Atmadharma magazine - Ank 163
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
: વૈશાખ : ૨૪૮૩ આત્મધર્મ : ૨૩ :
પુ રુ ષા ર્થ ના ઝ ણ ઝ ણા ટ
(––પૂ. ગુરુદેવની ચર્ચામાંથી)
જ્ઞાનસ્વભાવના આદર સિવાય બીજી વાત સાંભળવી નહિ; કર્મો આત્માને હેરાન કરે–એવી
પુરુષાર્થહીનતાની વાત સાંભળવી નહિ. જેમ–પોતે પુરુષ હોય અને કોઈ કહે “તું પુરુષ નથી પણ પાવૈયો છો”–
તો ત્યાં કેવું ચાનક ચડાવીને વિરોધ કરે! પુરુષ હોય તેનાથી નપુંસકતાની વાત સાંભળી ન જાય,–અંદરથી
ઝણઝણાટ કરતો નકાર આવે.–તેમ અહીં પુરુષાર્થવંત એવો ભગવાન આત્મા પુરુષ, તેને કોઈ કુગુરુઓ કહે કે
‘કર્મો અને કાળ તારા પુરુષાર્થને રોકે’––તો એમ કહેનારે આત્માને પુરુષાર્થહીન–નપુંસક કહ્યો છે. પુરુષાર્થી–
આત્માર્થી જીવ એવી વાત સાંભળી શકે નહિ, તેનો આત્મા પુરુષાર્થહીનતાની વાત જીરવી શકે નહિ, અંદરથી
બેધડક નકાર આવે; તે વખતે તેને એમ ન થાય કે ‘શાસ્ત્રમાં શું કહ્યું છે તે જોઉં. ’ જેના આત્મામાં મોક્ષ
માટેના પુરુષાર્થનો ઝણઝણાટ જાગ્યો છે તે પુરુષાર્થહીનતાની વાત સાંભળી શકે નહિ. ‘કર્મો પુરુષાર્થને રોકે
અથવા તો ગમે તેટલો પુરુષાર્થ કરવા છતાં મુક્તિ ન થાય’ એવા પ્રકારનું કથન જે કહેતા હોય તે શાસ્ત્રો
ખોટાં, તે ગુરુ ખોટા, તે સંપ્રદાય ખોટો,–એવા કુગુરુ, કુશાસ્ત્ર કે કુમાર્ગને ધર્મી જીવ આદરે નહિ, બેધડકપણે
તેમની શ્રદ્ધા છોડી દ્યે.
જેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા છે, જેણે પુરુષાર્થ વડે કેવળી ભગવાનના કેવળજ્ઞાનનો નિર્ણય કર્યો છે એવા
પુરુષાર્થી જીવના અનંતભવ ભગવાને દીઠા જ નથી. સર્વજ્ઞનો નિર્ણય કરવાના પુરુષાર્થવડે જેનો આત્મા
ઝણઝણી ઊઠયો છે તે જીવ જ “પુરુર્ષાથવડે ભવનો નાશ ન થાય”–એવી પુરુષાર્થહીનતાની વાત સાંભળી શકે
નહિ, તેને એમ થાય કે અરે! આવી પુરુષાર્થહીનતાની વાત જગતના કોઈ જીવોને સાંભળવા મળશે નહિ.
સત્ એટલે આત્માનો વાસ્તવિક સ્વભાવ, તેની જે ક્ષણે ઓળખાણ થાય તે ક્ષણે જ તેનો આદર થાય
ને અસત્નો આદર છૂટી જ જાય. “અત્યારે સંયોગો એવા પ્રતિકૂળ છે કે સત્ની વાત જાહેરમાં માનશું ને
અસત્ને છોડી દઈશું તો પ્રતિકૂળતા આવી પડશે ને લોકો ગાંડો ગણશે, માટે હમણાં આ વાત ચોકખી ન
કરવી” –આમ જે માને છે તે સંયોગની અનુકૂળતા ખાતર આત્માને વેચી નાંખે છે, તેને ખરેખર આત્માનો
મહિમા ભાસ્યો જ નથી, સત્ની ઓળખાણ તેને થઈ જ નથી; તેને આત્માનો પ્રેમ નથી પણ સંયોગનો પ્રેમ છે,
તેથી તે પુરુષાર્થહીનપણાની વાતો કરે છે. જેને આત્માનો પ્રેમ જાગ્યો છે... જેને પુરુષાર્થનો રંગ લાગ્યો છે...
જેને સત્નો મહિમા ભાસ્યો છે તેને તો એમ થાય કે અરે! ત્રણ કાળ ત્રણ લોક એક સાથે પ્રતિકૂળ થઈ જાય
તો પણ હું મારા સ્વભાવની રુચિ કેમ છોડું? જગત ભલે ગાંડો કહે–પણ હું સત્ને છોડીને અસત્ને કેમ
આદરું? સંયોગ ખાતર સ્વભાવને કેમ વેચી નાંખું? અજ્ઞાની મૂઢ જીવોનો સ્વભાવ સત્નો વિરોધ અને નિંદા
કરવાનો છે, તેમના ઊંધા સ્વભાવને તે અજ્ઞાનીઓ નથી છોડતા, તો મારા સવળા સ્વભાવને હું કેમ છોડું?
સ્વભાવને કોઈ સંયોગની કે બીજાના ટેકાની જરૂર નથી. સંયોગ ખાતર હું મારા સ્વભાવના આદરમાં જરાય
હીણપત નહીં આવવા દઉં. મારી ચૈતન્યસત્તા સ્વતંત્ર છે, પરતંત્ર નથી; મારો આત્મા પુરુષાર્થવંત છે, નપુંસક
નથી. આત્માર્થી જીવને તો સ્વભાવની વાત સાંભળતાં પુરુષાર્થનો પાનો ચડે છે, પણ અજ્ઞાની–મૂઢજીવો
પુરુષાર્થહીન–નપુંસક છે, તેમને સ્વભાવની વાત સાંભળીને પાનો ચડતો નથી–અંદરથી જોર ઊછળતું નથી,
તેઓ તો પુરુષાર્થહીનતામાં જ અટકી ગયા છે. પુરુષાર્થ વંત જીવો તો સ્વભાવની વાત સાંભળતાં ઊછળી પડે
છે કે વાહ! આવો મારો સ્વભાવ!! તેને હવે પ્રાપ્ત કર્યે જ છૂટકો... હવે અમારા પુરુષાર્થને જગતમાં કોઈ રોકી
નહિ શકે... અમારા પુરુષાર્થમાં હવે કોઈ વિઘ્ન છે જ નહીં.
જેને આત્માની રુચિનો આવો પુરુષાર્થ જાગ્યો તે જીવ, સત્સ્વભાવથી વિરુદ્ધ વાતની હા ન પાડે, લાખો
કે કરોડો લોકો ભેગા થઈને વિરોધ કરે તો પણ તે પોતાના પુરુષાર્થમાંથી ડગે નહિં... સત્યની દ્રઢતા છોડે
નહિ... પુરુષાર્થ વડે સ્વભાવની રુચિનું પાણી ચડયું તે ચડયું, હવે તે ઊતરે નહિ, અલ્પકાળમાં પોતાનું કાર્ય
પૂરું જ કરે.