ગુરુદેવે ઘણા પ્રકારે ખૂબ જ સ્પષ્ટીકરણ કરીને આ વિષય સમજાવ્યો છે; અને
સાથે સાથે પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથાનું રહસ્ય પણ સમજાવ્યું છે. તે
ગાથાની ટીકામાં શ્રી આચાર્યદેવે નિશ્ચય–વ્યવહાર સંબંધી ખુલાસો કરીને
વીતરાગભાવને જ તાત્ત્પર્ય કહ્યું છે; પણ યથાર્થ ગુરુગમના અભાવે, અને
પોતાની ઊંધી દ્રષ્ટિને લીધે કેટલાક જીવો તે ગાથાનું તથા ટીકાનું રહસ્ય
સમજ્યા વિના ઊંધા અર્થ કરીને માત્ર પોતાની વિપરીત દ્રષ્ટિને જ પોષે છે.
તેથી જિજ્ઞાસુ જીવોના હિતને માટે પૂ. ગુરુદેવે આ પ્રવચનોમાં નિશ્ચય–વ્યવહાર
બાબતમાં પણ ઘણો જ સુંદર ખુલાસો કરીને, એમ સમજાવ્યું છે કે સાધકપણામાં
નિશ્ચયની સાથે સાથે વ્યવહાર પણ હોય છે. છતાં સાધકનું (અને સર્વ
શાસ્ત્રોનું) તાત્પર્ય તો વીતરાગભાવ જ છે, ને તે વીતરાગભાવ નિશ્ચયના
આશ્રયે જ થાય છે, માટે નિશ્ચયના આશ્રયે જ ખરેખર મોક્ષમાર્ગ છે; સાધકને
શુભરાગરૂપ વ્યવહાર હોય છે પણ તે ખરેખર મોક્ષમાર્ગ નથી, તેને મોક્ષમાર્ગ
તરીકે કહેવો તે તો માત્ર ઉપચાર છે.