: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૨૧ :
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય
સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના–ભરપૂર
વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(૨)
[વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ ત્રીજ: સમાધિશતક ગા. ૨]
આત્માની પૂર્ણ શુદ્ધ જ્ઞાન–આનંદમય દશા તે સિદ્ધપદ છે. અને જ્ઞાન–આનંદસ્વરૂપ આત્માને શ્રદ્ધા–
જ્ઞાનમાં લઈને તેના સંવેદનમાં એકાગ્રતાનો ઉદ્યમ કરવો તે મોક્ષનું અનુષ્ઠાન છે. પૂર્ણ શુદ્ધ પદને પામેલા સિદ્ધ
અને અરહંત પરમાત્મા તે દેવ છે; અને તેને સાધનારા આચાર્ય–ઉપાધ્યાય–મુનિ તે ગુરુ છે, તથા અરહંત
પરમાત્મા વગેરેની વાણી તે શાસ્ત્ર છે.
પહેલા શ્લોકમાં મંગલરૂપે શ્રી સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા; હવે બીજા શ્લોકમાં સકલ પરમાત્મારૂપ
શ્રી અરહંત ભગવાનને તથા તેમની વાણીને નમસ્કાર કરે છે:–
जयन्ति यस्यावदतोडपि भारती
विभूतयस्तीर्थकृतोडप्यनीहितुः।
शिवाय धात्रे सुगताय विष्णवे
जिनाय तस्मै सकलात्मने नमः।। २।।
સકલ પરમાત્મા શ્રી અરહંતદેવને નમસ્કાર હો. કેવા છે તે પરમાત્મા?–કે જેઓ તાલુ–હોઠ વગેરેથી
બોલતા ન હોવા છતાં જેમની વાણી જયવંત વર્તે છે. ભગવાનની વાણી સર્વાંગેથી ઈચ્છા વગર છૂટે છે. તે
વાણીમાં શ્રેષ્ઠ છે, એવી ભારતી જયવંત વર્તે છે અને તે જીવોને તીર્થ એટલે મોક્ષમાર્ગ બતાવનારી હોવાથી તેને
તીર્થ પણ કહે છે. ભગવાનને ઈચ્છા ન હોવા છતાં તેઓ સમવસરણાદિ વૈભવ સહિત છે અને તીર્થના કર્તા છે.
અરિહંત ભગવાન શરીર સહિત હોય છે તેથી તે સકલ પરમાત્મા છે, ને શરીરરહિત સિદ્ધ પરમાત્મા તે નિકલ
પરમાત્મા છે.
અરહંત ભગવાનનું શરીર મહાસુંદર પરમ ઔદારિક હોય છે,–તેમાં જોનારને પોતાના આગલા–પાછલા
સાત ભવ દેખાય છે. (ભવિષ્યના ભવ જેને હોય તેને દેખાય.)