નિર્વિકલ્પરસનું પાન કરો
[સમાધિશતક ગા. ૩૯ ઉપરના પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી]
ભાવલિંગી સંતમુનિને સમાધિમરણનો અવસર હોય... આસપાસ બીજા મુનિઓ
બેઠા હોય;–ત્યાં તે મુનિને કોઈવાર તૃષાથી કદાચ પાણી પીવાની જરાક વૃત્તિ ઊઠી જાય
ને પાણી માંગે... કે... ‘પાણી!’
ત્યાં બીજા મુનિઓ તેને વાત્સલ્યથી સંબોધે છે કે અરે મુનિ! આ શું!! અત્યારે
પાણીની વૃત્તિ!! અંતરમાં નિર્વિકલ્પરસના પાણી પીઓ... અંતરમાં ડુબકી મારીને
અતીન્દ્રિય આનંદના સાગરમાંથી આનંદના અમૃત પીઓ... ને આ પાણીની વૃત્તિ છોડો...
અત્યારે સમાધિનો અવસર છે... અનંતવાર દરિયા ભરાય એટલા પાણી પીધાં... છતાં
તૃષા ન છીપી... માટે એ પાણીને ભૂલી જાઓ... ને અંતરમાં ચૈતન્યના નિર્વિકલ્પ
અમૃતનું પાન કરો.........
“निर्विकल्पसमुत्पन्नं ज्ञानमेव सुधारसम्।
विवेकं अंजुलिं कृत्वा तत् पिबंति तपस्विनः।।”
તપસ્વી–મુનિવરો વિવેકરૂપી અંજલિવડે, નિર્વિકલ્પદશામાં ઉત્પન્ન થતા જ્ઞાનરૂપી
સુધારસનું પાન કરે છે. હે મુનિશ્રેષ્ઠ! તમે પણ નિર્વિકલ્પ આનંદરસનું પાન કરીને અનંત
કાળની તૃષાને છીપાવી દ્યો........
આમ જ્યારે બીજા મુનિરાજ સંબોધન કરે છે ત્યારે તે મુનિ પણ તરત પાણીની
વૃત્તિ તોડી નાંખે છે... ને નિર્વિકલ્પ થઈને અતીન્દ્રિય આનંદના અમૃતને પીએ છે.......
અહો! ધન્ય તે નિર્વિકલ્પરસનું પાન કરનારા વનવાસી સંતોને!