: ૨૪૮: આત્મધર્મ: ૧૪૨
આત્માનો અદ્ભુત વૈભવ
અહો! આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે કે–
એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે અને એક તરફથી જોતાં
સદાય એકતાને ધારણ કરે છે,
એક તરફથી જોતાં ક્ષણભંગુર છે અને એક તરફથી જોતાં સદાય તેનો
ઉદય હોવાથી ધ્રુવ છે,
એક તરફથી જોતાં પરમ વિસ્તૃત છે અને એક તરફથી જોતાં પોતાના
પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે.
––આવો અનંતધર્મના વૈભવવાળો આત્મસ્વભાવ છે; તે અજ્ઞાનીઓના
જ્ઞાનમાં તો આશ્ચર્ય ઊપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે!
જ્ઞાનીઓને જો કે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી તોપણ, આત્માના અદ્ભુત
વૈભવને જાણતાં તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય
છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે
વળી કેવો છે આત્માનો વૈભવ?
એક તરફથી જોતાં કષાયોનો કલેશ દેખાય છે અને એક તરફથી જોતાં
શાંતિ છે,
એક તરફથી જોતાં ભવની પીડા દેખાય છે અને એક તરફથી જોતાં
મુક્તિ પણ સ્પર્શે છે.
એક તરફથી જોતાં ત્રણ લોક સ્ફુરાયમાન છે અને એક તરફથી જોતાં
કેવળ એક ચૈતન્ય જ શોભે છે;
––આવો આત્માનો અદ્ભુતથી પણ અદ્ભુત સ્વભાવ મહિમા જયવંત
વર્તે છે સ્વભાવનો આવો મહિમા જાણતાં અદ્ભુતતા લાગે છે કે: અહો!
જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે,
આત્માનો અદ્ભુત વૈભવ દેખાડનારાં છે; મેં અનાદિકાળ વસ્તુસ્વરૂપના જ્ઞાન
વિના ખોયો, મેં મારા અદ્ભુતવૈભવને ન જાણ્યો... નિજવૈભવને ભૂલીને
અત્યાર સુધી હું પરમાં મોહ્યો! હવે શ્રીગુરુએ કરુણા કરીને મને મારા
આત્માનો અદ્ભુત વૈભવ બતાવ્યો.–આમ આશ્ચર્યપૂર્વક નિજવૈભવનો મહિમા
લાવીને સુપાત્ર જીવ સમ્યક્શ્રદ્ધા કરે છે.
(જુઓ સમયસાર કલશ ૨૭૩–૨૭૪)