Atmadharma magazine - Ank 154
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
: શ્રાવણ: ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૮૫ :
છું, શુભવૃત્તિ પણ મારા જ્ઞાનનું સ્વરૂપ નથી–આવા યથાર્થ જ્ઞાનપૂર્વક ધર્મીને દયા–અહિંસા વગેરેની જે શુભવૃત્તિ
ઊઠે તેને પણ સર્વજ્ઞભગવાને ધર્મ કહ્યો નથી; કેમ કે તે શુભવૃત્તિથી પણ ઉપયોગ ક્ષોભિત થાય છે ને
સ્વરૂપસ્થિરતામાં ભંગ પડે છે. ચૈતન્યના આનંદની લીનતા છોડીને કોઈ પણ પર પદાર્થના આશ્રયે જે ભાવ થાય
તે ધર્મ નથી. જો પૂજા કે વ્રતાદિનો શુભરાગ તે ધર્મ હોય તો તો સિદ્ધદશામાંય તે ભાવ ટકી રહેવા જોઈએ. –પણ
એમ થતું નથી, કેમ કે રાગ તો સિદ્ધદશાનો બાધક છે, તેનો અભાવ થાય ત્યારે કેવળજ્ઞાન ને સિદ્ધદશા પ્રગટે છે.
માટે સર્વ પરદ્રવ્યોથી અત્યંત નિરપેક્ષ, –શુભરાગથી પણ પાર, શુદ્ધચૈતન્યપદના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર સિવાય
બીજા કોઈ જૈનધર્મ નથી. આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવોને જ તારા પરમશ્રેયનું કારણ જાણીને
હે જીવ! સર્વ ઉદ્યમથી તેની ઉપાસના કર.
ધર્મમાં આત્માનું જ અવલંબન છે, રાગનું અવલંબન નથી. હે જીવ!
ધર્મનું કારણ અંતરમાં શોધ!
પ્રશ્ન:– પુણ્ય તે ધર્મ નથી પરંતુ ધર્મનું કારણ તો છે ને?
ઉત્તર:– અરે ભાઈ, પુણ્ય તો રાગ છે ને ધર્મ તો આત્માનો વીતરાગભાવ છે; રાગ તે આત્માના
વીતરાગી–ધર્મનું કારણ કેમ થાય? વીતરાગતાનું કારણ રાગ હોય નહીં. પુણ્યભાવથી ચૈતન્યના સ્વભાવ સાથે
એકતા થતી નથી પણ તેનાથી તો ક્ષોભ થાય છે ને બહારમાં જડનો સંયોગ મળે છે, માટે તે પુણ્ય ધર્મનું કારણ
નથી.
પ્રશ્ન:– પુણ્ય તે પરંપરા ધર્મનું નિમિત્ત તો છે ને? તે વ્યવહાર–કારણ તો છે ને?
ઉત્તર:– ભાઈ, પુણ્ય તો વિકાર છે, તે ધર્મનું કારણ છે જ નહીં. પહેલાંં ધર્મનું સાચું કારણ શું છે તે તો
શોધ! ધર્મનું નિશ્ચયકારણ જે રાગ વગરનો ચિદાનંદસ્વભાવ છે તેના ઉપર તો જોર દેતો નથી, ને પુણ્યને
વ્યવહાર–કારણ કહી–કહીને તેના ઉપર તું જોર દે છે, તો તને ખરેખર સ્વભાવની રુચિ નથી પણ રાગની જ રુચિ
છે; ‘કોઈ પ્રકારે રાગથી ધર્મ થાય!’ એવી તારી રાગબુદ્ધિ છે પણ રાગરહિત ચિદાનંદસ્વભાવ ઉપર તારી દ્રષ્ટિ
નથી, અને તે વિના ધર્મ થતો નથી. તને રાગની રુચિ છે એટલે તને તો ધર્મ જ નથી, તો ધર્મનું નિમિત્ત કોને
કહેવું? જે જીવ રાગની રુચિ છોડીને સ્વભાવની રુચિવડે સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ કરે તેને પછી બીજામાં ધર્મના
નિમિત્તપણાનો ઉપચાર આવે; પણ અજ્ઞાનીને તો ધર્મ જ નથી એટલે તેના રાગમાં તો ધર્મના નિમિત્તપણાનો
ઉપચાર પણ થતો નથી. અહો, અરાગીધર્મને રાગનુંજ અવલંબન નથી, આત્મા પોતે જ પોતાના સમ્યગ્દર્શનાદિ
ધર્મનું અવલંબન છે, આત્માથી ભિન્ન બીજું કોઈ અવલંબન છે જ નહિ. –આમ નક્કી કરીને અંતર્મુખ થઈને
આત્મસ્વભાવનું અવલંબન લ્યે ત્યારે જ ધર્મ થાય છે. અનાદિથી જીવે બહારના અવલંબનમાં જ ધર્મ માન્યો છે,
પણ પોતાના આત્માનું અવલંબન કદી કર્યું નથી. આત્માનો સ્વભાવ એવો છે કે તેનું અવલંબન કરતાં ભવનો
નાશ થઈ જાય છે. અહો! આવો સ્વભાવ અંતરમાં પડ્યો છે તે તો અજ્ઞાનીને દેખાતો નથી, –આવા સ્વભાવનું
અવલંબન કરું તો ધર્મ થાય–એમ અંતરનું કારણ તો તેને લક્ષમાં આવતું નથી, ને ‘પુણ્ય તે વ્યવહાર–કારણ તો
છે ને!’ એમ રાગ ઉપરથી દ્રષ્ટિ ખસતી નથી. ચિદાનંદ સ્વભાવ રાગ વગરનો છે તેની રુચિ કરીને તે તરફ ન
ઝૂકતાં, રાગની રુચિ કરીને તેમાં જ લીન વર્તે છે તેથી અનંતકાળથી જીવ સંસારમાં રખડે છે. ચૈતન્યસ્વભાવ જ
હું છું, રાગ હું નથી–એમ એકવાર પણ સ્વભાવ અને રાગ વચ્ચે ત્રિરાડ પાડીને અંર્તસ્વભાવ તરફ ઝૂકી જાય
તો અલ્પકાળમાં ભવનો નાશ થઈને મુક્તિ પામે. માટે આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! તું આવા શુદ્ધભાવરૂપ
જૈનધર્મની રુચિ કર, ને રાગની રુચિ છોડ. જેને રાગની–પુણ્યની રુચિ છે તેને જૈનધર્મની રુચિ નથી.