Atmadharma magazine - Ank 154
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ૧૮૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૨: શ્રાવણ:
રસ–સ્પર્શવાળું છે, તે શરીર તારું નથી; તું તો ચૈતન્યસ્વરૂપ–અમૂર્ત છો, વર્ણ–ગંધ–રસ–સ્પર્શ વગરનો છો. તારા
અમૂર્ત આત્મપ્રદેશોમાં શરીર–મન–વાણી કે રાગદ્વેષ ભર્યા નથી, પણ જ્ઞાન–શ્રદ્ધા–સુખ–વીર્ય વગેરે અનંત
શક્તિઓ ભરી છે. જેમ ગોળમાં ગળપણ ભર્યું છે પણ કાંઈ તેમાં કડવાશ નથી ભરી, તેમ આત્મામાં જ્ઞાનાદિ
અનંતી શક્તિઓ ભરેલી છે, પણ તેમાં કાંઈ વિકાર નથી ભર્યો. વિકાર તો ઉપલક ભાવ છે, અંતરના ઊંડા
સ્વભાવમાં વિકાર નથી. આત્માની સ્વભાવશક્તિને પકડીને તેના આનંદના અનુભવમાં લીન રહેતાં આહાર
તરફ વૃત્તિ જ ન જાય તેનું નામ ઉપવાસ છે, ને એવો તપ તે ધર્મ છે. ‘આત્મા ખોરાક ખાય છે તે તેણે છોડી
દીધો તેનું નામ ઉપવાસ’ –એમ અજ્ઞાનીઓ માને છે. પણ ભાઈ! આત્મા તો અમૂર્ત છે, તે મૂર્તિક ખોરાકને
ગ્રહતો પણ નથી ને છોડતો પણ નથી. આત્માને કાંઈ એવા હાથ–પગ નથી કે મૂર્તિક વસ્તુને ગ્રહે ને છોડે!
આત્માને વર્તમાન અવસ્થાથી જોતાં તેને કર્મનો સંબંધ અને રાગાદિ ભાવબંધ છે પરંતુ તે ખરેખર
આત્મા નથી કેમ કે તેના આશ્રયે આત્માને હિત થતું નથી. આત્મા તો પોતાની ત્રિકાળી શક્તિઓનો પિંડ છે,
તેના આશ્રયે વિકારની ઉત્પત્તિ થતી નથી. આત્માની કોઈ શક્તિ વિકારની ઉત્પાદક નથી.
પ્રશ્ન:– જો આત્માની કોઈ શક્તિ વિકારની ઉત્પાદક નથી તો વિકાર કેમ ઊપજે છે?
ઉત્તર:– આત્માની ત્રિકાળી શક્તિ જો વિકારની ઉત્પાદક હોય તો વિકાર કદી ટળી શકે નહિ. પરંતુ શક્તિ
તો ત્રિકાળ રહીને વિકાર ટળી જાય છે, માટે વિકાર તે ખરેખર શક્તિનું પરિણમન નથી. શક્તિનો આશ્રય ન
કરતાં પરનો આશ્રય કર્યો તેથી વિકારની ઉત્પત્તિ થઈ, માટે તે સમયનો પરાશ્રયભાવ પોતે જ વિકારનો ઉત્પાદક
છે. શક્તિના આશ્રયે વિકાર થતો નથી માટે શક્તિ વિકારની ઉત્પાદક નથી. આ રીતે આત્માના સ્વભાવ સાથે
એકતા કર તેને જ (–નિર્મળ પર્યાયને જ) અહીં આત્માની પર્યાય ગણી છે, આત્મા સાથે એકતા ન કરે તેને (–
મલિનપર્યાયને) ખરેખર આત્માની પર્યાય ગણતા જ નથી. જો કે તે થાય છે આત્મામાં, પરંતુ આત્માના
શુદ્ધસ્વભાવની મુખ્યતામાં તે અભાવ સમાન જ છે.
પોતાની અવસ્થામાં અશુદ્ધતા છે તેને જો સ્વીકારે જ નહિ તો તેને ટાળવાનો ઉદ્યમ કેમ કરે? અને જો
તેટલો જ પોતાને સ્વીકારી લ્યે તો ય તેને ટાળવાનો ઉદ્યમ ક્યાંથી કરે? મારા ત્રિકાળી સ્વભાવમાં આ અશુદ્ધતા
નથી–એમ જાણીને, શુદ્ધસ્વભાવનો આદર કરતાં અશુદ્ધતાનો અભાવ થઈને શુદ્ધ સિદ્ધપદ પ્રગટે છે. હજી તો
અમૂર્ત આત્માની શ્રદ્ધા કરવાની પણ જે ના પાડે ને મૂર્ત કર્મવાળો જ આત્માને માને તો તેને સિદ્ધપદ ક્યાંથી
પ્રગટે?
આત્માની પર્યાયમાં વિકાર છે, કર્મનો સંબંધ છે–એનો સ્વીકાર તે વ્યવહાર છે; અને આત્મા ત્રિકાળી
શક્તિથી પરિપૂર્ણ છે, શુદ્ધ છે, તેમાં વિકાર કે બંધન નથી–એવા આત્મસ્વભાવનો સ્વીકાર તે નિશ્ચય છે. ત્યાં જે
જીવ એકલા વ્યવહારને જ સ્વીકારીને તેના આશ્રયમાં અટકે છે તે તો મિથ્યાદ્રષ્ટિ–અધર્મી છે. જે જીવ શુદ્ધ–
આત્મસ્વભાવને દ્રષ્ટિમાં લઈને તેનો આશ્રય કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા છે, તેને શુદ્ધદ્રવ્યના આશ્રયે પર્યાય
પણ નિર્મળ થતી જાય છે, અને કર્મ સાથેનો નિમિત્ત સંબંધ છૂટતો જાય છે.
મૂર્ત કર્મના અભાવરૂપ અમૂર્તશક્તિ આત્મામાં ત્રિકાળ છે, પણ કર્મ સાથે સંબંધ ટકાવી રાખે એવી તો
કોઈ શક્તિ આત્મામાં નથી. કર્મ સાથે સંબંધ બાંધે એવી એક સમય પૂરતા વિકારની યોગ્યતા છે, પરંતુ
આત્માની શુદ્ધશક્તિની દ્રષ્ટિમાં તો તેનો પણ અભાવ છે.
આત્મા અતર્મૂધર્મવાળો છે, એટલે કોઈ મૂર્તની (શરીર વગેરેની) મદદથી તેને ધર્મ થાય–એવો આત્મા
નથી. ઈન્દ્રિયો પણ મૂર્ત છે, તે અમૂર્ત આત્માના ધર્મમાં મદદગાર નથી; આત્માનો જ્ઞાનાનંદસ્વભાવ અમૂર્ત–
અતીન્દ્રિય છે, તે સ્વભાવના અવલંબને જ ધર્મ થાય છે. આત્મામાં આવી નિર્મળ શક્તિઓ તો ત્રિકાળ છે જ,
પણ પોતે પોતાની શક્તિને સેવતો નથી એટલે તે શક્તિ ઊછળતી નથી–નિર્મળપણે પરિણમતી નથી. પર્યાયને
(શેષાંક માટે જાુઓ પૃષ્ઠ ૧૯૦)