Atmadharma magazine - Ank 143a
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
[૪૨] ક્રિયાનયે આત્માનું વર્ણન
[પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં કહેલા નિશ્ચય–વ્યવહારનો ખુલાસો પણ આમાં આવી જાય છે.]
‘આત્મદ્રવ્ય ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે.’ જેમ કોઈ અંધપુરુષને પત્થરના
થાંભલા સાથે માથું ફોડવાથી માથામાંના લોહીનો વિકાર દૂર થવાને લીધે આંખો ખૂલી જાય અને નિધાન પ્રાપ્ત થાય,
તેમ ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ થાય એવો આત્મા છે.
અહીં ક્રિયાનયમાં અનુષ્ઠાનની પ્રધાનતા કહી છે, ને હવે ૪૩ માં જ્ઞાનનયમાં વિવેકની પ્રધાનતા રહેશે;
આચાર્યદેવે આ ૪૨ અને ૪૩ નયોમાં ‘પ્રધાનતા’ શબ્દ વાપર્યો છે, તે એમ બતાવે છે કે ગૌણપણે બીજું પણ વર્તે છે;
અહીં ૪૨ મા ક્રિયાનયમાં અનુષ્ઠાનની એટલે કે શુભની પ્રધાનતા કહી છે તે એમ બતાવે છે કે ગૌણપણે તે જ વખતે
સમ્યગ્જ્ઞાનનો વિવેક પણ વર્તે છે. શુભરાગની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એમ ક્રિયાનયથી કહ્યું તે જ વખતે, ગૌણપણે
શુદ્ધતા છે તેનું જ્ઞાન ભેગું હોય તો જ, ક્રિયાનય સાચો કહેવાય. શાસ્ત્રમાં કયાંક વ્યવહારની પ્રધાનતાનું કથન આવે
ત્યાં અજ્ઞાની જીવો તેનો ઊંધો અર્થ કરે છે કે વ્યવહાર (શુભરાગ) કરતાં કરતાં તેના આશ્રયે પરમાર્થની પ્રાપ્તિ થઈ
જશે.–પરંતુ શાસ્ત્રનો એવો આશય નથી.
આશંકાઃ– પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં તો એમ કહ્યું છે કે ભિન્ન સાધ્યસાધનરૂપ વ્યવહારને ન માને
તો મિથ્યાદ્રષ્ટિ છે–તેનો અર્થ શું છે?
સમાધાનઃ– સાધક અવસ્થામાં શુદ્ધતાના અંશની સાથે ભૂમિકા પ્રમાણે શુભરાગ પણ આવે છે તેનું ત્યાં જ્ઞાન
કરાવ્યું છે, અને ઉપચારથી તે રાગને વ્યવહાર સાધન કહ્યું છે. તે વ્યવહારના આશ્રયે નિશ્ચય પમાય એવો તેનો
આશય નથી પણ સાધકને તે બંને સાધન એક સાથે વર્તે છે તેનું જ્ઞાન કરાવવા માટે તે કથન છે. સાધકને તે બંને
વર્તે છે એમ ન માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે એમ સમજવું, પણ રાગાદિ વ્યવહારસાધનના અવલંબનથી નિશ્ચયસાધન
પમાઈ જશે એમ ન સમજવું. જેને નિશ્ચયનું ભાન નથી, અને ભિન્ન સાધ્ય–સાધનને પણ માનતો નથી, સ્વચ્છંદપણે
પાપમાં પ્રવર્તે છે, એવા જીવને મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે. અને સાથે સાથે ત્યાં જ એમ પણ કહ્યું છે કે જે નિશ્ચયને તો
જાણતા નથી ને કેવળ વ્યવહારઅવલંબી છે તે એકલા ભિન્ન સાધ્યસાધનભાવને જ અવલોકનારા સદા ખેદખીન્ન
વર્તે છે ને શુભરાગરૂપ વ્યવહારસાધનમાં જ વર્તે છે તે જીવો દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતાપરિણતિ રૂપ
જ્ઞાનચેતનાને કોઈ કાળે પામતા નથી, પણ કલેશની પરંપરાને પામીને સંસારમાં જ ભ્રમણ કરે છે.
પંચાસ્તિકાયની ૧૭૨મી ગાથા આ પ્રમાણે છે.
तह्मा णिव्वुदिकामों रागं सवत्थ कुणदि मा किंचि ।
सो तेण वीदरागो भवियो भवसायरं तरदि ।।
–એટલે કે, રાગ તે સાક્ષાત્ મોક્ષના અંતરાયરૂપ છે માટે જે મોક્ષના કામી છે તે સર્વત્ર કિંચિત્ પણ રાગ ન
કરો, જેથી તે ભવ્ય વીતરાગ થઈને ભવસાગરને તરી જાય છે. એમ કહીને ત્યાં વીતરાગતાને જ તાત્પર્ય બતાવ્યું છે.
મૂળ સૂત્રમાં એકદમ વીતરાગતાની વાત કરી, પણ હજી સાધકને રાગ તો થાય છે તેથી, ટીકામાં આચાર્યદેવે ભિન્ન
સાધ્યસાધનની વાત કરીને તે રાગનું જ્ઞાન કરાવ્યું છે. ‘કયાંય જરા પણ રાગ ન કર’–એમ કહ્યું, પણ સાધકને રાગ
તો થાય છે તેનું શું? તો કહે છે કે તે રાગને ભિન્ન સાધન માન, એટલે કે આત્માના વીતરાગી રત્નત્રયરૂપ જે
પરમાર્થ સાધન છે તેનાથી તે રાગને ભિન્ન જાણ.
પહેલાં તો વીતરાગતા તે જ તાત્પર્ય છે–એ વાત સ્થાપીને પછી રાગનું જ્ઞાન કરાવવા તેને ભિન્ન સાધન
કહ્યું છે; ‘ભિન્નસાધન’ કહેતાં જ તે ખરું સાધન નથી એમ તેમાં આવી જાય છે. સાક્ષાત્ કારણ તો વીતરાગભાવ જ
છે. નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ જે વીતરાગભાવ છે તે જ મોક્ષનું કારણ છે, રાગ તો અંતરમાં દાહને
ઉત્પન્ન કરનાર છે. જેમ ચંદનનો સ્વભાવ તો સુગંધી અને શીતળ છે, પણ તે ચંદનના વનમાં અગ્નિ પ્રવેશ કરતાં
દાહ ઉત્પન્ન કરે છે, તેમ વીતરાગભાવરૂપ જે ચંદનવન, તેમાં રાગરૂપી અગ્નિ દાહ (બળતરા) ઉત્પન્ન કરે છે; માટે
‘ઉત્તમ પુરુષોએ’ તે રાગને તાત્પર્ય ન માનવું પણ તેને હેય જાણવો, અને વીતરાગભાવને જ તાત્પર્ય માનવું. તથા
તે વીતરાગભાવ શુદ્ધ આત્મદ્રવ્યના અવલંબનથી થાય છે માટે શુદ્ધ આત્મા જ ઉપાદેય છે–એમ જાણવું. સાધકને વચ્ચે
રાગ આવ્યા વિના રહેતો નથી, પણ તેને ભિન્નસાધન કહીને સ્વભાવથી જુદો બતાવ્યો છે. રાગને જે તાત્પર્ય માને
બીજો ભાદરવો
ઃ ૨૭૯ઃ