Atmadharma magazine - Ank 153
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
મનુષ્ય છું’ એમ માને અથવા ક્રોધાદિ થાય તે જ હું છું–એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. અરે પ્રભુ! દેહ તું નથી, ક્ષણિક
ઉપાધિભાવ જેટલો તું નથી, ધનવાનપણામાં તારી મોટપ નથી, તું તો જ્ઞાન–આનંદ સ્વરૂપ છો, તે જ્ઞાન–આનંદ
સ્વરૂપને ઓળખીને તેમાં લીનતા કર.–એ જ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે.
ઉત્કૃષ્ટ જ્ઞાન–દર્શન સ્વભાવથી ભરેલો, પુરુષાકાર આત્મા છે, આવો આત્મા ધ્યાન કરવા યોગ્ય છે. આવા
આત્માના ધ્યાનવડે રાગ–દ્વેષ રહિત નિર્દ્વન્દ્વ થનાર યોગી મુક્તિ પામે છે. ભગવાન અરિહંત પરમાત્માનો આત્મા
જેવો શુદ્ધ છે તેવો જ મારા આત્માનો સ્વભાવ છે–એમ ઓળખીને, તેના ધ્યાન વડે શ્રમણ–મુનિવરો મુક્તિ પામે છે.
માટે ચૈતન્યનું ધ્યાન કરો,–એમ ભગવાન જિનદેવે મુનિઓને કહ્યું છે. આ રીતે મુનિઓને તો મોક્ષના કારણરૂપ
ચારિત્ર સહિત આત્મધ્યાનનો ઉપદેશ છે. હવે જેનાથી ચારિત્રદશા ન થઈ શકે–આત્મામાં વિશેષ લીનતા ન થઈ શકે–
એવા શ્રાવકોને સમ્યગ્દર્શનની દ્રઢતાનો ઉપદેશ આપે છે, સમ્યક્ત્વ ન હોય તેણે તો પ્રથમ સમ્યક્ત્વ ગ્રહણ કરવું, અને
સમ્યક્ત્વ ગ્રહણ કરીને તેને અતિ દ્રઢપણે જાળવી રાખવું–એમ હવે શ્રાવકોને માટે ઉપદેશ આપે છે.
શ્રાવકના કર્તવ્યનો ઉપદેશ
આચાર્યદેવ ભલામણ કરે છે કે અહો, હવે હું શ્રાવકોને માટે સંસારવિનાશકર અને સિદ્ધિકર એવો ઉપદેશ કરું
છું તેને હે શ્રાવકો! તમે સાંભળો.
गहिऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरीव णिक्कंप ।
तं झाणे झाईज्जइ सावय! दुक्खक्खयट्ठाए ।। ८६।।
શ્રાવકોએ શું કરવું? શ્રાવકોએ પ્રથમ તો સુનિર્મળ અને મેરુસમાન નિષ્કંપ અચલ દોષરહિત સમ્યક્ત્વ ગ્રહણ
કરવું; અને પછી ધ્યાનમાં તેને જ ધ્યાવવું. દુઃખના ક્ષયને અર્થે સમ્યક્ત્વને જ ધ્યાવવું, એટલે કે સમ્યક્ત્વમાં જેવા
શુદ્ધઆત્માનો અનુભવ થયો છે તેવા શુદ્ધઆત્માને જ ધ્યાવવો. તે શુદ્ધઆત્માની પ્રતીત તો એવી દ્રઢ રાખવી કે
ત્રણલોક ખળભળી જાય તોય શ્રદ્ધા ન ડગે. જેમ પવનથી મેરુ પર્વત ડગતો નથી તેમ મેરુવત્ અડગ–નિશ્ચલ શ્રદ્ધા
કરવી. પહેલાં જ શ્રાવકોએ સમ્યગ્દર્શન ગ્રહણ કરવું. સમ્યગ્દર્શન વગર તો શ્રાવકપણું હોતું નથી, માટે ભગવાને
શ્રાવકોને કહ્યું છે કે પ્રથમ તો સમ્યક્ત્વને અંગીકાર કરો. અને તે સમ્યક્ત્વ વડે વસ્તુસ્વરૂપની વારંવાર ભાવના
ભાવવી. વસ્તુસ્વરૂપની ભાવનાથી શ્રાવકને ગૃહકાર્ય વગેરે સંબંધી ક્ષોભ પણ મટી જાય છે. સમ્યક્ત્વવડે વસ્તુસ્વરૂપ
જેણે જાણ્યું નથી તેને વ્રત–તપ વગેરે સાચું હોતું નથી. માટે હે શ્રાવક! દુઃખના ક્ષયને માટે નિર્વિકારી આનંદમૂર્તિ
આત્માને પ્રતીતિમાં લઈને તેનું જ ધ્યાન કર. જુઓ ગૃહસ્થાશ્રમમાં રહેલા શ્રાવકોને પણ આત્મધ્યાનનો ઉપદેશ છે.
અજ્ઞાની કહે છે કે નિશ્ચય સમ્યગ્દર્શન અત્યારે ન થઈ શકે!–તે તો વિપરીત પ્રરુપણા છે. અહીં તો કહે છે કે શ્રાવકને
નિશ્ચય સમ્યગ્દર્શન થાય અને તે પણ એવું અચલ દ્રઢ થાય કે ડગે નહીં. ધર્માત્મા ગૃહસ્થાશ્રમમાં પણ ચૈતન્ય સ્વરૂપ
આત્માની ભાવના ભાવે છે. અહો! હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું, દેહનો એક રજકણ પણ મારો નથી, પરચીજની
ક્રિયા મારે લીધે થતી નથી,–આવા વસ્તુસ્વરૂપના ચિંતનથી સમકિતીને આકુળતા ટળી જાય છે. માટે કહ્યું છે કે હે
શ્રાવકો! પ્રથમ વસ્તુસ્વરૂપ જાણીને, પરથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન પ્રગટ કરો ને
દુઃખના ક્ષયને અર્થે તેને જ ધ્યાવો. આ રીતે, શ્રાવકધર્મ કે મુનિધર્મ એ બંનેનો પાયો સમ્યગ્દર્શન છે. માટે ભગવાને
સૌથી પહેલાં સમ્યગ્દર્શન કરવાનું કહ્યું છે.
આત્માના જ્ઞાન–આનંદ સ્વભાવને શ્રદ્ધામાં લઈને સમકિતી વારંવાર તેનું ચિંતન કરે છે; ને આ રીતે
આત્માના સ્વભાવના ચિંતનથી તેને દુઃખ ટળે છે. આચાર્યદેવ કહે છે કે અહો! સમ્યગ્દર્શન તો શ્રાવકોનું પરમ કર્તવ્ય
છે. તે સમ્યગ્દર્શનની ઉપાસનાના બળથી તે આઠ કર્મનો ક્ષય કરે છે–
અષાઢઃ ૨૪૮૨
ઃ ૧પ૯ઃ