ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૧૯ :
વેદન
પ્રશ્ન:– જ્ઞાનીને શેનું વેદન હોય છે?
ઉત્તર:– સાધકદશામાં જ્ઞાનીને આત્માના જ્ઞાન–આનંદનું વેદન હોય છે; હર્ષ–શોકનું અલ્પવેદન છે પણ
તેમાં એકતા–બુદ્ધિપૂર્વક તેનું વેદન નથી, તેથી તે વેદનની મુખ્યતા નથી.
પ્રશ્ન:– સર્વજ્ઞ પરમાત્માને શેનું વેદન છે?
ઉત્તર:– સર્વજ્ઞ પરમાત્માને પોતાના પરિપૂર્ણ જ્ઞાન આનંદનું જ વેદન છે, હર્ષ–શોકનું વેદન તેમને જરા
પણ નથી.
પ્રશ્ન:– અજ્ઞાનીને શેનું વેદન હોય છે?
ઉત્તર:– અજ્ઞાની જીવ હર્ષશોકથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદ–સ્વરૂપને જાણતો નથી, તેથી તે હર્ષ–શોકમાં જ
એકાકાર થઈને તેને જ વેદે છે; જ્ઞાન–આનંદનું વેદન તેને જરા પણ નથી. બાહ્ય સંયોગોને તો કોઈ પણ જીવ
વેદતો નથી.
પ્રશ્ન:– જ્ઞાનીને જ્ઞાન–આનંદનું વેદન, તેમજ હર્ષ–શોકનું પણ વેદન, એમ બંને વેદન હોવા છતાં ‘તેને
એકલા જ્ઞાન–આનંદનું જ વેદન છે ને હર્ષશોકનું વેદન નથી’ એમ કેમ કહ્યું?
ઉત્તર:– જેની સાથે અભેદતા છે તેનું જ વેદન છે, ને જેનાથી ભિન્નતા છે તેનું વેદન નથી–એ અપેક્ષાએ
જ્ઞાનીને જ્ઞાન આનંદનું વેદન જ છે, ને હર્ષશોકનું વેદન નથી એમ કહ્યું છે. જે જ્ઞાન–આનંદરૂપ નિર્મળ ભાવ
પ્રગટ્યો છે તેની સાથે આત્માની અભેદતા હોવાથી જ્ઞાની તેનો જ વેદક છે; અને જે હર્ષ–શોક થાય છે તેને
પોતાના સ્વભાવથી ભિન્નપણે જાણતો હોવાથી જ્ઞાની તેનો વેદક નથી. જેના ઉપર દ્રષ્ટિ પડી છે તેનું જ વેદન છે.
પ્રશ્ન:– આનંદનું વેદન કેમ થાય?
ઉત્તર:– મારો આત્મા જ્ઞાન–આનંદસ્વરૂપ છે, હર્ષ–શોકાદિ ભાવો મારા સ્વભાવથી જુદા છે, એવું ભેદજ્ઞાન
કરીને, અંતરના જ્ઞાન–આનંદસ્વરૂપ તરફ વળતાં આત્માના આનંદનું વેદન થાય છે. ભેદજ્ઞાન પછી સાધક
દશામાં જો કે અલ્પ હર્ષ–શોક થાય છે, છતાં શ્રદ્ધામાં તો વેદનનો એક જ પ્રકાર છે.
પ્રશ્ન:– “શ્રદ્ધામાં વેદનનો એક જ પ્રકાર છે” એટલે શું?
ઉત્તર:– ધર્મી જીવની દ્રષ્ટિ પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપ ઉપર છે ત્યાં તે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને એકને જ
વેદે છે, હર્ષાદિના વેદનને ધર્મીની દ્રષ્ટિ પોતામાં સ્વીકારતી નથી; માટે શ્રદ્ધા અપેક્ષાએ તો ધર્મીને એકલા આનંદનું
જ વેદન છે.
પ્રશ્ન:– ‘ચારિત્ર અપેક્ષાએ વેદનના બે પ્રકાર’ –કઈ રીતે?
ઉત્તર:– ધર્મી જીવને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવના ભાનપૂર્વક જેટલે અંશે તેમાં લીનતા થઈ છે તેટલે
અંશે તો આનંદનું વેદન છે, અને જેટલા હર્ષ–શોકરૂપ અસ્થિરતાના ભાવ છે તેટલું આકુળતાનું વેદન છે, એ રીતે
સાધક દશામાં વેદનના બંને પ્રકાર એક સાથે વર્તે છે.
પ્રશ્ન:– અજ્ઞાનીના વેદનમાં ક્યો પ્રકાર છે?
ઉત્તર:– અજ્ઞાની “હર્ષ–શોક વગેરે ભાવો તે જ હું” એવી એકત્વબુદ્ધિને લીધે એકાંત હર્ષ–શોકાદિ ભાવોને
જ વેદે છે. એટલે તેના વેદનમાં દુઃખનું જ એકલું વેદન છે.
પ્રશ્ન:– સર્વજ્ઞના વેદનમાં ક્યો પ્રકાર છે?
ઉત્તર:– સર્વજ્ઞના વેદનમાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદનો એક જ પ્રકાર છે, હર્ષ શોકાદિનું વેદન તેમને જરાપણ
નથી. –આ રીતે વેદન બાબતમાં ચાર બોલ થયા.
પ્રશ્ન:– વેદન બાબતમાં ચાર બોલ કઈ રીતે થયા?
ઉત્તર:– (૧) સર્વજ્ઞને એકલું આનંદનું જ વેદન છે.
(૨) અજ્ઞાનીને એકલું દુઃખનું જ વેદન છે.
(૩) સાધક જ્ઞાનીને અંશે આનંદનું વેદન, તેમજ અંશે દુઃખનું પણ વેદન–એમ બંને વેદન છે.
(૪) સાધકને બંને વેદન હોવા છતાં દ્રષ્ટિ અપેક્ષાએ એકલું આનંદનું જ વેદન છે. હર્ષ–શોકાદિને પોતાના
સ્વભાવમાં એકપણે તે વેદતો જ નથી.
–આ રાતે વેદનના ચાર બોલ છે. તેમાંથી આ સમયસારની ૭૮મી ગાથામાં અત્યારે ચોથા બોલની વાત
ચાલે છે.
(–શ્રાવણ–પૂર્ણિમા–વાત્સલ્યદિને સ. ગા. ૭૮ના પ્રવચનમાંથી)