Atmadharma magazine - Ank 162
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૫ :
ચૈતન્યના ચિંતનનો ઉપદેશ
(ભોળાદગામમાં પૂ. ગુરુદેવનું પ્રવચન કારતક વદ ૭ શનિવાર)
(તત્ત્વજ્ઞાન તરંગિણી અ.પ.શ્લો. ૨)
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે; તે જ્ઞાન–આનંદની પૂર્ણતાની પ્રાપ્તિ થયા પછી, ભગવાનની વાણીમાં જે
ઉપદેશ નીકળ્‌યો તેને શાસ્ત્ર કહે છે. તેમાં કહે છે કે: અરે આત્મા! અનંત અનંત કાળથી તું ચાર ગતિમાં રખડી
રહ્યો છે, પણ તું કદી મુક્તિ પામ્યો નથી. હે ભાઈ! સંસારમાં રખડતાં તેં આત્મસ્વરૂપની વાત પણ કદી પ્રેમપૂર્વક
સાંભળી નથી. દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા શું ચીજ છે–એના ભાન વગર તેં બહારમાં આ કરું ને તે કરું–
એવો દેકારો કર્યો છે. તેં ચૈતન્યના ચિંતન સિવાય બાહ્ય પદાર્થોનું ચિંતન પૂર્વે અનંતવાર કર્યું, ને તેથી ચાર
ગતિમાં પરિભ્રમણ કર્યું, માટે હે જીવ! હવે સંતો પાસેથી ચૈતન્યનું શ્રવણ કરીને તેનું તું ચિંતન કર.
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
–આવા વિચાર વગર મહા અધર્મ અને પાપ કરીને જીવ અનંતવાર નરકમાં ગયો; ને અનંતવાર પશુ
થયો. પશુ તો બિચારાં ઘાસ ખાય ને મજૂરી કરીને જીવન વીતાવે; તેને કાંઈ આત્માના હિતનો વિચાર નથી.
એક આંગળીને ઈજા થાય તો પણ કેટલા વિચાર કરે છે! તો આ આખો આત્મા અનાદિ કાળથી ચાર ગતિમાં
દુઃખ પામે છે તેનાથી તેનો કેમ છૂટકારો થાય–તેનો વિચાર કેમ નથી કરતો?
આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે અરૂપી છે, તે આ દેહથી ભિન્ન છે. દેહની પાંચ ઈન્દ્રિયોવડે આત્મા જણાય નહિ.
આંખ વડે કાળો–ધોળો રંગ દેખાય પણ આત્મા તો રંગ વિનાનો છે તે આંખથી ન દેખાય; કાનથી શબ્દો
સંભળાય પણ આત્મા કાંઈ કાનથી ન જણાય; નાકથી સુગંધ–દુર્ગંધ જણાય પણ આત્મા તો ગંધ વગરનો છે તે
કાંઈ નાકથી સૂંઘી શકાય નહિ. જીભથી રસ ચખાય પણ આત્મા રસ વગરનો છે તે જીભથી સ્વાદમાં ન આવે;
તેમજ સ્પર્શથી પણ તે જણાય નહિ; આત્મા તો અરૂપી ચૈતન્યસ્વરૂપ છે, તે જ્ઞાનથી જણાય છે. અરે! આત્મા
કોણ–તેનો તો વિચાર પણ કરે નહિ, મરીને હું ક્યાં જઈશ ન મારું શું થશે! –એનો વિચાર કરે નહિ, ને માંસ
ખાય, દારુ પીએ, શિકાર કરે–એવા મહાપાપના કામ કરે તે જીવ નરકમાં મહાદુઃખ પામે છે. આત્મા તો
જ્ઞાનસ્વરૂપ છે. જેનામાં રૂપ નથી તે આંખથી કેમ દેખાય? જેનામાં શબ્દ નથી તે કાનથી કેમ સંભળાય? જેનામાં
ગંધ નથી તે નાકથી કેમ સૂંઘાય? જેનામાં શબ્દ નથી તે કાનથી કેમ જણાય? જેનામાં સ્પર્શ નથી તે સ્પર્શવડે કેમ
જણાય? જેનામાં રસ નથી તે જીભવડે કેમ જણાય? આત્મા તો પાંચે ઈન્દ્રિયોથી જુદો છે, તે કોઈ ઈન્દ્રિયોવડે
જણાતો નથી, પણ અંતરમાં જ્ઞાન કરે તો તે જણાય છે.
જુઓ, આ ભાલ પ્રદેશમાં વિહાર કરતાં વચ્ચે ખારી જમીન આવી હતી. તે ખારી જમીનમાં જેમ ઝાડ
ઊગતા નથી, તેમ જે જીવો તીવ્ર પાપમાં પડેલાં છે તેઓ નરકમાં જાય છે, તે ક્ષારભૂમિ જેવી છે, ત્યાં મહાદુઃખ
છે. તીવ્ર પાપમાં ડુબેલા જીવને ધર્મનો વિચાર થતો નથી. અરે રે! અનંતકાળમાં આવો મનુષ્ય અવતાર મળ્‌યો,
આ શરીર તો ક્ષણમાં છૂટી જશે... માટે આ મનુષ્ય અવતારમાં મારા આત્માનું હિત થાય–એવો ઉપાય હું કરું, –
એમ વિચાર કરવો જોઈએ. શાંતિ તો જીવના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ છે પરંતુ મહામોહને લીધે જીવે તેનું ચિંતન
કદી કર્યું નથી, ને સ્ત્રી–પુત્રાદિનું જ ચિંતન કર્યું છે; ઠેઠ મરણ સુધી પરની જ ચિંતા કર્યા કરે છે... અનંત ભવમાં
એ જ રીતે પરની ચિંતા કરતો કરતો મર્યો... પણ પોતાના સ્વરૂપનું ચિંતન જીવે કદી ન કર્યું. ‘હું શુદ્ધચિદ્રૂપ છું’ –
એવા સ્વરૂપના સ્મરણપૂર્વક કદી સમાધિમરણ કર્યું નથી. ભાઈ! તારા ચિદાનંદસ્વરૂપ આત્મા વગર તને કોઈ
શરણરૂપ નથી; માટે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને ઓળખ. જીવનમાં આત્માનું ભાન કર્યું હોય તો મરવા ટાણે તેનું
સ્મરણ કરે ને?