: ૪ : આત્મધર્મ ચૈત્ર : ૨૪૮૩
આત્મપ્રાપ્તિની દુર્લભતા
[ગોલાણા ગામમાં પૂ. ગુરુદેવનું પ્રવચન: કારતક વદ ૮]
(તત્ત્વજ્ઞાનતરંગિણી ગાથા: અધ્યાય પ, ગા: ૪)
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો જેને પ્રેમ છે ને તેની પ્રાપ્તિની ભાવના છે એવો જિજ્ઞાસુ જીવ એમ વિચારે
છે કે અરે! કલ્પવૃક્ષ અને ચિંતામણિ તથા કામધેનુ વગેરે મેં અનંતવાર પૂર્વે પ્રાપ્ત કર્યાં; પરંતુ મારું શુદ્ધ
ચૈતન્યરત્ન મેં કદી પ્રાપ્ત કર્યું નથી.
આ મનુષ્ય લોકની વચ્ચે જંબૂદ્વીપ છે, તેની વચ્ચે મેરુ–પર્વત છે; તેની આસપાસ જુગલીયા મનુષ્યો થાય
છે; જેમણે પૂર્વે વિશેષ દાનાદિ કર્યા હોય તે જુગલીયામાં જન્મે છે; તેને ત્યાં કલ્પવૃક્ષ હોય છે તે ઈચ્છિત
વસ્તુઓ–વસ્ત્ર વગેરે આપે છે. આવા કલ્પવૃક્ષ જીવને અનંતવાર મળ્યા પણ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ કદી
કરી નથી.
અનંતવાર ખજાના મળ્યા એક ક્ષણમાં કરોડો રૂપિયા મળે એવા નિધાન મળ્યા, –પણ આ ચૈતન્ય
નિધાનના ભાન વગર જીવ સંસારમાં જ રખડી રહ્યો છે. અરે હું કોણ? એનો જીવને વિચાર પણ આવતો નથી.
ચિંતામણી રત્ન એટલે તેને હાથમાં રાખીને જે ચિંતવો તે મળે, –એવું ચિંતામણિ રત્ન જીવને અનંત વાર મળ્યું,
પણ તે તો જડ મળ્યું; ચૈતન્યરત્ન શું છે તે કદી ન જાણ્યું. આ આત્માને પોતામાં જ શાંતિ છે; બહારમાંથી શાંતિ
આવતી નથી પણ આત્માના સ્વભાવમાં જ શાંતિ છે. જેમ અફીણમાં કડવાશ બહારથી નથી આવતી, પણ
અફીણ પોતે જ કડવું છે, સાકરમાં ગળપણ બહારથી નથી આવતું પણ સાકર પોતે ગળી છે; તેમ આત્મા પોતે
જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. તેવું જ્ઞાન કે આનંદ બહારથી નથી આવતા પણ પોતામાં જ છે. આવા
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને ચિંતવવો તે જ શાંતિનો ઉપાય છે. આવો ચિંતામણિ જેવો અવતાર પામીને જીવ
પોતાના સ્વરૂપનું ચિંતન કરતો નથી ને બહારના વિષયોની ચિંતામાં જ તેને વેડફી નાંખે છે. તેનું દ્રષ્ટાંત: એક
માણસને હાથમાં ચિંતામણી આવી પડ્યો... તેને ભૂખ લાગેલી એટલે એમ ઈચ્છયું કે ખોરાક મળે તો ઠીક! –
તરત ખોરાક મળ્યો... પછી સૂવા માટે પલંગ માંગ્યો, બંગલો માંગ્યો; વસ્ત્ર વગેરે માંગ્યું... ત્યાં કાગડો કોકો
કરતો આવ્યો, તેના ઉપર ખીજાઈને કાગડાને ઊડાડવા માટે ચિંતામણિ ફેંકી દીધો... ને બંગલો વગેરે બધું ફૂં થઈ
ગયું, તેમ આ જીવને સંસાર પરિભ્રમણમાં ચિંતામણિ જેવો આ મનુષ્ય અવતાર મળ્યો... ત્યાં સ્ત્રી–મકાન–
દુકાન–ખેતી–પૈસા વગેરેની ચિંતામાં અજ્ઞાની જીવ આ ચિંતામણિ જેવું જીવન વેડફી નાંખે છે, ને પરની ચિંતામાં
જ તેનો ચિંતામણિ જેવો અવતાર ક્ષણમાં ફૂ થઈ જાય છે. તેને અહીં સમજાવે છે કે અરે જીવ! આ જીવન પામીને
તું તારા આત્માનું ચિંતન કર.
ભાઈ! અનાદિ કાળથી તારા આત્માને આ જન્મ–મરણનો મોટો રોગ લાગુ પડ્યો છે, માટે તે રોગ કેમ
મટે–તેનો સત્સમાગમે ઉપાય કર. જુઓ, છ મહિના ઝીણો ઝીણો તાવ રહ્યા કરે તો ક્ષયરોગની શંકા પડે ને
અમારા સોનગઢની પાસે જીંથરી–અમરગઢની ઈસ્પિતાલમાં ફોટો પડાવવા આવવું પડે છે, તો હે જીવ! આ
જન્મ–મરણનો રોગ તને અનંત ભવથી લાગુ પડ્યો છે, તે મટાડવાનો ઉપાય તો સત્સમાગમે પૂછ! તારા
આત્માનો ફોટો તો પડાવ.
જેમ ચણામાં મીઠાસ ભરી છે, તો તેને સેકતાં મીઠાસ પ્રગટે છે. તેમ આત્મામાં આનંદ ભર્યો છે, તેથી
આત્માનું ભાન કરતાં આનંદ પ્રગટે છે. અજ્ઞાનરૂપી કચાસને લીધે તેને આનંદને બદલે દુઃખનું વેદન થાય છે.
આત્માનું જ્ઞાન કરવું તે જ આનંદનો ઉપાય છે. જ્ઞાનીનો સમાગમ કરીને અંતર્મુખ ઊતરે તો આત્માનું ભાન
થાય; આવા આત્માના ભાન વગર અનંતકાળથી જીવ ચાર ગતિના પરિભ્રમણમાં દુઃખી થઈ રહ્યો છે.
પુણ્યથી તે સ્વર્ગમાં જાય છે ને ત્યાંથી પાછો ચાર ગતિમાં રખડે છે; પાપથી નરકમાં જાય છે. મોક્ષનો
ઉપાય તો પુણ્ય અને પાપ બંનેથી જુદી જાતનો છે. આવા મોક્ષના ઉપાયને ઓળખવો તે ધર્મ છે. આવો મનુષ્ય
અવતાર પામીને, અરે આત્મા! તારા આત્માનું હિત કેમ થાય તેનો તું વિચાર કર. બીજું તો બધું સંસારમાં
મળવું સહેલું છે. પણ આ એક શુદ્ધ આત્માની ઓળખાણ જ બહુ દુર્લભ છે. સંતો તે વાત સમજાવે છે, માટે હે
જીવ! તું આત્માની ઓળખાણ કર.