Atmadharma magazine - Ank 142
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
શ્રાવણ: ૨૪૮૧ : ૨૪૭:
ઉપદેશ અનુસાર આત્માનો સ્વભાવ સમજીને તે જીવ સાધક થયા વિના રહે જ નહિ.
આચાર્યદેવ કહે છે કે જો ભાઈ! પર્યાયમાં જે ક્ષણે રાગ થાય છે તે જ ક્ષણે તેનાથી અધિક રહીને
સાક્ષીપણે રહેવાનો તારો સ્વભાવ છે. રાગનું કર્તૃત્વ તો ક્ષણપૂરતું છે તે તારો કાયમી સ્વભાવ નથી. તું તો
અનંતધર્મના પિંડરૂપ શુદ્ધચૈતન્યદ્રવ્ય છો. “કર્તૃનયથી રાગના કર્તૃત્વનો ધર્મ કહ્યો માટે રાગ થવાનો હશે તેમ
થયા કરશે–આત્મા સદા રાગનો કર્તા રહ્યા કરશે”–એમ એકાંત રાગને જ દેખે ને તે જ વખતે અનંતધર્મોનો પિંડ
આત્મા છે તેને ન દેખે તો તે એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિ છે. તેને કર્તૃનયની પણ ખબર નથી. અનંતધર્મના
ચૈતન્યપિંડરૂપ આત્મસ્વભાવને જે દેખે તે જીવ એકલા રાગમાં અટકી જતો નથી, કર્તૃનયથી રાગનું કર્તાપણું
જાણે ભલે પણ તેમાં જ અટકી જતો નથી. જે ક્ષણે રાગ થાય છે તે જ ક્ષણે, સ્વદ્રવ્ય તરફના વલણમાં તે રાગથી
અધિક થઈને સાક્ષીપણે પરિણમે છે, –આ રીતે સાધકને બંને ધર્મો એક સાથે પરિણમે છે; પણ તેમાં સાક્ષીપણું
તો વધતું જ જાય છે ને રાગ ઘટતો જ જાય છે. તેને અલ્પકાળે કર્તૃધર્મ ટળી જાય છે ને તે સાક્ષાત્ અકર્તા
સાક્ષીસ્વરૂપ થઈ જાય છે. સમયસારના પરિશિષ્ટમાં વર્ણવેલી ૪૭ શક્તિઓમાં પણ અકર્તૃત્વશક્તિનું વર્ણન
કરતાં કહ્યું છે કે આત્મા જ્ઞાતાપણા સિવાયનાં રાગાદિ પરિણામોનો કર્તા થતો નથી – એવી તેની અકર્તૃત્વ શક્તિ
છે.
અહીં ૩૮ તથા ૩૯મા નયથી કર્તાધર્મ તથા તેની સામે અકર્તારૂપ સાક્ષીધર્મનું વર્ણન કર્યું, તે જ પ્રમાણે
હવે ૪૦–૪૧મા નયથી ભોક્તાધર્મ તથા તેની સામે અભોક્તારૂપ સાક્ષીધર્મનું વર્ણન કરશે.
ર.ત્ન.ત્ર.ય
ત્રિભુવનપૂજ્ય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રય
તે જ સિદ્ધાંતનું સર્વસ્વ છે અને તે જ ત્રણેકાળના મોક્ષગામી
જીવોને મુક્તિનું કારણ છે, એ વાત જ્ઞાનાર્ણવમાં શ્રી
શુભચંદ્રાચાર્ય કહે છે:
• આ રત્નત્રય જ સિદ્ધાંતનું સર્વસ્વ છે તથા તે જ
મુક્તિનું કારણ છે. વળી જીવોનું હિત તે જ છે અને પ્રધાન
પદ તે જ છે.
• જે સંયમી મુનિઓ પૂર્વે મોક્ષ ગયા છે. વર્તમાનમાં
જાય છે ને ભવિષ્યમાં જશે તેઓ ખરેખર આ અખંડિત
રત્નત્રયને સમ્યક્પ્રકારે આરાધીને જ ગયા છે, જાય છે અને
જશે.
• આ સમ્યક્ રત્નત્રયને પ્રાપ્ત કર્યા વગર કરોડો
અબજો જન્મ ધારણ કરવા છતાં પણ કોઈ જીવ મોક્ષલક્ષ્મીના
મુખ કમળને સાક્ષાત્ દેખી શકતા નથી.
––જ્ઞાનાર્ણવ : ૨૨–૨૩–૨૪