Atmadharma magazine - Ank 164
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 23

background image
હે જીવ! ચૈતન્યતત્ત્વનો પ્રેમ કર.
[પોલારપુરમાં પૂ. ગુરુદેવનું પ્રવચનઃ કારતક વદ ચોથ]
આત્માનો ધર્મ શું છે–તેની આ વાત છે.
ભગવાન સર્વજ્ઞદેવ જ્યારે પોતાના પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવને પામ્યા, અને જગતના પદાર્થોને જાણ્યા, ત્યારે
તેમની દિવ્ય વાણીમાં ચૈતન્ય તત્ત્વનો જે ઉપદેશ નીકળ્‌યો તેનું આ વર્ણન છે. આત્મા ચૈતન્યસ્વરૂપ છે તેને પોતાથી
એકત્વ ને પરથી પૃથક્ત્વ છે. આવા આત્મસ્વરૂપનું શ્રવણ મળવું દુર્લભ છે.
આ સંસારમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરતા જીવોને મનુષ્યપણું મળવું બહુ દુર્લભ છે, ને મનુષ્યપણામાં
પણ ચૈતન્યતત્ત્વની વાતનું શ્રવણ બહુ દુર્લભ છે. નરકના અવતાર અનંતવાર જીવે કર્યા, સ્વર્ગના અવતાર તેનાથી
પણ અનંતગુણા કર્યા; તે સ્વર્ગના અવતાર કરતા પણ મનુષ્યપણું જગતને દુર્લભ છે. છતાં મનુષ્યપણું પણ અનંતવાર
જીવ પામી ચૂક્યો છે; પરંતુ મનુષ્યપણામાંય આત્માની સાચી ઓળખાણ બહુ દુર્લભ છે. જીવોને “બોધિ” બહુ દુર્લભ
છે તેથી શાસ્ત્રોએ “બોધિદુર્લભ” ભાવના વર્ણવી છે. સ્વર્ગના દેવો પણ એવી ભાવના કરે છે કે મનુષ્ય અવતાર
પામીને મુનિ થઈને ક્યારે આત્માના આનંદમાં લીન થઈએ ને ક્યારે મુક્તિ પામીએ! આત્માના આનંદની પ્રાપ્તિ
થાય તેનું નામ મુક્તિ છે.
અહીં આચાર્યદેવ કહે છે કે–હે જીવ! તારો આત્મા આ દેહાદિથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છે તેને તું જાણ–
चित्तत्वं यत्प्रतिप्राणी देह एव व्यवस्थितम् ।
तमच्छन्ना न जानन्ति भ्रमन्ति च बहिर्बहिः ।। ४।।
આજે વિહારનો ચોથો દિવસ છે ને આ ચોથો શ્લોક વંચાય છે! તેમાં કહે છે કે અહો, આ ચૈતન્ય સ્વરૂપ
આત્મા દરેક પ્રાણીના દેહમાં સ્થિત છે, પરંતુ અજ્ઞાનથી અંધ થયેલા લોકો તેને જાણતા નથી ને બહારમાં ભમે છે.
જુઓ, જગતમાં આ ચૈતન્ય હીરો જ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. લોકો બહારમાં સુખ માને છે પણ તેમાં સુખ નથી.
એક પંડિત કરોડોની કિંમતનો કોહીનૂર હીરો જોવા ગયો. કોઈએ તેને પૂછયુંઃ કેમ પંડિતજી! કેવો હીરો? ત્યારે પંડિતજી એ
જવાબ આપ્યો કે ભાઈ! હીરો કિંમતી તો ખરો, પણ જો આ આંખ ન હોય તો તે હીરાને કોણ દેખે? હીરાને તો આંખ
દેખે છે, તેથી ખરી કિંમત તો આંખની છે.–એ તો દ્રષ્ટાંત છે. તેમ આ આત્મા જગતનો જાણનાર ચૈતન્ય હીરો છે; જો તે ન
હોય તો જગતના અસ્તિત્વને કોણ જાણે? માટે જગતમાં સૌથી ઉત્તમ તો આ ચૈતન્યરત્ન જ છે.
આ શરીરની એક આંખ કરોડો રૂા. આપતાં પણ નથી મલતી; પરંતુ જો અંદર ચૈતન્ય ન હોય તો આ આંખ
વગેરે પણ શું કામનાં? માટે ચૈતન્ય તત્ત્વ જ જગતમાં ઉત્તમ છે.
જુઓ, આ સંતો ચૈતન્ય તત્ત્વનાં વખાણ કરે છે. શરીરના કે કુટુંબના વખાણ કરે ત્યાં જીવો પ્રેમથી તે સાંભળે છે,
પણ ચૈતન્ય તત્ત્વનો પ્રેમ તેણે કદી પ્રગટ કર્યો નથી. જગતને બહારના વિષયોનો રસ છે પણ અંતરના ચૈતન્યતત્ત્વનો
પ્રેમ નથી. જો આત્માનો પ્રેમ કરે તો તેમાં અતીન્દ્રિય આનંદ ભર્યો છે તેનો સ્વાદ આવે. “રાજરત્ન” નું બિરુદ મળે ત્યાં
તો રાજી–રાજી થઈ જાય, પણ આ “ચૈતન્યરત્ન” નું બિરુદ ભગવાને આપ્યું છે તેને જીવ ઓળખતો નથી. સાત પેઢીનાં
જેઠઃ ૨૪૮૩
ઃ પઃ