Atmadharma magazine - Ank 148
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
: મહા : ૨૦૧૨ : આત્મધર્મ : ૭૩ :
પ્રસન્નતામય થઈ ગયું... ને બેન શારદાએ ભાવભર્યા વદને કહ્યું– ‘ગુરુદેવ! આપની બહુ કૃપા છે... દેહ ને
આત્મા તો જુદા જ છે.’ પૂ. ગુરુદેવે કહ્યું: તમે તો ઘણું સાંભળ્‌યું છે એટલે તેમાંથી યાદ કરીને વિચારવું. આ
શરીર તો અનિત્ય જ છે. ત્યારે બેન શારદાએ કહ્યું: “હા જી! આ દેહ તો આજ છે ને કાલ નથી.” છેવટે પૂ.
ગુરુદેવે માંગળિક સંભળાવ્યું હતું, અને ત્યારબાદ માત્ર વીસેક મિનિટમાં જ બેન શારદા સ્વર્ગવાસ પામી ગઈ
હતી. ગુરુદેવ પધાર્યા ત્યારે પણ તેને ભીંસ તો ચાલુ જ હતી, છતાં ઘણા પ્રયત્નથી જાગૃતિ રાખીને ગુરુદેવ તરફ
જ લક્ષ રોકી રાખ્યું હતું ને ગુરુદેવે જે કહ્યું તે ભાવપૂર્વક ઝીલ્યું હતું. એ વખતની તેની હિંમત જોઈને બધાને
આશ્ચર્ય થતું. ગુરુદેવ પધારતાં આ મૃત્યુ પ્રસંગ પણ જાણે આનંદના પ્રસંગમાં ફેરવાઈ ગયો હતો. ખરેખર,
સંતપુરુષોની શીતળ છાયા જિજ્ઞાસુજીવોને કેવી શરણભૂત છે–તે આ વખતે પ્રત્યક્ષ દેખાતું હતું.
પૂ. બેનશ્રી–બેન પણ સતતપણે તેને જાગૃતિ આપ્યા કરતાં હતાં... તેઓ શ્રી વારંવાર કહેતાં કે આત્મા
જાણનાર છે તેનું લક્ષ રાખજે... વેદના દેહમાં છે... આત્મામાં નથી; દેહ ને આત્મા જુદા છે. પૂ. બેનશ્રી–બેનની
હૂંફથી શારદાબેનને ઘણી હિંમત રહેતી... ને બેનશ્રી–બેન પણ અનેક ઉલ્લાસકારી પ્રસંગોનું તેમજ સીમંધર
ભગવાનનું સ્મરણ કરાવીને તેને ઉલ્લાસ પ્રેરતાં અને સાથે આત્માનું લક્ષ રાખવાનું કહીને વારંવાર જાગૃત
કરતાં... ને કહેતાં કે “શારદા! ગુરુદેવ તારા માટે જ દર્શન દેવા પધાર્યા ને પ્રેમપૂર્વક તને આટલું સંભળાવ્યું તે
તારા મહાભાગ્ય છે... તારું તો જીવન સફળ થઈ ગયું” નીચેની ચાર લીટી પૂ. બેનશ્રી–બેન વૈરાગ્ય ભરેલી
ચેષ્ટાથી વારંવાર સંભળાવતા:
આતમરામ અવિનાશી આવ્યો એકલો...
જ્ઞાન અને દરશન છે તેનું રૂપ જો...
બહિરભાવો સ્પર્શ કરે નહીં આત્મને...
ખરેખરો એ જ્ઞાયકવીર ગણાય જો...
–ગંભીર વૈરાગ્યપૂર્વક જ્યારે એ લીટીઓ ગવાતી ત્યારે આખું વાતાવરણ પલટાઈ જતું... ચારે કોર જાણે
ઉપશાંત વૈરાગ્યરસની છાયા છવાઈ જતી... બેન શારદા પણ તે સાંભળતાં ડોલી ઊઠતી.
લગભગ છ વાગે છેલ્લો હુમલો આવ્યો ને પૂ. બેનશ્રી–બેન ઉગ્રપણે પ્રોત્સાહન આપવા માંડ્યાં: જો
શારદા! ધ્યાન રાખજે હો... હોશિયાર રહેજે... આત્માનું લક્ષ રાખજે... સીમંધર ભગવાનનું શરણ છે... ગુરુદેવનું
શરણ છે........... શારદાબેન તો ફાટી આંખે બેનશ્રી–બેન તરફ જોઈ જ રહ્યાં... ને એ જ સ્થિતિમાં છ ને દશ
મીનીટે દેહ છોડીને સ્વર્ગવાસી થઈ ગયાં...
પૂ. ગુરુદેવની અદ્ભુત વાણીના પ્રતાપે જિજ્ઞાસુઓના જીવનમાં કેવો લાભ થાય છે, અને પૂ. બેનશ્રી–
બેનની છત્રછાયાથી કેવી હૂંફ રહે છે તે આવા પ્રસંગે દેખાઈ આવે છે.
છેવટે, જીવનમાં પ્રાપ્ત થયેલ સંતોની કલ્યાણકારી છત્રછાયાના પ્રતાપે શારદાબેને પોતાના આત્મામાં જે
સંસ્કારો પાડ્યા છે તેમાં આગળ વધીને તે પોતાનું આત્મહિત સાધે ને આવા જન્મ મરણથી–છૂટે એ જ ભાવના.