વૈશાખ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૩૩ :
વૈરાગ્ય સમાચાર
ચૈત્ર સુદ ૧૨ ના રોજ સોનગઢમાં રાત્રિચર્ચા ચાલી રહી હતી, દેહથી ભિન્ન આત્માનું અતીન્દ્રિય
સ્વરૂપ પૂ. ગુરુદેવ સમજાવી રહ્યા હતા... ત્યાં અચાનક શ્રી. રાજીભાઈના નામે તાર આવ્યો– ‘રાજકોટના
નૌતમલાલભાઈ હાર્ટફેઈલથી ગુજરી ગયા. ’ –એ સમાચાર સાંભળતાં જ વૈરાગ્ય ભરેલા આઘાતથી
ચર્ચાનું વાતાવરણ થોડીવાર તો થંભી ગયું હતું. હજી આ સમાચાર આવ્યા અગાઉ માત્ર પા કલાક પહેલાંં
તો પૂ. ગુરુદેવ તેમના સંબંધમાં વાતચીત કરતા હતા.
ભાઈશ્રી નૌતમભાઈને પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણો પ્રેમ હતો. લગભગ પંદર વર્ષ પહેલાંં તેમણે પૂ.
ગુરુદેવ પાસે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી હતી. રાજકોટ દિ. જૈન સંઘમાં તેઓ છેલ્લા અનેક વર્ષોથી વાંચન
કરતા હતા, અને ત્યાના સંઘના તેઓ મહાન સ્થંભ હતા, સંઘને તેમના ઉપર ઘણી લાગણી હતી. પૂ.
ગુરુદેવના વિશેષ સમાગમનો લાભ લેવા માટે સોનગઢ આવીને રહેવાની તેમની ભાવના હતી. તેઓ
સોનગઢ આવેલા, ને સ્વર્ગવાસના ચાર દિવસ પહેલાંં જ તેઓ સોનગઢથી રાજકોટ ગયેલા. સ્વર્ગવાસના
આગલા દિવસે રાત્રે તેમણે જિનમંદિરમાં વાંચન પણ કર્યું હતું. ત્યારબાદ છાતીમાં દુઃખાવો શરૂ થયો, બીજે
દિવસે સવારે તેમને ખ્યાલમાં આવી ગયું કે આ હુમલો ગંભીર છે. અને ચૈત્ર સુદ બારસની સાંજે લગભગ
પાંચ વાગે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમની ઉમર લગભગ ૬૦ વર્ષની હતી. તેમના આવા અચાનક
સ્વર્ગવાસથી રાજકોટના દિ. જૈન સંઘને ઘણી ખોટ પડી છે. ભાઈશ્રી નૌતમભાઈ સત્સમાગમની જે
ભાવના સાથે લઈને ગયા છે, તે ભાવનાના બળે સત્સમાગમે તેઓ પોતાનું આત્મહિત સાધો એ જ
ભાવના.
પૂ. ગુરુદેવ કહે છે કે: માત્ર મૃત્યુ વખતે જ નહિ પણ સદાય જીવ ને દેહ જુદા જ છે, અત્યારે પણ
બંને તદ્ન જુદાં જ છે, માટે તારા આત્માને દેહથી ભિન્ન જાણ. દેહ નહિ છૂટે ––– એટલે કે દેહ તો અહીં જ
પડ્યો રહેશે. પણ જીવ દેહને છોડીને બીજા ભવમાં ચાલ્યો જશે, માટે જીવનું પોતાનું નિજ સ્વરૂપ શું છે–કે
જે પોતાની સાથે જ રહે–તે ઓળખી લેવા જેવું છે. તેની ઓળખાણ વિના આ જન્મ–મરણનું ચક્ર અટકે
નહિ.
શ્રી જૈનદર્શન શિક્ષણ વર્ગ
સોનગઢમાં દર વર્ષની માફક ઉનાળાની રજા દરમિયાન વૈશાખ સુદ ૪ ને સોમવાર તા. ૧૪–૫–૫૬
થી શરૂ કરીને વૈશાખ વદ ૧૦ને સોમવાર તા. ૪–૬–૫૬ સુધી વિદ્યાર્થીઓને જૈનદર્શનના અભ્યાસ માટે
શિક્ષણ વર્ગ ખોલવામાં આવશે.
આ શિક્ષણવર્ગમાં બાળવર્ગ, પ્રથમ શ્રેણી, મધ્યમ શ્રેણી ને ઉત્તમ શ્રેણી એમ ચાર વર્ગો રાખવામાં
આવ્યા છે. વિશેષમાં આ વખતે ધર્મ કથાનુયોગમાંથી ધાર્મિક વાર્તાઓ થશે, તથા ભક્તિ–સ્તવનો વાજિંત્ર
સાથે શીખવવામાં આવશે.
વર્ગમાં દાખલ થવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ તુરત આવી જવું. ને પોતાનું બિછાનું સાથે લાવવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ (સૌરાષ્ટ્ર)