તે જિનજ્ઞાન પ્રભાવકર સમક્તિદ્રષ્ટિ જાણવો. ૨૩૬
ચેતયિતા એટલે કે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો છે અર્થાત્ પોતાના જ્ઞાનસ્વભાવરૂપી
મનરૂપી રથ–પંથમાં એટલે કે જ્ઞાનમાર્ગમાં જ ભ્રમણ કરે છે; આ રીતે સ્વભાવરૂપી રથમાં બેસીને જ્ઞાનમાર્ગમાં પ્રયાણ
કરતો થકો, જ્ઞાનસ્વરૂપમાં પરિણમતો થકો, સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરે છે. અંતરમાં
જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતાવડે ધર્મીને જ્ઞાનનો વિકાસ જ થતો જાય છે, એ જ ભગવાનના માર્ગની ખરી પ્રભાવના છે.
ભગવાનના માર્ગ પ્રત્યે અતિશય બહુમાન હોવાથી તેનો મહિમા જગતમાં કેમ વધે–એવો વ્યવહારપ્રભાવનાનો ભાવ
ધર્મીને આવે છે. પણ, અંતરમાં જેણે ભગવાનનું અને ભગવાનના કહેલા જ્ઞાનમાર્ગનું ખરું સ્વરૂપ ઓળખ્યું હોય એટલે
કે જ્ઞાનસ્વભાવરૂપી રથમાં આરૂઢ થઈને પોતામાં જ્ઞાનમાર્ગની નિશ્ચય પ્રભાવના પ્રગટ કરી હોય તેને જ સાચી વ્યવહાર
પ્રભાવના! ‘પ્ર...ભાવના’ એટલે કે ચૈતન્યસ્વરૂપની વિશેષ ભાવના કરી કરીને ધર્મી જીવ પોતાની જ્ઞાનશક્તિનો
ફેલાવ કરે છે, એ જ પ્રભાવના છે. જ્ઞાનની વિશેષ ભાવનારૂપ પ્રભાવનાવડે ધર્મીને નિર્જરા જ થતી જાય છે. જુઓ,
લોકોને જૈનધર્મનો મહિમા આવે ને એ રીતે જૈનધર્મની પ્રભાવના થાય.–આ તો વ્યવહાર પ્રભાવના છે, શુભરાગ વખતે
એવો પ્રભાવનાનો ભાવ પણ ધર્મીને આવે છે. અહો! આવો વીતરાગી જૈનમાર્ગ! તે લોકમાં પ્રસિદ્ધ થાય ને લોકો તેનો
મહિમા જાણે એવો ભાવ ધર્માત્માને આવે છે. અને નિશ્ચયથી જ્ઞાનને અંતરના ચૈતન્યરથમાં જોડીને સ્વભાવની વિશેષ
ભાવનાવડે પોતાના જ્ઞાનની પ્રભાવના કરે છે. ‘હું જ્ઞાયક છું’ એવો જે અનુભવ થયો છે તેમાં વારંવાર ઉપયોગને
વાળતો ધર્માત્મા પોતાના આત્માને જિનમાર્ગમાં આગળ વધારે છે, તે નિશ્ચયથી પ્રભાવના છે. પુણ્ય–પાપના રથમાંથી
ઉતારીને ચૈતન્યરથમાં આત્માને બેસાડવો, અને એ રીતે ચૈતન્યરથમાં બેસાડીને આત્માને જિનમાર્ગે–મોક્ષમાર્ગે લઈ
જવો તે ધર્મની ખરી પ્રભાવના છે; આવી પ્રભાવનાથી ધર્મીને ક્ષણે ક્ષણે નિર્જરા થતી જાય છે, ને અપ્રભાવનાકૃત બંધન
તેને થતું નથી.
જે નિઃશંકતા આદિ આઠ અંગો છે તે પરને આશ્રિત હોવાથી વ્યવહાર છે. અહીં તો નિર્જરા અધિકાર છે, એટલે
નિર્જરાના કારણરૂપ નિશ્ચય આઠ અંગોનું વર્ણન આચાર્યદેવે આઠ ગાથાઓ દ્વારા કર્યું છે. આ આઠ અંગરૂપી તેજસ્વી
કિરણોથી ઝગઝગતા સમ્યગ્દર્શનરૂપી સૂર્યનો પ્રતાપ સર્વે કર્મોને ભસ્મ કરી નાંખે છે.
જયવંતો વર્તો!