Atmadharma magazine - Ank 143a
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
પ્રકારની આશા છોડીને ચૈતન્યમાં લીન થાઉં છું. આચાર્ય કુંદકુંદ ભગવાન કહે છે કે અમે રાગ–દ્વેષ રહિત પરમ
સમાધિમાં સ્થિર થયા છીએ, અને હે જગતના જીવો! એમ કર્યું તે પ્રમાણે તમે પણ કરો.
મુનિરાજ કહે છે કે, અજ્ઞાની હો કે ભેદજ્ઞાની હો તેના પ્રત્યે મને સમતા છે, એટલે ખરેખર તો બહિર્મુખ
વલણ જ જતું નથી. બહિર્મુખ વલણ છોડીને હું તો મારા ચૈતન્યમાં જ અંતર્મુખ થાઉં છું, તેથી બહારમાં મને કોઈ
પ્રત્યે રાગ કે દ્વેષ નથી. અપૂર્વ અવસરમાં એમ કહ્યું છે કે–
‘શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા.......’
અને અહીં કહે છે કે જ્ઞાની કે અજ્ઞાની પ્રત્યે સમતા છે. જગતના જીવો પોતપોતાના પરિણમન–પ્રવાહમાં વહી
રહ્યા છે, પોતાના પરિણમનમાંથી બહાર નીકળીને બીજાનું કાંઈ સુધારવા કે બગાડવા કોઈ સમર્થ નથી. હું તો મારા
વીતરાગી આનંદના પ્રવાહમાં લીન થાઉં છું, તેથી મારે કોઈ સાથે શત્રુતા કે મિત્રતા નથી. હું જ્ઞાયક, જ્ઞાયકપણે જ રહું
છું, રાગ–દ્વેષપણે પરિણમતો નથી; એટલે જ્ઞેયમાં પણ એક ઇષ્ટ ને બીજું અનીષ્ટ એવા ભાગલા પાડતો નથી.
મુનિ જ્યાં નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થાય ત્યાં કેવળજ્ઞાની ભગવાન પ્રત્યેનો વંદનાદિનો વિકલ્પ પણ રહેતો
નથી, તેમ જ શાસનના વિરોધી મૂઢ જીવો પ્રત્યે દ્વેષાદિનો વિકલ્પ પણ હોતો નથી;–આવી તો છદ્મસ્થ મુનિની દશા છે,
તો પછી કેવળજ્ઞાન થયા પછી ભગવાન કોઈને વંદનાદિ કરે એ વાત તો કયાં રહી? એ તો ઘણી જ વિપરીત વાત છે.
કોઈ દુષ્ટ જીવ આવીને વેરભાવથી મોટો ઉપસર્ગ કરે કે ચક્રવર્તી રાજા આવીને ભક્તિથી ચરણમાં પડે,
તોપણ સમાધિવંત મુનિઓને રોમરાયમાં દ્વેષ કે રાગ થતો નથી, એક મારો શત્રુ ને બીજો મારો મિત્ર,–એવી વૃત્તિ
થતી નથી. વળી શરીરમાં મોટો રોગ થાય, કે પછી મહાન ઋદ્ધિઓ પ્રગટે તો પણ મુનિઓને સમભાવ છે, એક
અનીષ્ટ ને બીજું ઇષ્ટ એવો રાગ–દ્વેષ નથી. અમે તો અમારા ચૈતન્યની કેવળજ્ઞાનઋદ્ધિને સાધનારા છીએ, ત્યાં આ
જડ જડઋદ્ધિનો આદર કેમ હોય? અશરીરી સિદ્ધપદને સાધનારા છીએ ત્યાં આ શરીર ઉપર રાગ કેમ હોય? આ રીતે
મુનિઓને સમભાવ હોયછે.
‘બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો,
દેહ જાય પણ માયા થાય ન રોમમાં,
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો,
– અપૂર્વ અવસર એવો કયારે આવશે....’
અહો! આવા નિર્ગ્રંથ મહાત્માઓના વીતરાગમાર્ગે અમે ક્યારે વિચરીએ, એ ધન્ય અવસર અમને કયારે
આવે!–એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ ભાવના ભાવી છે. ‘વિચરશું કવ મહત્પુરુષને પંથ જો’...એ મહાન પુરુષોના પંથે
એટલે કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતોના પગલે અમે કયારે વિચરશું!–આવી ભાવના ભાવી છે. જ્યારે આ
શાસ્ત્રકાર અને ટીકાકાર મુનિવરો તો એવી દશામાં વર્તી જ રહ્યા છે; તેથી કહે છે કે અહો! અમે તો ચૈતન્યમૂર્તિ
સાક્ષીસ્વરૂપ છીએ. અમારા જ્ઞાનાનંદસ્વભાવ સાથે સંબંધ જોડીને, જગત સાથેનો સંબંધ અમે તોડી નાખ્યો છે તેથી
અમને કોઈ આશા નથી પણ સ્વભાવની સમાધિ વર્તે છે, જગતના સર્વે જીવોમાં અમને સમતા છે. જુઓ, આ
દશા!! આત્મામાં આવી દશા પ્રગટે તે જ શાંતિ અને શરણરૂપ છે, એ સિવાય જગતમાં બીજું કોઈ શરણભૂત નથી.
ભાઈ! જગતના ચેતન કે જડ બધા પદાર્થો એના પરિણમન પ્રવાહપણે જ બદલ્યા કરશે, તું તેમાં શું કરીશ? તું તારા
જ્ઞાનસ્વભાવને સંભાળીને જ્ઞાતાપણે રહે, તો તને સમતા અને શાંતિ થાય.
નમસ્કાર હો....સહજવૈરાગ્યપરિણતિવાળા એ વીતરાગી સંતોનો!
બીજો ભાદરવો ઃ ૨૭૭ઃ