Atmadharma magazine - Ank 164
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 23

background image
અને જ્ઞાન એ ચાર કલ્યાણક અહીં થયા છે. અને ભગવાન વાસુપૂજ્ય સિવાયના ૨૩ તીર્થંકરોના સમવસરણ અહીં
આવ્યા છે, તેથી આ પાવન તીર્થ છે.
અહીં કહે છે કે આત્મધ્યાનમાં અનુરક્ત સંતોના ચરણોથી સ્પર્શાયેલી ભૂમિ તે તીર્થ છે અને તે અનેક જીવોને
તારનાર છે. ભૂમિ તે તો ભૂમિ જ છે, પણ જે ભૂમિમાં આત્માના જ્ઞાન–આનંદને પામેલા જીવો વિચર્યા તે ભૂમિને
જોતાં આત્માના જ્ઞાન–આનંદનું સ્મરણ જાગે છે કે અહો! આત્માના અતીન્દ્રિય જ્ઞાન–આનંદને પામેલા સર્વજ્ઞો
અને સંતો અહીં આ ભૂમિમાં વિચર્યા છે. તેથી ભૂમિ પણ તરવાનું નિમિત્ત હોવાથી તે તીર્થ છે. ભાવ તીર્થ તો
આત્માનું જ્ઞાન–ધ્યાન છે, પણ તે જ્ઞાનધ્યાનવાળા સંતો જ્યાં વિચર્યા તે ભૂમિ પણ તીર્થ છે; જે કાળમાં તે
વિચર્યા તે કાળ પણ મંગળ છે. આવી તીર્થભૂમિને જોતાં આત્માના જ્ઞાન–આનંદને લક્ષમાં લઈને તે જ્ઞાન–
આનંદ સ્વભાવ તરફ જે જીવ ઝૂકે છે તે જીવ ભવથી તરી જાય છે.
આમ ભાવ તીર્થ વડે જે જીવ તરે છે તેને
તરવામાં આ ક્ષેત્ર પણ નિમિત્ત છે તેથી તે પણ તીર્થક્ષેત્ર છે.
“આ રાજગૃહી વગેરે પવિત્ર તીર્થ છે”–એમ કોણ ખરેખર કહી શકે? કે આ ભૂમિમાં વિચરેલા જ્ઞાન–
આનંદધારક સંતોના જ્ઞાન–આનંદનું લક્ષ જેને હોય ને તેનું સ્મરણ કરે તે એમ કહે છે કે–અહો! જ્ઞાન ને આનંદનું
આ તીર્થ છે. આ ભૂમિમાં શાસનનું પ્રવર્તન થયું છે. પોતાના આત્મામાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ તીર્થનું પ્રવર્તન
થયું તે પોતાનું જૈનશાસન છે. અહીં ભગવાનના સમવસરણમાં અનેક જીવો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ તીર્થને
પામ્યા છે. અષાડ વદ એકમે અહીં ભગવાનના સમવસરણમાં ચાર તીર્થની સ્થાપના થઈ; એ રીતે ભગવાનના
શાસનપ્રવર્તનની આ ભૂમિ છે; તેથી આ તીર્થ છે.
તીર્થ એટલે જેનાથી તરાય તે; અહીં ભૂમિને તીર્થ કહ્યું. પણ ભૂમિ તો ભૂમિ જ છે, તેનામાં કાંઈ તરવાનો
ભાવ નથી. પણ તરવાના ભાવવાળા (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રધારક) સંતો જ્યાં વિચર્યા ત્યાં તે ભાવતીર્થનો
આરોપ કરીને ભૂમિને પણ તીર્થ કહ્યું. અહો, આત્માના જ્ઞાન–ધ્યાનમાં લીન સંતો જે ભૂમિમાં વિચર્યા તે ભૂમિ
જગતમાં તીર્થ છે. તે સંતોના ચરણોથી જે ધૂળ સ્પર્શાઈ તે ધૂળ પણ તીર્થ છે.
જેને આત્માના જ્ઞાન–ધ્યાનનો પ્રેમ
છે તે જ્ઞાન–ધ્યાનનું સ્મરણ કરીને આવી ભૂમિનું પણ બહુમાન કરે છે કે અહો! જ્ઞાન–ધ્યાનધારક વીતરાગી સંતો
અહીં વિચરતા હતા......
જેને જ્ઞાન–ધ્યાનનો પ્રેમ નથી ને રાગની રુચિ છે તે વીતરાગી સંતોનો કે તેમની ભૂમિનો ખરો આદર કરી
શકશે નહિ. જ્ઞાની ધર્માત્માને તો આવી તીર્થભૂમિ જોતાં આત્માના જ્ઞાન–આનંદનું સ્મરણ થાય છે; એ રીતે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તીર્થ સાથેની સંધિપૂર્વક તીર્થયાત્રાની આ વાત છે.
જેને આત્માના જ્ઞાન–આનંદનું ભાન હોય તેને તેનું સ્મરણ થાય. પણ “હું પૂર્વે સિદ્ધ થઈ ગયો હતો.” એવું
સ્મરણ કોઈને થતું નથી કેમકે સિદ્ધદશા પૂર્વે થઈ નથી તેથી તેનું સ્મરણ ન હોય. તેમ આવા તીર્થધામને જોતાં
આત્માના જ્ઞાન–આનંદનું સ્મરણ થાય છે. પણ કોને? કે જેને અંતરમાં આત્માના જ્ઞાન–આનંદનું લક્ષ થયું છે તેને
તેનું સ્મરણ થાય છે, ને તેમાં નિમિત્તરૂપ હોવાથી આ ભૂમિ પણ તીર્થ છે. આ રીતે ઉપાદાન–નિમિત્તની સંધિ છે.
એકલી ભૂમિનું જ્ઞાન તે તો એકાંત પરપ્રકાશક છે, તેમાં બહુ તો શુભ ભાવ થાય, પણ તે કાંઈ તરવાનું કારણ નથી.
તરવાનું કારણ તો સમ્યગ્જ્ઞાન છે. આત્માના જ્ઞાન–આનંદનું ભાન અને સ્મરણ તે સ્વપ્રકાશક છે, ને તેમાં નિમિત્તરૂપ
આ રાજગૃહી આદિ તીર્થક્ષેત્રનું જ્ઞાન તે પર પ્રકાશક છે. આવું સ્વ–પરપ્રકાશક સમ્યગ્જ્ઞાન થયું તે તીર્થ છે;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવતીર્થ ધારક સંતો જ્યાં જ્યાં વિચર્યા તે ક્ષેત્ર પણ જગતમાં તીર્થ છે. તેથી અહીં
(તત્ત્વજ્ઞાનતરંગિણીમાં) કહ્યું કેઃ–
तीर्थतां भूः पदेः स्पृष्टा नाम्ना योऽधचयःक्षयं ।
सुरौधौ याति दासत्वं शुद्धाचिद्रक्तचेतसां ।। २२।।
જે મહાત્મા સંતો શુદ્ધ ચિદ્રૂપના ધારક છે ને તેના ધ્યાનમાં અનુરક્ત છે તેમના ચરણોથી સ્પર્શાયેલી ભૂમિ
પણ જગતમાં અનેક જીવોને સંસારથી તારનાર ‘તીર્થ’ બની જાય છે અને તેના નામસ્મરણથી સમસ્ત પાપોનો નાશ
થઈ જાય છે ને અનેક દેવો તેના દાસ બની જાય છે.
ઃ ૪ઃ
આત્મધર્મઃ ૧૬૪