Atmadharma magazine - Ank 143
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
તો તીવ્ર મૂઢતા સેવે છે, કર્મથી જરાપણ ખસીને આત્માની સામે જોવાનો તેને અવકાશ નથી. અગીયારમા
ગુણસ્થાનેથી જીવ પાછો નીચેના ગુણસ્થાને આવે છે, તે પોતાની જ પર્યાયના તેવા ધર્મને લીધે આવે છે, જડ કર્મને
લીધે નહિ. કર્મ વગેરે પરની ઓથ લઈને જે ભોક્તાપણું માને છે તે તો અજ્ઞાની છે. હું શુદ્ધચિદાનંદમૂર્તિ અનંત ધર્મનો
પિંડ છું–એમ સ્વદ્રવ્યની સામે જોઈને તેની ઓથે જ્ઞાની પોતાના ભોક્તાધર્મને પણ જાણે છે, ને એવા જ્ઞાનીને
ભોક્તાપણું (–હર્ષ–શોકનું વેદન) બહુ ઓછું હોય છે. ધર્મી જાણે છે કે મારી પર્યાયમાં જ હર્ષ–શોકનું ભોક્તાપણું છે
તે પરને લીધે નથી પણ મારી પર્યાયમાં તેવો ભોક્તાધર્મ છે, હું તે ભોક્તાધર્મ જેટલો જ નથી પણ અનંતધર્મનો
ચૈતન્યપિંડ છું; આમ દ્રવ્યને જોનાર ધર્મી સાક્ષી રહીને અલ્પકાળમાં ભોક્તાપણું ટાળીને વીતરાગ થશે.
કોઈ પણ નયથી આત્માને જાણનાર સ્વસન્મુખ જુએ છે. અને તો જ તેનો નય સાચો છે. નય તે સમ્યક્
શ્રુતજ્ઞાનનું પડખું છે, તે સાધકને જ હોય છે. નયજ્ઞાનથી આત્માના ધર્મને જાણનાર કોની સામે જુએ છે?–કર્મની
સામે, કે આત્માની સામે? બધા નયો આત્માની જ સામે જોઈને તે તે ધર્મને કબૂલે છે; પરની સામે જોઈને આત્માના
ધર્મની યથાર્થ કબુલાત થઈ શકતી નથી. અહીં ભોક્તાનય આત્માના ભોક્તાધર્મને કબૂલે છે, તે કોની સામે જોઈને
કબૂલે છે? આત્માની સામે જોઈને આત્માના ભોક્તાધર્મને જાણનાર સાધક જીવ, સ્વભાવના અવલંબને તે
ભોક્તાપણું ટાળીને અલ્પકાળમાં પરમાનંદનો ભોગવટો પ્રગટ કરીને સિદ્ધ પરમાત્મા થઈ જશે. આવું આ
ભોક્તાનયનું પરમાર્થ ફળ છે.
–અહીં ૪૦ મા ભોક્તૃનયથી આત્માનું વર્ણન પૂરું થયું.
[૪૧] અભોક્તૃનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય અભોક્તૃનયે સુખ–દુઃખાદિને ભોગવનાર નથી પણ કેવળ સાક્ષી જ છે. હિતકારી–અહિતકારી
અન્ને ખાનાર રોગીને જોનાર વૈદ્યની માફક. જેમ રોગી સુખ–દુઃખને ભોગવે છે પણ વૈદ્ય તો તેનો સાક્ષી જ છે, તેમ
આત્માની પર્યાયમાં હર્ષ–શોકરૂપી જે રોગ છે તેનો જ્ઞાની ભોક્તા નથી પણ સાક્ષી જ છે. આવા સાક્ષીધર્મથી આત્માને
લક્ષમાં લેવો તેનું નામ અભોક્તૃનય છે.
ભોક્તાપણું તેમ જ અભોક્તાપણું બંને ધર્મો આત્મામાં એક સાથે જ છે. શુદ્ધચૈતન્યમૂર્તિ આત્મા અનંત
ધર્મોનો ધરનાર છે, તે ભોક્તાનયે હર્ષ–શોકનો ભોક્તા પણ છે, ને તે જ વખતે અભોક્તાનયે તેનો સાક્ષી પણ છે.
શરીરાદિક પરવસ્તુનો ભોક્તા તો ભોક્તાનયે પણ નથી; ભોક્તાનયે હર્ષ–શોકનું ભોક્તાપણું છે, અને અભોક્તાનયે
તો તે હર્ષ–શોકનું ભોક્તાપણું પણ આત્માને નથી, આત્મા સાક્ષીસ્વરૂપ છે. જ્ઞાતાભાવથી જુદાં જે રાગાદિ વિકારી
પરિણામો છે તેના ભોગવટાથી રહિત આત્મા છે–એવી અભોક્તૃત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે, તેનું વર્ણન
સમયસારના પરિશિષ્ટમાં વર્ણવેલી ૪૭ શક્તિઓમાં કર્યું છે. આત્માના આવા અભોક્તાસ્વભાવની પ્રતીત કરતાં,
સાધકને પર્યાયમાં હવે શોકનો અલ્પ ભોગવટો હોવા છતાં તેના સાક્ષીપણાનું પરિણમન વધતું જાય છે. એક આત્મા
ભોક્તાધર્મવાળો ને બીજો આત્મા અભોક્તાધર્મવાળો–એમ નથી. તેમ જ એક આત્મામાં કોઇકવાર ભોક્તાધર્મ ને
કોઇક વાર અભોક્તાધર્મ એવું ભિન્નપણું પણ નથી, એક આત્મામાં બંને ધર્મો એક સાથે છે. (આ સાધકની વાત છે,
એટલે સાધકને ભોક્તાપણાની સાથે અભોક્તાપણું વર્તે છે એમ સમજવું) પર્યાયમાં હર્ષ–શોકનું ભોક્તાપણું, અને તે
જ વખતે તેનું અભોક્તાપણું, એમ બંને ધર્મોથી આત્મદ્રવ્યને ઓળખે તો એકલા હર્ષ–શોકના વેદનમાં ન અટકતાં
જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને હર્ષશોકનો સાક્ષી થઈ જાય, ને હર્ષ–શોકથી પાર એવા ચૈતન્યસ્વભાવના આનંદનું
વેદન પ્રગટે આનું નામ ધર્મ છે.
ભોક્તૃનયથી આત્માને હર્ષ–શોકનો ભોક્તા કહ્યો તેનું પરિણામ (તાત્પર્ય) પણ દ્રવ્યસ્વભાવની સન્મુખ
થઈને જાણનાર–દેખનાર રહેવાનું છે, ભોક્તાનયનું પરિણામ કાંઈ હર્ષ–શોકના ભોગવટામાં જ અટકી જવું તે નથી.
કેમકે ભોક્તૃનય વખતે પણ આત્મામાં કાંઈ એકલો ભોક્તાધર્મ જ નથી, તે જ વખતે અભોક્તાધર્મ પણ આત્મામાં
છે. આત્માના અભોક્તાધર્મને જાણનાર અલ્પ હર્ષ–શોકાદિનો પણ જાણનાર રહીને અભોક્તા રહે છે, હર્ષ–શોકના
ઃ ૨૬૨ઃ
આત્મધર્મઃ ૧૪૩