Atmadharma magazine - Ank 162
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૧૦ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૮૩
પ્રમાણે સમજવું. સ્વભાવથી પોતાના સ્વધર્મમાં ત્રિકાળ વ્યાપેલો હોવા છતાં તેનું ભાન કરે ત્યારે પર્યાયમાં તેનું
નિર્મળ પરિણમન થાય અને પર્યાયમાં ધર્મ પ્રગટે. આ રીતે નિર્મળ પર્યાયને સાથે ભેળવીને આ શક્તિઓનું
વર્ણન છે–તે વાત ઘણી વાર સ્પષ્ટ કરવામાં આવી છે. નિર્મળ પર્યાયને સાથે ભેળવ્યા વગર શક્તિની પ્રતીત કરી
કોણે? પ્રતીત કરવાનું કાર્ય તો નિર્મળ પર્યાયમાં જ થાય છે; એટલે નિર્મળ પર્યાય ભેગી ભેળવીને પ્રતીત કરે તેને
જ આત્માની સાચી પ્રતીત થાય છે. પર્યાયમાં જરા પણ નિર્મળતા થયા વગર એકલી શુદ્ધ શક્તિની પ્રતીત કરવા
જાય તો તેને સાચી પ્રતીત થતી નથી, પણ એકાંત થઈ જાય છે.
આત્મા પોતાના સ્વધર્મમાં જ વ્યાપક છે, તેને કોઈ પરની સાથે સંબંધ નથી. અજ્ઞાનીઓ એમ કહે છે કે
ભેંસ મરી ગઈ હોય ને તેના ચામડાની ગોફણ બનાવીને કોઈક હિંસા કરે તો તેનું પાપ ભેંસના જીવને પણ
લાગે. –જુઓ, આ મૂઢ જીવોની વાત! તેણે તો આત્માને શરીરના ધર્મરૂપ થઈ ગયેલો જ માન્યો છે. જ્યારે
ભેંસનો આત્મા તે શરીરમાં હતો ત્યારે પણ તે શરીરની ક્રિયાના કારણે તેને પાપ નહોતું લાગતું. શરીરના ચામડા
આત્માએ ક્યારે કર્યાં છે કે તેનું પાપ આત્માને લાગે? શરીર આત્માને કારણે થયું નથી, પણ પરમાણુની રચના
છે, આત્માનો ધર્મ કે પાપ–પુણ્ય તે શરીરમાં નથી રહેતા. શરીરરહિત આત્મા ત્રિકાળ પોતાના સ્વરૂપમાં છે તેને
જાણ્યા વગર શરીરાદિને ખરેખર ‘વોસરાવી’ શકાય નહિ. “કાયાથી કરેલા પાપને હું વોસરાવું છું” –એ તો
ચૈતન્યસ્વભાવના ભાનપૂર્વક કાયા તરફનું લક્ષ છૂટી જાય તેની વાત છે. તેને બદલે અજ્ઞાની તો શરીરથી જ પાપ
થવાનું માને છે ને શરીરને હું વોસરાવું (છોડું) એમ માને છે, એટલે તે ખરેખર શરીરને વોસરાવતો નથી પણ
ઉલટો શરીર સાથે એકતાબુદ્ધિ કરીને મિથ્યાત્વને સેવે છે, ને આત્માના સમ્યગ્દર્શનાદિ ધર્મને વોસરાવે છે. ભાઈ,
પહેલાંં કાયા સાથેની એકત્વબુદ્ધિ તો છોડ, ને કાયાથી ભિન્ન આત્માને તો જાણ, –પછી તને ખબર પડશે કે
કાયાને વોસરાવવી એટલે શું? કાયા તે જ હું–એમ કાયાને જે પોતાની માને તે કાયાને વોસરાવશે ક્યાંથી? કાયા
તે હું નથી, હું તો મારા જ્ઞાનાદિ અનંતધર્મોમાં જ રહેલો છું, કાયાપણે હું કદી થયો જ નથી, કાર્મણકાયમાં પણ હું
કદી રહ્યો નથી, હું તો મારી ચૈતન્યકાયામાં જ સદાય રહ્યો છું–આ પ્રમાણે દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વનું જે જ્ઞાન કરે
તેણે શ્રદ્ધા–જ્ઞાન અપેક્ષાએ કાયાને વોસરાવી દીધી; માટે હે જીવ! શરીરથી અત્યંત ભિન્ન અને પોતાના અનંત
ધર્મોથી સદાય અભિન્ન એવા તારા સ્વભાવને એવો નક્કી કર કે જેથી શરીરનો સંબંધ છૂટીને અશરીરી સિદ્ધદશા
થયે છૂટકો થાય.
શરીર તે આત્માનું વાસ્તુ કે રહેઠાણ નથી, જ્ઞાનાદિ અનંતધર્મો તે જ આત્માનું વાસ્તુ છે, તેમાં જ
આત્માનું રહેઠાણ છે. અજ્ઞાની આવા અનંતધર્મોનું વાસ્તુ છોડીને જડ શરીરમાં પોતાનું રહેઠાણ માને છે, છતાં તે
પણ કાંઈ જડમાં તો રહ્યો નથી, તે પોતાના અજ્ઞાનભાવમાં રહ્યો છે. એક ઠેકાણે પાવૈયા લોકોમાં એવો રિવાજ કે
જ્યારે નવા મકાનનું વાસ્તુ લ્યે ત્યારે બધા ભેગા થઈને કૂટતા કૂટતા તે મકાનમાં જાય. –જુઓ, આ નપુંસકનું
વાસ્તુ!! તેમ અનંતધર્મસ્વરૂપ ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને તેમાં વાસ કરવાના પુરુષાતનથી જે રહિત છે
એવા મૂઢ–અજ્ઞાની જીવો ચૈતન્યનું વાસ્તુ છોડીને, જડમાં ને વિકારમાં પોતાનો વાસ માની રહ્યા છે. તેને સમજાવે
છે કે અરે જીવ! તે તારો વાસ નથી, વિકારમાં વસવાનો તારો સ્વભાવ નથી, તારો સ્વભાવ તો તારા શ્રદ્ધા–
જ્ઞાન–આનંદ વગેરે અનંતધર્મોમાં વસવાનો છે; માટે તારા સ્વભાવને ઓળખીને તેમાં વાસ કર, –તેની શ્રદ્ધા–
જ્ઞાન–એકાગ્રતા કર; ને વિકારની વાસના છોડ. પોતાના અનંતધર્મોમાં પોતાનું વાસ્તુ છે તેને ન માનતાં, જડ
શરીર વગેરેમાં પોતાનો વાસ જે માને છે તે સ્થૂળ અજ્ઞાની છે તેને જૈનધર્મની ગંધ પણ નથી, તે તો અજૈનધર્મી
છે, એટલે કે મિથ્યાદ્રષ્ટિ છે. સસલા જેવો પોચો કે મગર જેવો કઠણ, રીંછ જેવો કાળો કે હંસ જેવો ધોળો આત્મા
કદી થયો જ નથી, આત્મા તો પોતાના અનંત ધર્મોમાં જ રહ્યો છે. ‘અનંતધર્મોમાં આત્મા રહ્યો છે’ એમ કહેતાં
અનંત–ધર્મો અને તેમાં રહેનારો આત્મા–એમ જુદી જુદી બે ચીજ ન સમજવી, પરંતુ આત્મા પોતે જ
અનંતધર્મસ્વરૂપ છે; અનંતધર્મોથી ભિન્ન બીજું કાંઈ આત્મતત્ત્વ નથી. આવા અનંતધર્મસ્વરૂપ એકાકાર પોતાના
આત્માને ઓળખવો તે અનેકાન્ત છે ને તે અનેકાન્તનું ફળ પરમ અમૃત છે એટલે કે આત્માને ઓળખીને તેનો
અનુભવ કરતાં પરમ આનંદરૂપ અમૃતનો સ્વાદ અનુભવમાં આવે છે.
–પચીસમી સ્વધર્મવ્યાપકત્વ શક્તિનું વર્ણન અહીં પૂરું થયું.