Atmadharma magazine - Ank 168
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 25

background image
વર્ષ ચૌદમું સમ્પાદક આસો
અંક બારમું રામજી માણેકચંદ દોશી ૨૪૮૩
ભ્રાન્તિ ટળી.ને.ભાન થયું ત્યારે
જેમ અંધારાને લીધે કોઈ પુરુષ ઝાડના ઠુંઠાને કે પત્થરના પાળીયાને પુરુષ માનીને તેને
બોલાવે, તેના ઉપર પ્રેમ કરે, તેની સાથે લડે, લડતાં લડતાં તે પોતાના ઉપર પડે ત્યાં એમ માને
કે આણે મને દાબ્યો, ને કહે કે ભાઈ સા’બ! હવે ઊઠ.....એમ અનેક પ્રકારે તેની સાથે ભ્રાંતિથી
ચેષ્ટાઓ કરે, પણ જ્યાં પ્રકાશ થાય ત્યાં દેખાય કે અરે, આ તો પુરુષ નથી પણ પત્થર છે–ઠુંઠ છે,
મેં ભ્રાંતિથી વ્યર્થ ચેષ્ટા કરી! તેમ અજ્ઞાની જીવ અજ્ઞાનરૂપી અંધારાને લીધે અચેતન શરીરાદિને
જ આત્મા માનીને તેથી સાથે પ્રીતિ કરતો, બાહ્ય વિષયોને પોતાના ઈષ્ટ–અનિષ્ટકારી માનીને
તેમની સાથે રાગ–દ્વેષ કરતો, અને દેહની ક્રિયાઓ તે મારી જ છે–હું જ ખાઉં છું, હું જ બોલું છું–
એમ માનીને ભ્રાંતિથી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતો; પણ જ્યાં જ્ઞાનપ્રકાશ થયો ને
સ્વસંવેદનવડે આત્માને દેહથી અત્યંત ભિન્ન જાણ્યો ત્યાં ધર્મી જાણે છે કે અરે! મેં પૂર્વે
અજ્ઞાનદશામાં ભ્રમણાથી દેહને જ આત્મા માનીને વ્યર્થ ચેષ્ટાઓ કરી. પણ હવે ભાન થયું કે આ
દેહ તો મારાથી જુદો છે. હું અરૂપી ચૈતન્યસ્વરૂપની સ્વસંવૈદ્ય છું; શરીરથી મારી અત્યંત જુદો
અચેતન છે; જેમ લાકડાનો થાંભલો મારાથી જુદો છે તેમ આ દેહ પણ મારાથી જાત જ જુદી છે.
શરીર રૂપી, હું અરૂપી; શરીર જડ, હું ચેતન;
શરીર સંયોગી, હું અસંયોગી; શરીર વિનાશી, હું અવિનાશી;
શરીર આંધળું, હું દેખતો. શરીર ઈન્દ્રિયગ્રાહ્ય, હું અતીન્દ્રિય– સ્વસંવેદનગ્રાહ્ય;
.
આ રીતે શરીરને અને મારે અત્યંત ભિન્નતા છે. આવા અત્યંત ભિન્નપણાના વિવેકથી
જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં ધર્મીને શરીરની ચેષ્ટાઓ પ્રત્યે ઉદાસીનતા થઈ ગઈ છે, અર્થાત્ શરીરની
ચેષ્ટા મારી છે–એમ હવે જરા પણ ભાસતું નથી. અજ્ઞાનપણામાં જડ ઈન્દ્રિયોને પોતાની માનીને
ઈન્દ્રિયોનો દાસ–વિષયોનો ગુલામ–થઈ રહ્યો હતો, ને હવે જ્ઞાનદશામાં પોતાને જડ ઈન્દ્રિયોથી
ભિન્ન જાણ્યો છે તેથી જ્ઞાની ઈન્દ્રિયોનો દાસ નથી પણ તેનાથી ઉદાસ છે. ને અતીન્દ્રિય આત્માનો
દાસ (ઉપાસક) છે. આ રીતે દેહાદિથી અત્યંત ઉપેક્ષિત થઈને ચિદાનંદસ્વરૂપની ઉપાસનાવડે તેને
સમાધિ (એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર)ની પ્રાપ્તિ થાય છે. દેહાદિથી ભિન્ન આત્મતત્ત્વના
ચિંતન વિના કદી સમાધિ થાય જ નહિ.
(–સમાધિશતક પ્રવચનોમાંથી)