Atmadharma magazine - Ank 162
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૨ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૮૩
કરતા, ને અનેક ઋદ્ધિઓ તેમને પ્રગટી હતી, મહાન્ બુદ્ધિના દરિયા હતા ને આત્માની શાંતિના અનુભવમાં લીન
હતા. આવા દિગંબર સંત કહે છે કે: અહો! જે જીવો આત્માના અતીન્દ્રિય સુખને ઝંખી રહ્યા છે તેમને માટે હું
કર્મથી ભિન્ન શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવીશ, કે જે આત્માને જાણતાં જરૂર અતીન્દ્રિય આનંદ થાય. આત્મા પોતે
અતીન્દ્રિય આનંદનો સાગર છે; જગતના અનંતકાળના ભવભ્રમણના દુઃખથી થાકીને જેને કેવળ આત્માના
સુખની જ સ્પૃહા જાગી છે–એવા ભવ્ય આત્માને માટે અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ બતાવીશ.
મારે મારા આત્માનો અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત કરવો છે, અને તે મને જરૂર પ્રાપ્ત થશે–એમ આત્માના
સુખને જે લેવા માંગે છે તેને આ વાત સમજાવે છે. ‘હું અભવ્ય હોઈશ, મને આત્માનો આનંદ નહિ મળે’ એવો
સંદેહ જેને ટળી ગયો છે, ને આનંદનો ઉપાય બતાવનાર દેવ–ગુરુ–શાસ્ત્રની આસ્થા થઈ છે, તેથી આત્માના
સુખનો અભિલાષી થઈને તેનો ઉપાય જાણવા આવ્યો છે, એવા આત્માને અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ કહીને
સુખનો ઉપાય બતાવે છે. દુઃખ તો ક્ષણિક પર્યાયમાં છે, તેનો નાશ થઈને સુખ પ્રગટ થશે;–ક્યાંથી? કે આત્માના
સ્વભાવમાં અતીન્દ્રિય સુખ છે તેમાંથી તે પ્રગટશે. સુખ વર્તમાનમાં નથી ને ત્રિકાળમાં છે–એમ અનેકાન્ત
જાણીને, જ્યાં ત્રિકાળ સ્વભાવની સન્મુખ થયો ત્યાં પર્યાયમાં પણ સુખ થયું ને દુઃખ ટળ્‌યું. પરથી ભિન્ન આત્માનું
સ્વરૂપ જાણીને તેની સન્મુખ થવું તે જ હિતનો ઉપાય છે, માટે હિતના કામી જીવને ભિન્ન આત્માનું સ્વરૂપ
આચાર્યદેવ બતાવે છે.
અહો શ્રોતા કેવા છે? કે જેને માત્ર આત્માના સુખની જ સ્પૃહા છે, જગતના બાહ્ય વિષયોની અભિલાષા
નથી; ‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ’ –આવા પાત્ર શ્રોતાને સુખનો ઉપાય બતાવે છે– ‘જગત ઈષ્ટ
નહિ આત્મથી’ –એમ આત્માના અતીન્દ્રિય સુખ સિવાય જગતમાં બીજું કાંઈ જેને વહાલું નથી, કેવળ આત્માના
આનંદની જ જેને ભાવના છે, એવા ભવ્ય જીવોને માટે ભિન્ન આત્માનું સ્વરૂપ હું બતાવીશ–એમ શ્રી
પૂજ્યપાદસ્વામી કહે છે.
બાર અંગ–ચૌદ પૂર્વનો સાર એ છે કે કર્મથી ભિન્ન–સંયોગથી ભિન્ન, જ્ઞાનઆનંદસ્વરૂપ છે–તેનું લક્ષ કરવું
ને તેમાં ઠરવું. જેણે આવા આત્માનું લક્ષ કર્યું તેનો જન્મ સફળ છે. આવા લક્ષ વગર ભલે દ્રવ્યલિંગી સાધુ થાય
તો પણ તેનો જન્મ સફળ નથી. સુખ અને શાંતિ તો અંદરથી આવે છે કે બહારથી? અંતરના સ્વભાવમાં શાંતિ
છે તેમાંથી જ શાંતિ આવે છે, માટે તેનું લક્ષ કરવું તે જ સર્વ શાસ્ત્રનો સાર છે. અને જેણે એવું લક્ષ કર્યું તેનો
અવતાર સફળ છે.
સમયસારની પાંચમી ગાથામાં પણ આચાર્યદેવ કુંદકુંદ ભગવાને કહ્યું કે હું એકત્વ–વિભક્ત શુદ્ધ આત્માનું
સ્વરૂપ મારા નિજ વૈભવથી બતાવીશ. મને મારા ગુરુઓએ અનુગ્રહપૂર્વક જે શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો છે
તેનાથી, અને મારા આત્માના પ્રચુર સ્વસંવેદન વગેરેથી જે આત્મવૈભવ પ્રગટ્યો છે તે સર્વ વૈભવથી હું શુદ્ધ
આત્માનું સ્વરૂપ કહીશ. અહીં પણ પૂજ્યપાદસ્વામી કહે છે કે હું કર્માદિથી ભિન્ન શુદ્ધ આત્માનું સ્વરૂપ કહીશ.
અશુદ્ધતાને તો જગત અનુભવી જ રહ્યું છે, પણ શુદ્ધ આત્માને કદી જાણ્યો નથી, તેથી જે સુખનો અભિલાષી છે
તેણે તો શુદ્ધ આત્માનું સ્વરૂપ જ જાણવાયોગ્ય છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ જ આરાધ્ય છે. આ સમાધિશતકમાં જ
આગળ ૫૩ મી ગાથામાં કહેશે કે–જેને મોક્ષની અભિલાષા છે એવા જીવોએ તો જ્ઞાન–આનંદ–સ્વરૂપ આત્માની
જ કથા કરવી, બીજા અનુભવી પુરુષોને પણ તે જ પૂછવું, તે આત્મસ્વરૂપની જ ઈચ્છા અર્થાત્ પ્રાપ્તિની ભાવના
કરવી ને તેમાં જ તત્પર થવું, કે જેથી અવિદ્યામય એવી અજ્ઞાનદશા છૂટીને જ્ઞાનમય નિજપદની પ્રાપ્તિ થાય.
આત્માર્થીને પોતાના આત્મસ્વરૂપની વાત સિવાય બીજી વાતમાં રસ ન હોય... તેને તો સર્વ પ્રકારે એક
આત્મસ્વરૂપની જ પ્રાપ્તિનો ઉદ્યમ કર્તવ્ય છે.
વળી “યોગસાર” માં પણ કહે છે કે–વિદ્વાન્ પુરુષોએ આ એક ચૈતન્યસ્વરૂપ આત્મા જ નિશ્ચલ મનથી
પઢવા યોગ્ય છે, તે જ ધ્યાન કરવા યોગ્ય છે, તે જ આરાધવા યોગ્ય છે, તે જ પૂછવા યોગ્ય છે, તે જ શ્રવણ
કરવા યોગ્ય છે, તે જ અભ્યાસવા યોગ્ય છે, તે જ ઉપાર્જન કરવા યોગ્ય છે, તે જ જાણવા યોગ્ય છે, તે જ કહેવા
યોગ્ય છે, તે જ પ્રાર્થના કરવા યોગ્ય છે, તે જ શિક્ષા યોગ્ય (વિનેય) છે, અને તે જ સ્પર્શવા યોગ્ય છે, –કે જેથી
આત્મા સદા સ્થિર રહે.