: પોષ: ૨૪૮૩ આત્મધર્મ : ૭ :
હતું. ર્કાંલેજના પ્રીન્સીપલ–પ્રોફેસર અને એકડીયા ભણતો બાળક એ બધા એક સાથે એક સભામાં બેસીને
ગુરુદેવનું પ્રવચન સાંભળતા.
માગસર સુદ ચોથ સવારે વિહાર કરીને પૂ. ગુરુદેવ મીયાંગામ પધાર્યા... ભક્તોએ ઉમંગથી સ્વાગત કર્યું.
ત્યારબાદ શ્રી જિનેન્દ્ર દેવના દર્શન કર્યા. બપોરે શણગારેલા મંડપમાં ગુરુદેવનું પ્રવચન થયું.
પાલેજમાં પ્રતિષ્ઠા મહોત્સવ
મીયાંગામથી વિહાર કરીને માગસર સુદ પાંચમે પૂ. ગુરુદેવ પાલેજપુરીમાં પધાર્યા. ભક્તમંડળે
ઉલ્લાસપૂર્વક ગુરુદેવનું સ્વાગત કર્યું. અહીં નવું જિનમંદિર બંધાયેલ છે તેમાં વેદી પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો.
પાલેજનું રળિયામણું જિનમંદિર તથા અનંતનાથ–સીમંધરનાથ વગેરે ભગવંતોની મુદ્રા નીહાળતાં નીહાળતાં
ગુરુદેવના હૃદયમાં આનંદની ઊર્મિઓ જાગતી હતી. પૂ. ગુરુદેવ અહીં જે દુકાનમાં બેસતા હતા તે દુકાન તથા
જ્યાં અફીણના કેઈસનો પ્રસંગ બનેલો તે સ્થળ વગેરે ભક્તોએ જોયું. જયાં પૂં ગુરુદેવ એકાંતમાં વિચાર–મંથન
કરતા તે ઓરડી પણ જોઈ. માગસર સુદ સાતમે પાલેજની હાટડીમાં ભક્તજનોએ ઉમંગથી ભક્તિ કરી...
ચોપડામાં ગુરુદેવના હસ્તાક્ષર કરાવ્યા. ગુરુદેવે હસતાં હસતાં “કાર કરીને કહ્યું કે “આ ભગવાનની વાણી છે.”
માગસર સુદ ૮થી વેદીપ્રતિષ્ઠાની વિધિનો પ્રારંભ થયો. પ્રતિષ્ઠામંડપમાં જિનેન્દ્રદેવનું સ્થાપન અને
ઝંડારોપણ થયું અને પછી અઢી દ્વીપ (વીસ વિહરમાન જિનેન્દ્રદેવ) નું પૂજન વિધાન શરૂ થયું. બપોરે પૂ.
ગુરુદેવનું પ્રવચન થયું હતું. રાત્રે જિનેન્દ્ર–ભજન થયું હતું. બીજે દિવસે પણ સીમંધરાદિ વીસ વિહરમાન
ભગવાનનું પૂજન ચાલ્યું. દસમના રોજ નાંદીવિધાન, ઈંદ્રપ્રતિષ્ઠા, યાગમંડલ વિધાન, જલયાત્રા, તથા વેદિશુદ્ધિ
વગેરે વિધિ થઈ હતી. પૂ. બેનશ્રી–બેનજીના પવિત્ર હસ્તે વેદીશુદ્ધિની કેટલીક મહત્ત્વની ક્રિયાઓ જોઈને ભક્તોને
આનંદ થતો હતો. પૂ. ગુરુદેવના પ્રવચનમાં દોઢ હજાર જેટલા માણસો આવ્યા હતા...ને ગુરુદેવે સમ્યગ્દર્શનનો
ઘણો સરસ મહિમા સમજાવ્યો હતો.
માગસર સુદ ૧૧–તે પાલેજમાં અનંતનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો મંગલદિન છે. “તમારાં શા કરીએ
સન્માન...પધારો અનંતનાથ ભગવાન.” ઈત્યાદિ ભક્તિપૂર્વક જિનેંદ્ર ભગવંતોને જિનમંદિરમાં પધરાવ્યા...
ચાલીશ હજારનું નૂતન જિનાલય
સવાનવ વાગતાં પૂ. ગુરુદેવ પધાર્યાં... જિનેન્દ્ર–ભગવંતોની પાસે તેમના નંદન પધાર્યા... માંગળિક
સંભળાવીને ગુરુદેવે ભગવાનની બેઠક ઉપર મંગલ સ્વસ્તિક કર્યો અને પછી ભક્તોના મહાન જયજયકાર વચ્ચે
હૃદયના શુદ્ધભાવે ને પાવન હસ્તે પ્રભુજીને વેદી ઉપર બિરાજમાન કર્યા... હૃદયમાં સ્થાપેલા નાથને જિનમંદિરમાં
પણ સ્થાપ્યાં. પછી સૌ સંતોએ હીરામાણેક–રત્નોથી ભગવાનને વધાવ્યાં. અહીંનું જિનમંદિર લગભગ ૪૦, ૦૦૦
રૂા. ના ખર્ચે તૈયાર થયું છે; તેમાં નીચે મૂળનાયક શ્રી અનંતનાથ ભગવાન તથા શાંતિનાથ ભગવાન અને
સીમંધર ભગવાન બિરાજે છે, ને ઉપરના ભાગમાં પાર્શ્વનાથ ભગવાન, અભિનંદન ભગવાન અને અમરનાથ
ભગવાન બિરાજે છે. આ ઉપરાંત બાજુના જ્ઞાનમંદિરમાં શ્રી સમયસારજી–જિનવાણી–માતાની સ્થાપના કરવામાં
આવી છે. પ્રતિષ્ઠા બાદ પૂ. ગુરુદેવે ઘણા ભાવથી માંગળિક સંભળાવ્યું હતું. શાંતિયજ્ઞ અને પ્રવચન બાદ ભવ્ય
રથયાત્રા નીકળી... રથયાત્રા માટે ખાસ હાથી આવેલ હતો... ગજરાજ ઉપર જિનરાજ અતિશય શોભતા હતા...
પાલેજમાં આ રથયાત્રા અદ્ભુત હતી... ને રાત્રે ભક્તિ થઈ હતી. પાલેજમાં પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે ત્યાંના
ભક્તજનો–શેઠ કુંવરજીભાઈ, આણંદજીભાઈ વગેરેએ ઘણો ઉત્સાહ બતાવ્યો હતો.
માગસર સુદ ૧૨–સવારમાં પૂ. ગુરુદેવ જિનમંદિરે દર્શન કરવા પધાર્યાં અને અનંતનાથ ભગવાનની
સ્તુતિ કરી. અભિનંદનસ્વામીને અભિનંદ્યા... ને જયજયકારપૂર્વક પાલેજથી વિહાર કરીને ભરૂચ પધાર્યાં. રાત્રે
ચર્ચામાં સમ્યગ્દર્શન અને જાતિસ્મરણ જ્ઞાન વગેરે બાબત સુંદર તત્ત્વચર્ચા ચાલી હતી.
પૂ. ગુરુદેવ જૈન ધર્મની પ્રભાવના કરતા કરતા વિચરી રહ્યા છે. પૂ. ગુરુદેવ જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં
આત્મા અને પરમાત્માની ચર્ચાના નાદ ગૂંજી ઊઠે છે; ગુરુદેવના આગમનની આગાહી: થતાં જ આખી નગરીનું
વાતાવરણ અધ્યાત્મમય બની જાય છે, એ તેઓશ્રીનો અજોડ પ્રભાવ છે. સેંકડો ને હજારો લોકો જિજ્ઞાસાપૂર્વક
ગુરુદેવનો પાવન સંદેશ સાંભળે છે.