Atmadharma magazine - Ank 143
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
અલ્પ ભોક્તાપણાની સાથે તેનું સાક્ષીપણું પણ ભેગું જ વર્તે છે. જ્ઞાનીને પણ હર્ષ–શોક થાય, પરંતુ તે હર્ષ–શોકના
ભોગવટાની ક્ષણે જ જ્ઞાતાસ્વભાવના અતીન્દ્રિયઆનંદના અંશનો અનુભવ વર્તે છે એટલે તે હર્ષ–શોકના
સાક્ષીપણારૂપ અભોક્તા ધર્મનું પણ પરિણમન વર્તી રહ્યું છે.
આત્મા જ આત્માના ધર્મોનો સ્વામી છે ને પર પરના ધર્મોનું સ્વામી છે. આત્માના ધર્મોનો સ્વામી કોઇ પર
નથી, ને પરનાં ધર્મોનો સ્વામી આત્મા નથી. આત્માને પોતાના ધર્મોની સાથે જ ‘સ્વ–સ્વામી સંબંધ’ છે, પરની
સાથે આત્માને ‘સ્વ–સ્વામી સંબંધ’ નથી. આત્માના ધર્મોનો સ્વામી આત્મા છે ને જડકર્મોના ધર્મોનું સ્વામી જડ છે,
કોઈ એકબીજાના સ્વામી નથી.
ભોગવળીકર્મના તીવ્ર ઉદયથી જીવને ચારિત્રથી ભ્રષ્ટ થઈને ભોગમાં રોકાઈ જવું પડે–એમ મૂઢ અજ્ઞાની
જીવો માને છે. ભાઈ! ભોગવળીકર્મ તો જડ છે, તે આત્માથી જુદું છે, તેનું સ્વામી જડ છે, આત્મા તેનો ભોક્તા નથી.
ભોક્તૃનયથી આત્મા હર્ષ–શોકરૂપ પોતાના પરિણામનો ભોક્તા છે–એમ આત્માના ભોક્તાધર્મને જે જાણે તેની
દ્રષ્ટિ કર્મ સામે ન હોય પણ પોતાના આત્માની સામે હોય. સ્વભાવને ચૂકીને તે પરની સામે જોતો નથી એટલે ભોગની
તીવ્ર આસક્તિના પરિણામ તો તેને હોય જ નહિ; દ્રવ્યસ્વભાવની સન્મુખતામાં તેને ભોગની રુચિ છૂટી ગઈ છે.
અસ્થિરતાથી જે હર્ષ–શોકના પરિણામ થાય છે તે અત્યંત અલ્પ છે ને ચૈતન્યસ્વભાવની જ અધિકતા છે. આત્માના
ધર્મોની સાચી ઓળખાણ થયા પછી પણ એવા ને એવા તીવ્ર વિષયભોગના પરિણામ રહ્યા કરે એમ કદી બને નહિ.
આત્માના અતીન્દ્રિયસુખનો સ્વાદ જાણ્યો ત્યાં ઇન્દ્રિયવિષયોનું અત્યંત તુચ્છપણું ભાસ્યા વિના રહે નહિ. આ રીતે
સાધકને પર્યાયમાંથી હર્ષ–શોકનું ભોક્તાપણું ક્રમે ક્રમે ટળતું જાય છે. અને અનાકુળ શાંતિનું વેદન વધતું જાય છે.–આવું
ભોક્તૃનયનું ફળ છે. સર્વજ્ઞની શ્રદ્ધા કહો, ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કહો, આત્માના ધર્મોની ઓળખાણ કહો, કે કોઈ પણ
ન્યાય લ્યો, તે બધાયમાં વસ્તુની એક જ સળંગ સાંકળ છે એટલે કે બધાયનો સાર તો ચૈતન્યદ્રવ્યની સન્મુખતામાં જ
આવીને ઊભો રહે છે. ચૈતન્યસ્વભાવની સન્મુખતા વગર સર્વજ્ઞની શ્રદ્ધા સાચી ન થાય, ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા પણ
સાચી ન થાય, આત્માના કોઈ ધર્મની ઓળખાણ પણ સાચી ન થાય, અને કોઈ પણ નય કે કોઈ ન્યાય સાચો હોય
નહિ. સમકીતિ ભલે પોતાની પર્યાયમાં હર્ષ–શોકના ભોક્તાધર્મને જુએ તોપણ તે પોતાના શુદ્ધચૈતન્યની સન્મુખ દ્રષ્ટિ
રાખીને તે ધર્મને જાણે છે એટલે તેને ભોક્તાપણાની પ્રધાનતા રહેતી નથી પણ શુદ્ધચૈતન્યસ્વભાવની જ પ્રધાનતા રહે
છે. પરના ભોકતાપણાની તો માન્યતા જ તેને નથી. જેને પરના ભોક્તાપણાની માન્યતા છે તેને તો આત્માના ધર્મની
સામે લક્ષ જ નથી, પરથી ભિન્ન આત્માના ધર્મોનું તેને ભાન જ નથી.
આત્મા શું વસ્તુ છે તેની અજ્ઞાનીને ખબર નથી એટલે તેને એકાંત મિથ્યાજ્ઞાન છે, તે ટળીને અનેકાંતરૂપ
પ્રમાણજ્ઞાન કેમ થાય તેની આ વાત છે. પ્રમાણજ્ઞાન એટલે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ્ઞાન કરવું તે; મિથ્યાજ્ઞાનનો
વિષય ખોટો છે એટલે કે તેનો વિષય જ જગતમાં નથી; અજ્ઞાની જેવું માને છે તેવું વસ્તુનું સ્વરૂપ નથી; ને વસ્તુનું
સ્વરૂપ જાણ્યા વિના નય જ્ઞાન પણ સાચું હોય નહિ. જેવું પદાર્થનું સ્વરૂપ હોય તેવું જ જાણે તે સમ્યગ્જ્ઞાન છે, એટલે
સમ્યગ્જ્ઞાનનો વિષય સાચો છે. વસ્તુસ્વરૂપનું યથાર્થજ્ઞાન હોય ત્યાં જ નય સાચા હોય.
અહીં ભોક્તૃનયથી આત્માને હર્ષ–શોકનો ભોક્તા કહ્યો, ત્યાં એટલો જ આત્મા માની લ્યે, અને અનંતધર્મના
પિંડ સ્વરૂપ ચૈતન્યવસ્તુ છે તેને ન ઓળખે, તો તેણે આત્માનું સ્વરૂપ જાણ્યું નથી ને આત્માના ધર્મને પણ જાણ્યો
નથી. સાધક સમ્યગ્જ્ઞાની તો આખી ચૈતન્યવસ્તુના જ્ઞાનપૂર્વક ભોક્તાધર્મને તેના એક ક્ષણિક અંશ તરીકે જાણે છે,
એટલે હર્ષ શોકના ભોક્તાપણા વખતે ય અભોક્તારૂપ સાક્ષીધર્મ પણ તેને ભેગો જ છે. જો ભોક્તા વખતે જ
અભોક્તાધર્મ પણ ન વર્તતો હોય, ને હર્ષ–શોકનું ભોક્તાપણું જ એકાંત વર્તતું હોય,–તો ત્યાં અનંતધર્મસ્વરૂપ
આત્મવસ્તુ દ્રષ્ટિમાં ન આવી એટલે એકાંત મિથ્યાત્વ થઈ ગયું, ત્યાં ભોક્તાનય પણ હોતો નથી. હર્ષ–શોકના ક્ષણિક
ભોગવટાને જાણતાં, જેને અભોક્તારૂપ સાક્ષીસ્વભાવનું પણ ભાન વર્તે છે એવા જ્ઞાનીને જ ભોક્તાનય હોય છે.
ભોક્તાપણું તેમ જ અભોક્તાપણું બંને ધર્મો આત્મામાં એકસાથે છે તેને જાણે તો અનેકાન્ત થાય, ને તે
અનેકાન્તપૂર્વક જ નય હોય.
ઃ ૨૬૦ઃ આત્મધર્મઃ ૧૪૩