તેવો ચોથે
ગુણસ્થાને સમકિતી જીવને અનુભવ હોય છે; સિદ્ધને પૂર્ણ અનુભવ હોય છે ને સમકિતીને અંશે અનુભવ હોય
છે, ––પણ જાત તો તે જ. સમકિતી આનંદસાગરના અમૃતનો અપૂર્વ સ્વાદ લઈ રહ્યો છે, આનંદના ઝરણામાં
મોજ માણી રહ્યો છે.
જેને સાચી શ્રદ્ધા પ્રગટે એનું આખું અંતર ફરી જાય, હૃદય પલટો થઈ જાય, અંતરમાં ઊથલ–પાથલ થઈ
જાય, આંધળામાંથી દેખતો થાય; અંતરની જ્યોત જાગે તેની દશાની દિશા આખી ફરી જાય; જેને અંતર પલટો
થાય તેને કોઈને પૂછવા જવું ન પડે, તેનું અંતર બેધડક પડકાર મારતું સાક્ષી આપે કે અમે હવે પ્રભુના માર્ગમાં
ભળ્યા છીએ, સિદ્ધના સંદેશા આવી ચૂક્યા છે, હવે ટૂંકા કાળે સિદ્ધ થયે છૂટકો, તેમાં બીજું કાંઈ થાય નહિ, ફેર
પડે નહિ.
–પૂ. બેનશ્રીબેન લિખિત સમયસાર–પ્રવચનોમાંથી,
વર્તે અંર્ત શોધ
જેણે ધર્મ કરીને આત્માનું સુખ જોઈતું હોય, ને ભવભ્રમણના દુઃખથી છૂટવું હોય, તેણે બધા પડખેથી
મનન કરીને અંતરમાં શુદ્ધતત્ત્વને ગોતવું. બધાય પડખાના વિચારમાં “મારું શુદ્ધતત્ત્વ” કઈ રીતે છે તે જ
ગોતવું. કઈ રીતે ગોતવું તે સત્સમાગમે શ્રવણ મનન કરીને શીખવું જોઈએ. શ્રવણ–મનનથી વારંવાર તેનો
પરિચય કરીને અંતરમાં શોધ્યા વિના બીજા કોઈ ઉપાયથી આત્માને સુખનો પત્તો મળે તેમ નથી. અંતરમાં
શોધીને પત્તો મેળવવો જોઈએ. અંતરની ચીજ છે તે બહાર શોધ્યે મળે તેમ નથી. અંતરમાં શોધે તો પોતાની
વસ્તુ પોતાથી દૂર નથી.
–ચર્ચામાંથી