Atmadharma magazine - Ank 160
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
: ૨૨ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
ભગવાનના સમવસરણનો અચિંત્ય વૈભવ હોય છે; ઉપર ત્રણ છત્ર ફરતા હોય છે, મોતીના બનેલા ઉત્કૃષ્ટ છત્ર
હોય છે, તેમજ ભામંડળ વગેરે હોય છે. આ રીતે દિવ્યવાણી અને છત્રાદિ વૈભવસહિત જેઓ જયવંત વર્તે છે
એવા અરહંતદેવને નમસ્કાર હો.
અરહંત કેવા છે? શિવ છે, ધાતા છે, સુગત છે, વિષ્ણુ છે, જિન છે અને સકલ આત્મા છે,–કઈ રીતે? તે કહે છે––
શિવ એટલે આત્માનું કલ્યાણ, તેને પોતે પામેલા છે અને દિવ્યવાણીના ઉપદેશવડે ભવ્ય જીવોને
શિવમાર્ગ–મોક્ષમાર્ગના પ્રણેતા હોવાથી શ્રી અરહંત ભગવાન જ શિવ છે, કલ્યાણરૂપ છે; એનાથી વિરુદ્ધ બીજા
કોઈ ખરેખર શિવ નથી.
ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં ધારી રાખનાર હોવાથી તેઓજ ધાતા છે. યથાર્થ ઉપદેશ વડે ભવ્ય જીવોને
સન્માર્ગમાં ધારી રાખે છે તેથી તેઓ જ વિધાતા છે. જેમ વિધાતા લેખ લખે છે એમ લૌકિકમાં કહેવાય છે, તેમ
ભગવાનના કેવળજ્ઞાનમાં બધા જીવોના ત્રણે કાળના લેખ લખાઈ ગયા છે–તેથી તે જ ખરા વિધાતા છે.
શોભાયમાન એવા દિવ્ય જ્ઞાનને પામેલા હોવાથી અરહંત ભગવાનને સુગત કહે છે. ગત એટલે જ્ઞાન;
કેવળજ્ઞાન–વડે જ આત્માની શોભા છે, તેથી જેઓ એવા કેવળજ્ઞાનને પામ્યા છે તેઓ જ સુગત છે. અથવા
સુગત એટલે સમ્યગ્ગતિ; પુનરાવર્તન રહિત એવી જે મોક્ષગતિ તેને પામેલા હોવાથી ભગવાન જ સુગત છે.
સંસારની ચારે ગતિ તો કુગતિ છે, ને સિદ્ધગતિ તે જ ખરી સુગતિ છે, એવી સુગતિને પામેલા હોવાથી અરહંત
ભગવાન જ સુગત છે. અથવા ‘સુગત’નો ત્રીજો અર્થ આ પ્રમાણે પણ છે : ‘સુ’ એટલે સમ્પૂર્ણરૂપ એવા
અનંતચતુષ્ટય તેને ‘ગત’ એટલે પામેલા એવા સર્વજ્ઞ દેવ તે સુગત છે.
સર્વજ્ઞદેવ કેવળજ્ઞાનવડે સમસ્ત વસ્તુમાં વ્યાપક હોવાથી–જ્ઞાયક હોવાથી–વિષ્ણુ છે.
અનેક ભવભ્રમણના કારણરૂપ એવા જે મોહાદિ કર્મો (ભાવ તેમજ દ્રવ્ય) તેના વિજેતા હોવાથી
અરહંતદેવ ‘જિન’ છે. ચૈતન્યસ્વભાવની અધિકતાવડે મોહાદિને જેણે જીતી લીધા છે–નષ્ટ કર્યા છે તે જિન છે.
અને સકલ એટલે શરીર સહિત છે.
આવા અરહંત પરમાત્માને નમસ્કાર હો.
તેઓ દિવ્ય ભારતીવડે હિતના ઉપદેષ્ટા છે. ભગવાનની ભારતી કેવી છે?–સર્વે જીવોને હિતરૂપ છે, વર્ણ
સહિત નથી એટલે કે નિરક્ષરી છે, જેમાં બે હોઠ ચાલતા નથી. વાંછારૂપી કલંક નથી, કોઈ દોષરૂપ મલિનતા નથી,
શ્વાસના રૂંધન રહિત હોવાથી જેમાં ક્રમ નથી, શાંતમૂર્તિ ઋષિવરોની સાથે સાથે પશુગણોએ પણ પોતપોતાની
ભાષામાં જેનું શ્રવણ કર્યું છે, એવી સર્વજ્ઞદેવની અપૂર્વવાણી અમારી રક્ષા કરો ને વિપદા હરો.
સર્વજ્ઞ ભગવાન શરીર સહિત હોવા છતાં આહારાદિ દોષથી રહિત છે. આત્માના અનંત આનંદનો
ભોગવટો પ્રગટી ગયો છે ત્યાં ક્ષુધાદિ દોષ હોતા નથી ને આહારાદિ પણ હોતા નથી. ભગવાનને રાગ–દ્વેષાદિ
દોષો પણ નથી. આ સિવાય અન્ય કુદેવ તો રાગાદિ સહિત છે, ક્ષુધાદિ દોષ સહિત છે, એટલે તે આત્માનું ઈષ્ટ
નથી. અતીન્દ્રિય આનંદ સહિત એવું સર્વજ્ઞપદ જ આત્માનું પરમ ઈષ્ટ છે તેથી તેનો આદર કરો તેને નમસ્કાર
કરીએ છીએ.
સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ આત્માના હિતનું કારણ છે. સંગથી પાર થઈને આત્માના સ્વભાવ સન્મુખ
થા, તે જ હિતનો ઉપાય છે,–એમ ભગવાનનો ઉપદેશ છે. અરહંત ભગવાન જ સર્વજ્ઞ–હિતોપદેશી છે, તે જ
ઈષ્ટદેવ છે. આ સિવાય બુદ્ધ વગેરે તો વસ્તુસ્વરૂપને નહિ જાણનારા અજ્ઞાની ગૃહીત–મિથ્યાદ્રષ્ટિ છે, તેઓ
હિતોપદેશી નથી. આત્માના હિતનો વાસ્તવિક ઉપાય શું છે તે જેણે પોતે જ જાણ્યો નથી, તે હિતોપદેશી ક્યાંથી
હોય? જગતમાં તો અજ્ઞાની જીવોનો મોટો ભાગ એવા કુદેવાદિને માને છે, પણ તે કોઈ આત્માના હિતોપદેશક
નથી. સર્વજ્ઞ–વીતરાગ–અરહંત પરમાત્મા જ જગતમાં હિતોપદેશક છે. તેઓ કહે છે કે “આત્મા પોતે જ પોતાનો
પ્રભુ છે, હું પ્રભુ મારો, ને તું પ્રભુ તારો: મારી પ્રભુતા મારામાં ને તારી પ્રભુતા તારામાં.–માટે તારા આત્માની
ઓળખાણ કરીને તેની સન્મુખ થા, તેમાં જ તારું હિત છે.”–આમ સર્વજ્ઞદેવ અરહંતપરમાત્મા જ ખરા
હિતોપદેશી છે, તેઓ જ ઈષ્ટ દેવ છે, તેથી તેમને અહીં નમસ્કાર કર્યા છે.
આ રીતે પરમ હિતોપદેશી એવા તીર્થંકર અરહંત પરમાત્માને તથા તેમની દિવ્ય વાણીરૂપી ભારતીને
નમસ્કાર કર્યા. ।। ।।