“અરે જીવ! હવે તો જિનભાવના ભાવ!”
ભીષણ ભવદુઃખથી બચવાનો ઉપાય
[પૂ. ગુરુદેવનું વૈરાગ્ય ભરપૂર પ્રવચન]
અરે જીવ! શુદ્ધ આત્માની ભાવના વિના, અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરવા
છતાં પણ, તું ચાર ગતિના ઘોર દુઃખને જ પામ્યો. એકમાત્ર ‘જિનભાવના’ જ
ચારગતિના ઘોર દુઃખોથી બચાવનારી છે. માટે હે જીવ! હવે તો તું જિનભાવના ભાવ, કે
જેથી ફરીને સ્વપ્નેય આવા દુઃખ ન થાય......ને પરમ આનંદરૂપ સિદ્ધપદની પ્રાપ્તિ થાય.
–આવો સંતોનો ઉપદેશ છે.
આ ‘ભાવ–પ્રાભૃત’ વંચાય છે; તેમાં ‘ભાવ’ એટલે શું? અહીં ‘ભાવ’ એટલે મોક્ષના કારણરૂપ ભાવ કયા
છે તેની વાત છે. આત્મા શુદ્ધ જ્ઞાન–આનંદ સ્વરૂપ વસ્તુ છે તેની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા કરવી તે ભાવ છે, ને તે
ભાવ જ મોક્ષનું કારણ છે. આચાર્યદેવ કહે છે કે–
હે શિવપુરીના પથિક! પ્રથમ તું ભાવને જાણ. ભાવ રહિત દ્રવ્યલિંગથી તારે શું પ્રયોજન છે?–એનાથી કાંઈ
સિદ્ધિ નથી. સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોને જ મોક્ષનું કારણ જાણીને તેની પ્રાપ્તિનો ઉદ્યમ કર; કેમકે મોક્ષપુરીનો પંથ શ્રી
જિનેન્દ્રદેવે પ્રયત્નસાધ્ય કહ્યો છે.
હે જીવ! સંસારમાં ભ્રમણ કરતાં તે દ્રવ્યલિંગ અનંતવાર ધારણ કર્યું તો પણ તારી કાંઈ સિદ્ધિ નથઈ; શુદ્ધ
ભાવ વિના તું ચાર ગતિમાં ભમતો જ રહ્યો. હે સત્ સમજવાની જિજ્ઞાસાવાળા સત્પુરુષ! તું સાંભળ! આત્માના
ભાન વિના અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરીને પણ તે મિથ્યાત્વ આદિક ભાવોને જ ભાવ્યા છે, પણ સમ્યક્ત્વ આદિક
શુદ્ધ ભાવોને તેં કદી એક ક્ષણ પણ ભાવ્યા નથી; તે સમ્યગ્દર્શન વગર તારી કાંઈ સિદ્ધિ ન થઈ, માટે હવે તો શુદ્ધ
ભાવોને ઓળખીને તેની ભાવના કર.
ભાઈ! તારી વસ્તુ અંદર છે, તારા આનંદના નિધાન તારી વસ્તુમાં છે. તે અંતરમાં તો નજર કર. નજર
કરતાં ન્યાલ થઈ જવાય એવી વસ્તુ અંદર પડી છે. એના સિવાય બહારના લક્ષે અનંતવાર રાગની મંદતા કરી, પણ
તારા હાથમાં કાંઈ ન આવ્યું.
શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહે છે કે–
યમ નિયમ સંયમ આપ ક્યિો,
પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો;
વનવાસ લહ્યો મુખ મૌન રહ્યો,
દ્રઢ આસન પદ્મ લગાય દીયો.
*
સબ શાસ્ત્રન કે નય ધારી હિયે,
મત ખંડન ખંડન ભેદ લિયે;
વહ સાધન બાર અનંત ક્યિો,
તદપિ કછૂ હાથ હજૂ ન પર્યો;
અબ કયો ન વિચારત હૈ મનસેં
કછૂ ઓર રહા ઉન સાધનસેં.
આત્માને ભૂલીને, મિથ્યા ભ્રાંતિથી બહારના બીજા બધા સાધન કર્યા, પણ વાસ્તવિક સાધન શુદ્ધ ભાવ છે તે
શુદ્ધ ભાવ કદી એક ક્ષણ પણ પ્રગટ ન કર્યો, અરે! તેની ઓળખાણ પણ ન કરી. રાગની મંદતા કરીને તેને જ
ઃ ૩૦ઃ
આત્મધર્મઃ ૧૪૬