Atmadharma magazine - Ank 169
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
ઃ૮ઃ આત્મધર્મઃ ૧૬૯
અહીં વાત્સલ્યના વર્ણનમાં પણ આચાર્યદેવે અદ્ભુત વાત કરી છે. સમકિતીને રત્નત્રય પ્રત્યે પરમવાત્સલ્ય હોય
છે; કેમ? તો કહે છે કે રત્નત્રયને પોતાથી અભેદબુદ્ધિએ દેખતો હોવાથી, તેના પ્રત્યે તેને પરમવાત્સલ્ય હોય છે. જુઓ,
આ વાત્સલ્યમાં રાગની કે વિકલ્પની વાત નથી, પણ ‘સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તો મારો સ્વભાવ જ છે’–એમ
રત્નત્રયને પોતાના આત્મા સાથે અભેદપણે અનુભવવા, તેનાથી જરાય ભેદ ન રાખવો, એ જ તેના પ્રત્યેનું
પરમવાત્સલ્ય છે. જે ચીજને પોતાની માને તેના પ્રત્યે પ્રેમ હોય છે. જેમ ગાયને પોતાના વાછરડાં ઉપર અતિશય પ્રેમ
હોય છે તેમ ધર્મી જાણે છે કે આ રત્નત્રય તો મારા ઘરની–મારા સ્વભાવની ચીજ છે તેથી તેને રત્નત્રય પ્રત્યે અતિશય
પ્રેમ હોય છે.
‘શ્રદ્ધા’ ને એકપણું જ ગમે છે, તેને ભેદ કે અધૂરાશ ગોઠતા જ નથી. સમ્યક્શ્રદ્ધા વડે ધર્માત્મા
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને પોતાના આત્મા સાથે અભેદબુદ્ધિએ દેખે છે; રાગાદિ સાથે તેને પોતાની એકતા
ભાસતી જ નથી. આ રીતે જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિમાં ધર્માત્મા રત્નત્રયને પોતાની સાથે અભેદબુદ્ધિએ દેખતો
હોવાથી, તે રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે તે અત્યંત પ્રીતિવાળો છે, મોક્ષમાર્ગ તરફ તેને પરમવાત્સલ્ય હોય છે,
ને રાગાદિ વિભાવ પ્રત્યે તેને પ્રેમ હોતો નથી.
જુઓ, આ ધર્મીનું વાત્સલ્ય અંગ! ધર્મીને પોતાના આત્મામાં જ રતિ–પ્રીતિ છે. ગાથા ૨૦૬માં કહ્યું હતું કે–
આમાં સદા પ્રીતિવંત બન,
આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત,
તુજને સુખ અહો! ઉત્તમ થશે.
હે ભવ્ય! તું આમાં–આ જ્ઞાનસ્વરૂપ આત્મામાં નિત્ય પ્રીતિ કર, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા;
તને ઉત્તમ સુખ થશે.
અહો! જેણે આત્માનું હિત કરવું હોય–ખરું સુખ જોઈતું હોય, તેણે આત્માનો પરમ પ્રેમ કરવા જેવો છે. શ્રીમદ્
રાજચંદ્ર પણ કહે છે કે ‘જગત ઇષ્ટ નહિ આત્માથી.’ એટલે જે ધર્મી છે અથવા ધર્મનો ખરો જિજ્ઞાસુ છે તેને જગત
કરતાં આત્મા વહાલો છે, આત્મા કરતાં જગતમાં કાંઈ તેને વહાલું નથી.
જુઓ, ગાયને પોતાના વાછરડાં પ્રત્યે કેવો પ્રેમ હોય છે! ને બાળકને પોતાની માતા પ્રત્યે કેવો પ્રેમ હોય છે!!
તેમ ધર્મીને પોતાના રત્નત્રયસ્વભાવરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે અભેદબુદ્ધિથી વાત્સલ્ય હોય છે. આમાં રાગની વાત નથી પણ
રત્નત્રયમાં જે અભેદબુદ્ધિ છે તે જ પરમ વાત્સલ્ય છે. અને પોતાને રત્નત્રયમાં પરમ વાત્સલ્ય હોવાથી બહારમાં બીજા
જે જે જીવોમાં રત્નત્રયધર્મને દેખે છે તેમના પ્રત્યે પણ તેને વાત્સલ્યનો ઊભરો આવ્યા વિના રહેતો નથી, તે વ્યવહાર
વાત્સલ્ય છે.
ધર્માત્માને જગતને વિષે પોતાનો રત્નત્રયસ્વરૂપ આત્મા જ પરમ પ્રિય છે, સંસાર સંબંધી બીજું કાંઈ
પ્રિય નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયને ધર્મી જીવ પોતાના આત્મા સાથે અભેદપણે દેખે છે, તેથી
તેને મોક્ષમાર્ગનો અત્યંત પ્રેમ છે, ને નિમિત્ત તરીકે મોક્ષમાર્ગના સાધક સંતો પ્રત્યે તેને પરમ આદર હોય છે,
તેમજ એ મોક્ષમાર્ગ દર્શાવનારા સર્વજ્ઞ ભગવાન અને વીતરાગી શાસ્ત્રો પ્રત્યે પણ પ્રેમ આવે છે. કુદેવ–કુગુરુ–
કુધર્મ પ્રત્યે કે મિથ્યાત્વાદિ પરભાવો પ્રત્યે ધર્મીને સ્વપ્ને ય પ્રેમ આવતો નથી. આ રીતે પોતાના આત્મા સાથે
અભેદરૂપે જ મોક્ષમાર્ગ–(સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ માર્ગ) ને દેખતો હોવાથી ધર્માત્માને માર્ગની અપ્રાપ્તિને
લીધે થતું બંધન થતું નથી પણ નિર્જરા જ થાય છે. માર્ગને તો પોતાના આત્મા સાથે અભેદપણે જ દેખે છે,
તેથી માર્ગ પ્રત્યે તેને પરમ વાત્સલ્ય છે. જુઓ, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રય પ્રત્યે જેને અભેદબુદ્ધિ
હોય તેને જ મોક્ષમાર્ગ પ્રત્યે ખરું વાત્સલ્ય છે; જેને રત્નત્રય પ્રત્યે જરા પણ ભેદબુદ્ધિ છે એટલે કે રત્નત્રયને
અભેદઆત્માના આશ્રયે જ ન માનતાં રાગના કે પરના આશ્રયે રત્નત્રયની પ્રાપ્તિ થવાનું જે માને છે તેને
ખરેખર રત્નત્રય ઉપર વાત્સલ્ય નથી, પણ તેને તો રાગ ઉપર અને પર ઉપર વાત્સલ્ય છે. ધર્મી–સમ્યગ્દ્રષ્ટિ તો
રત્નત્રયને પોતાથી અભેદબુદ્ધિએ દેખતો હોવાથી, એટલે કે પરના આશ્રયે જરા પણ નહિ દેખતો હોવાથી, તેને
રત્નત્રય પ્રત્યે પરમ વાત્સલ્ય હોય છે.