Atmadharma magazine - Ank 145
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
આ ધર્મોમાંથી જેટલા ઉપાધિરૂપ અર્થાત્ અશુદ્ધતા રૂપ છે તે ધર્મો સિદ્ધદશામાં નથી હોતા, ને જે સ્વાભાવિક ધર્મો છે
તે બધા સિદ્ધદશામાં પણ હોય છે. સિદ્ધભગવાનને કાંઈ નયથી જોવાનું રહ્યું નથી, તેમને કાંઈ સાધવાનું બાકી નથી,
અહીં તો સાધકજીવ પોતે પોતાના આત્માને પ્રમાણ અને નય વડે સાધે છે તેની વાત છે.
જે શિષ્ય જિજ્ઞાસુ થઈને આત્માનું સ્વરૂપ સમજવા માંગે છે તેણે પૂછયું હતું કે હે પ્રભો! આ આત્મા કોણ
છે? એવા જિજ્ઞાસુ શિષ્યને ભગવાન આચાર્યદેવે પ્રથમ તો એમ બતાવ્યું કે આત્મા ખરેખર ચૈતન્યસામાન્યવડે
વ્યાપ્ત અનંતધર્મોનું અધિષ્ઠાતા એક દ્રવ્ય છે. તે શ્રુતજ્ઞાન પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે જણાય છે. એટલું કહીને પછી
૪૭ નયો દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવ્યું. શિષ્યને આ વાત સમજવાની ઝંખના છે, એટલે આ વાત વેઠથી નથી
સાંભળતો પણ અંતરમાં આત્માને સમજવાની ધગશથી સાંભળે છે, એવા શિષ્યને આ સમજાવ્યું છે.
–અહીં ૪૭ મા શુદ્ધનયથી આત્માનું વર્ણન પૂરું થયું.
(હવે, જે નયો અપેક્ષાસહિત છે તે જ નયો સમ્યક્ છે ને અપેક્ષાવગરના એકાંત નયો તે મિથ્યા છે– એ વાત
કહેશે. ત્યારપછી ‘શુદ્ધચૈતન્યમાત્ર નિજ આત્મદ્રવ્યને અંતરમાં દેખવું તે જ તાત્પર્ય છે’–એમ બતાવશે. એ રીતે
આત્મદ્રવ્યનું કથન પૂરું કરીને પછી તેની પ્રાપ્તિની રીત કહેશે.
સુખના શોધકને.......
રે જીવ! તું વિચાર તો કર કે જે સુખને તું શોધી
રહ્યો છે તે સુખ તો તારામાં હોય કે બહારમાં? પોતાનું
સુખ તો પોતાથી જુદી કોઈ પણ વસ્તુમાં ન હોય.
બહારમાં કયાંય તારું સુખ નથી, તારું સુખ તારામાં જ
ભર્યું છે; તે સુખના અનુભવ માટે તારા
વાસ્તવિકસ્વરૂપને તું ઓળખ.
– પૂ. ગુરુદેવ
સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક અને નિર્ભય છે
જ્ઞાનીનું સમ્યગ્દર્શન કોઈ સંયોગના અવલંબને
નથી થયું, પણ સ્વભાવના અવલંબને જ થયું છે; તેથી
કોઈ પણ સંયોગોના ભયથી તેઓ સમ્યક્ત્વથી ચ્યુત
થતા જ નથી, જે સ્વરૂપના અવલંબને સમ્યક્ત્વ થયું છે
તે સ્વરૂપના અવલંબને પોતાના સમ્યક્ત્વમાં તે નિઃશંક
અને નિર્ભયપણે પરિણમે છે. માટે સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક
અને નિર્ભય છે.
– પૂ. ગુરુદેવ.
કારતકઃ ૨૪૮૨ ઃ ૧પઃ