Atmadharma magazine - Ank 163
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page  


PDF/HTML Page 25 of 25

background image
ATMADHARMA Regd. No. B. 4787
મૃતક કલેવરમાં મૂર્ચ્છા
પાંચ ઈન્દ્રિયોથી અને મનથી મને કિંચિત્ પણ લાભ થાય–એવો જેનો અભિપ્રાય છે તે જીવ અચેતન
શરીરમાં જ મૂર્છાયેલો છે, ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માને તે જાણતો નથી.
ચૈતન્ય ભગવાન આત્મા પોતે મનનો કે ઈન્દ્રિયોનો વિષય થતો નથી, તે તો અંતર્મુખી અતીન્દ્રિય
જ્ઞાનનો જ વિષય છે. આવા આત્માની અજ્ઞાનીને ખબર નથી, તેથી તે ઈન્દ્રિયમનના વિષયોમાં જ લુબ્ધ છે.
જેમ કેશરીસિંહ પોતાને બકરું માનીને વાડામાં પૂરાઈ જાય તેમ પરમપુરુષાર્થી ચૈતન્યસિંહ પોતાને જડ
શરીરરૂપે માનીને અજ્ઞાનને લીધે આ સંસારરૂપી જેલમાં પૂરાયો છે... અહો! આ ચૈતન્યમૂર્તિ અમૃતસ્વરૂપ
ભગવાન આત્મા, પોતાને ભૂલીને, મૃતક–કલેવર જડપિંડમાં મૂર્ચ્છાઈ પડ્યો!
અવિકારી આનંદની અનુભૂતિને બદલે, અજ્ઞાનથી ક્રોધાદિ વિકારનો જ કર્તા થઈને અજ્ઞાની તેને જ
અનુભવે છે. જ્ઞાની તો ભેદજ્ઞાનના બળથી ચૈતન્યને અને ક્રોધને જુદા પાડીને, પોતાના આનંદમય ચૈતન્યરસને
જ અનુભવે છે. અજ્ઞાની તો મૃતકકલેવરમાં એવો મૂર્છાઈ ગયો છે કે તેનાથી જુદો ચૈતન્યસ્વભાવ તેને દેખાતો
જ નથી.
(સ. ગા. ૯૬ પ્રવચનમાંથી.)
હે જીવ! સ્વસમયમાં પ્રવૃત્તિ કર
જ્ઞાન સમસ્ત અચેતન પદાર્થોથી જુદું જ છે. જેમ ધર્માસ્તિકાય કે ઝાડ વગેરે દ્રવ્યો જીવને પરાણે ખેંચીને
ચલાવતા નથી કે રોકતા પણ નથી, તેમજ તે પદાર્થો જ્ઞાનને પરાણે પોતાના તરફ ખેંચતા નથી કે રોકતા પણ
નથી. તે ધર્માસ્તિકાય કે ઝાડ વગેરે અન્ય પદાર્થોની જેમ જ કર્મો પણ જીવથી જુદી જ વસ્તુ છે; તેથી તે કર્મો પણ
જીવના જ્ઞાનને કાંઈ કરતા નથી. જીવ જ્યારે પોતાના જ્ઞાનસ્વરૂપથી ખસે છે ત્યારે જ તેને રાગ–દ્વેષ–મોહ થાય
છે, પણ કર્મો કાંઈ તેને રાગ–દ્વેષ–મોહ કરાવતાં નથી. જીવ જો પોતાના જ્ઞાનસ્વરૂપમાં રહે તો તેને રાગ–દ્વેષ–મોહ
થતા નથી.–આમ જાણીને, હે જીવ! તું સ્વસમયમાં પ્રવૃત્તિ કર એટલે કે દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ તારા
આત્માને ઓળખીને તેમાં એકાગ્ર થા; અને પરસમયથી નિવૃત્તિ કર એટલે કે કર્મ વગેરેનું લક્ષ છોડી દે.
(પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી)
મુદ્રક :– હરિલાલ દેવચંદ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ, ભાવનગર (સૌરાષ્ટ્ર)
પ્રકાશક :– સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી હરિલાલ દેવચંદ શેઠ–ભાવનગર (સૌરાષ્ટ્ર)