આવો તારો અમૂર્તસ્વભાવ છે. સિદ્ધભગવંતોને જે અમૂર્ત પણું પ્રગટ્યું તે ક્યાંથી પ્રગટ્યું? પહેલેથી આત્માનો
અમૂર્તસ્વભાવ હતો તે જ પ્રગટ્યો છે; પહેલાંં આત્મા મૂર્ત હતો ને પછી કર્મો ટળતાં અમૂર્ત થયો–એમ કાંઈ નથી.
મૂર્તના સંબંધથી આત્માને મૂર્ત કહેવો તે તો ઉપચારથી જ છે, ખરેખર કાંઈ આત્મા મૂર્ત નથી. કર્મની ઉપાધિ
તરફ ન જોતાં સહજ આત્મ પ્રદેશો અમૂર્ત છે. આત્માના અમૂર્તપણાનો નિર્ણય કરે તોય મૂર્તિક પદાર્થો (શરીર–
કર્મો વગેરે) સાથેની એકતાબુદ્ધિ છૂટી જાય; અને, રાગાદિ વિકાર જો કે અરૂપી છે તો પણ તે કર્મના સંબંધની
અપેક્ષા રાખે છે, તેથી જ્યાં કર્મનો સંબંધ તોડી નાંખ્યો ત્યાં વિકાર સાથેની એકતાબુદ્ધિ પણ છૂટી જાય છે.
અજ્ઞાનીને એમ લાગે છે કે મારું જ્ઞાન જડમાં ચાલ્યું જાય છે અથવા તો જડનો રસ (જુંબુનો સ્વાદ વગેરે) મારા
જ્ઞાનમાં આવી જાય છે; પરંતુ ખરેખર કાંઈ અમૂર્તિકજ્ઞાન મૂર્તપદાર્થમાં ચાલ્યું જતું નથી, તેમ જ મૂર્ત પદાર્થનો
રસ કાંઈ અમૂર્તિકજ્ઞાનમાં આવી જતો નથી. પણ અજ્ઞાની તે સ્વાદ વગેરેને જાણતાં ત્યાં જ રાગ કરીને રાગમાં
રોકાઈ જાય છે ને જ્ઞાનના વાસ્તવિક સ્વાદને ભૂલી જાય છે–ભિન્ન જ્ઞાનને ભૂલી જાય છે. એ રીતે અજ્ઞાનથી
તેને જડ સાથે એકત્વપણાની બુદ્ધિ થઈ ગઈ છે. જ્ઞાની તો જાણે છે કે મારું અમૂર્તિકજ્ઞાન જડથી તો જુદું જ છે, ને
રાગથી પણ જુદુ છે. મારું જ્ઞાન તો અતીન્દ્રિયઆનંદના સ્વાદવાળું છે.
તેના ગુણો મૂર્ત અને તેની અવસ્થા (કર્મ–શરીર વગેરે) પણ મૂર્ત છે. આ રીતે અમૂર્તિક અને મૂર્તિક બંને
વસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ ત્રિકાળ જુદેજુદા છે. એકક્ષેત્રાવગાહીપણું હોવા છતાં બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન
છે. આત્માના પ્રદેશો અમૂર્તિક છે, ને શરીર–કર્મ વગેરેના પ્રદેશો મૂર્ત છે. આત્મા અમૂર્તિક હોવાથી તેનું જ્ઞાન પણ
અમૂર્ત છે, તેનું સમ્યગ્દર્શન પણ અમૂર્ત છે, તેનો આનંદ પણ અમૂર્ત છે;–આ રીતે અતીન્દ્રિય જ્ઞાનનો જ વિષય
થવાનો તેનો સ્વભાવ છે. આવા અમૂર્ત ચિદાનંદ–સ્વભાવની દ્રષ્ટિ કરીને તેના અવલંબને મૂર્ત–કર્મ વગેરે સમસ્ત
પદાર્થો સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્યાં તૂટ્યો ત્યાં સાક્ષાત્ અમૂર્ત એવી સિદ્ધદશા થયા વિના રહે નહિ.
યથાર્થ ઓળખાણ થતાં તેની નિર્મળપર્યાય થાય છે. આ રીતે દ્રવ્ય–ગુણ ને નિર્મળ પર્યાયની સંધિ છે. કોઈ કહે કે
દ્રવ્ય–ગુણને માન્યા પણ નિર્મળપર્યાય ન થઈ. –તો એમ બને જ નહિ; તેણે ખરેખર દ્રવ્ય–ગુણને માન્યા જ નથી.
નિર્મળ પર્યાય વગર દ્રવ્ય–ગુણને માન્યા કોણે? માનનાર તો પર્યાય છે. જે પર્યાય દ્રવ્ય તરફ ઝૂકીને દ્રવ્યને માને
છે તે તો દ્રવ્ય સાથે અભેદ થયેલી નિર્મળપર્યાય જ છે.
આત્માને સંસારપર્યાય છે અને તેના નિમિત્તરૂપ કર્મનો સંબંધ પણ છે–તેની ના પાડનાર તેના અભાવનો પ્રયત્ન
નહીં કરે. જો જીવ અવસ્થાની અશુદ્ધતાને તેમજ તેના નિમિત્તને જેમ છે તેમ ઓળખે, તેમજ પોતાની શુદ્ધશક્તિને
ઓળખે, તો જ શુદ્ધશક્તિનું અવલંબન કરીને અવસ્થામાંથી અશુદ્ધતા ટાળીને શુદ્ધતા પ્રગટ કરે. આત્માને કર્મનો
સંબંધ તો કૃત્રિમ–ઉપાધિરૂપ છે, ને કર્મબંધના અભાવથી વ્યક્ત થયેલા આત્મપ્રદેશો સહજ સ્વાભાવિક છે. આવા
સહજ આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તિકપણું છે તે આત્માનો ત્રિકાળ સ્વભાવ છે; એટલે આત્મા ત્રિકાળ વર્ણ–ગંધ–
રસ–સ્પર્શથી રહિત છે.