Atmadharma magazine - Ank 163
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 25

background image
: ૪ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
દેવની ભક્તિ અને ઉલ્લાસ દેખીને ભક્તોને પણ ઘણો જ હર્ષ થયો...આ રીતે શાશ્વત તીર્થરાજની એક મહાન્
ઐતિહાસિક યાત્રા કરીને, ત્યારબાદ ખંડગીરી–ઉદયગીરી વગેરે યાત્રા કરતા કરતા, અને કલકત્તા, દિલ્હી, જયપુર
વગેરે પ્રધાન જૈન નગરોમાં થતા થતા, પૂ. ગુરુદેવ વૈશાખ સુદ છઠ્ઠે શાંતિધામ સોનગઢ પધાર્યા છે... ને છ–છ
મહિનાથી સૂની લાગતી આ સુવર્ણપુરી ફરીને ઝાકઝમાળ બનીને શોભી રહી છે.
પૂ. ગુરુદેવનો આ યાત્રાપ્રવાસ મહામંગલકારી થયો...અનેક પવિત્ર તીર્થો, હજારો જિનમંદિરો, હજારો વર્ષ
પુરાણા અને વિશાળ જિનપ્રતિમાઓ, તથા પુરાણી ગુફાઓ વગેરેનાં દર્શન થયા...આજે પણ પૂ. ગુરુદેવ જ્યારે
જ્યારે તે સર્વનું ભાવપૂર્વક સ્મરણ કરે છે ત્યારે ત્યારે ભક્તોનાં હૈયાં ફરીને ભક્તિથી રોમાંચિત થઈ જાય છે.
ગુરુદેવ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં હજારો લાખો જિજ્ઞાસુઓએ ગુરુદેવના દર્શનનો અને વાણીનો લાભ લીધો
છે...ને ઘણો પ્રેમ બતાવીને ગુરુદેવનું સ્વાગત કર્યું છે.
આવા મહામંગલ કાર્ય કરીને પૂ. ગુરુદેવ જ્યારે સોનગઢ પધાર્યા ત્યારે ભક્તોએ ઘણા ઉલ્લાસપૂર્વક ભવ્ય
સ્વાગત કર્યું હતું. સૌરાષ્ટ્રના ગામે ગામથી ભક્તજનો આ સ્વાગતમાં ભાગ લેવા આવ્યા હતા... સોનગઢના
આગેવાન માણસોએ પણ તેમાં ભાગ લીધો હતો...આ પ્રસંગે ઠેકાણે ઠેકાણે દરવાજાઓ, મંડપ, કમાનો, રંગોળી,
ધજા–વાવટા ને તોરણો વગેરેથી સુવર્ણપુરીને શણગારવામાં આવી હતી. ચાંદીનો દરવાજો તેમજ હારનો દરવાજો
વગેરેથી સ્વાધ્યાયમંદિર શોભતું હતું. ગુરુદેવ પધારતાં આખી નગરીની શોભા પલટી ગઈ હતી, ને ચારે કોર
પ્રસન્નતાનું વાતાવરણ છવાઈ ગયું હતું.
પૂ. ગુરુદેવ પધારતાં જ ભક્તજનોએ હૈયાના ઉમળકાથી વધાવીને સ્વાગત કર્યું... જય જયકારથી ને
બેન્ડવાજાંના મંગલનાદથી સુવર્ણપુરીનું વાતાવરણ ગાજી ઊઠયું... દૂરથી માનસ્તંભના દર્શન થતાં ગુરુદેવ
એકીટસે તેની સામે નીહાળી રહ્યા... પછી જિનમંદિરમાં આવીને વહાલા સીમંધર નાથને ભેટતાં ગુરુદેવ થોડી
વાર તો સ્તબ્ધ બનીને શાંતિથી ભગવાન સામે નીહાળી જ રહ્યા ...પછી વંદન કરીને ભક્તિપૂર્વક અર્ધ ચડાવ્યો...
સીમંધર નાથ અને તેમના લઘુનંદનના મિલનનું આ દ્રશ્ય હજારો ભક્તજનો આશ્ચર્યથી નિહાળી રહ્યા.
ત્યારબાદ હજારો ભક્તોના હર્ષનાદ વચ્ચે ગુરુદેવે સ્વાધ્યાય મંદિરમાં પ્રવેશ કર્યો... ને અદ્ભુત શાંતિપૂર્વક
માંગળિક સંભળાવતાં, આનંદભાવ અને શાંતિભાવથી ભરેલા આત્માના પરમ સ્વભાવનો મહિમા બતાવ્યો...
આત્માના પરમ ભાવનો આવો હૃદયસ્પર્શી મહિમા ભક્તો શાંતચિત્તે સ્તબ્ધ બનીને સાંભળતા હતા. માંગળિક
બાદ સંઘ તરફથી વિદ્વાન ભાઈ શ્રી હિંમતલાલ જે. શાહે ભાવભીનું સ્વાગત પ્રવચન કર્યું, એક બાલિકાએ
સ્વાગત–ગીત ગાયું, ને સ્વાગત નિમિત્તે આવેલ ભક્તિભર્યા સંદેશાઓ વાંચી સંભળાવવામાં આવ્યા... છેવટે પૂ.
બેનશ્રીબેને અંતરની ઊર્મિ ભરેલું એક સ્વાગત ગીત ગવડાવ્યું...
આ રીતે સોનગઢમાં પૂ. ગુરુદેવના ભવ્ય સ્વાગતપૂર્વક તીર્થયાત્રા–મહોત્સવ મંગલપૂર્વક પૂર્ણ થયો.
કહાન ગુરુદેવનો આ તીર્થયાત્રા મહોત્સવ જયવંત વર્તો....
આ યાત્રા મહોત્સવ ભવ્ય જીવોને કલ્યાણકારી હો...
સર્વે પવિત્ર તીર્થધામોને ફરીફરીને નમસ્કાર હો...